મુંબઈ : ચોરીઓ અટકાવવા બોરીવલીના સ્થાનિકો પોલીસની મદદે આવ્યા

14 September, 2020 09:51 AM IST  |  Mumbai | Pallavi Smart

મુંબઈ : ચોરીઓ અટકાવવા બોરીવલીના સ્થાનિકો પોલીસની મદદે આવ્યા

શનિવારે બોરીવલીના રહેવાસીઓ, પોલીસ અને ભૂતપૂર્વ કૉર્પોરેટર વચ્ચે થયેલી મીટિંગ

બોરીવલીની આઇસી કૉલોની અને આસપાસના વિસ્તારોમાં ઘરફોડી અને ચેન ખેંચવાના બનાવોમાં આવેલા ઉછાળાને પગલે ચિંતિત લોકોએ વૉચ ગ્રુપ બનાવીને પોલીસની મદદ કરવાનો નિર્ણય લીધો છે.

સંબંધિત વિસ્તારના રહેવાસીઓ અને પોલીસ તેમ જ ભૂતપૂર્વ નગરસેવક વચ્ચે શનિવારે યોજાયેલી મીટિંગમાં એવો નિર્ણય લેવાયો હતો કે દરેક સોસાયટીના વૉચમેન રાતના સમયે ગલીઓમાં ચોકી કરશે. આ ઉપરાંત સીસીટીવી કૅમેરા અને અલાર્મ ઇન્સ્ટોલ કરાશે. કોમન વૉટ્સએપ ગ્રુપ પર રાતના ફરજ પર રહેનાર પોલીસની વિગતો શૅર કરવામાં આવશે જેથી તાકીદના સમયે સ્થાનિકો તેમની સહાય મેળવી શકે.

આઇસી કૉલોનીના એક ઘરમાં પ્રવેશતા ચોરોનો સીસીટીવી ગ્રેબ

એક અઠવાડિયામાં ત્રણ ઘરમાં ચોરી થઈ હતી, જેમાંની બે એક જ રાતમાં થઈ હતી. જોકે ત્રીજી ચોરી થતાં પહેલાં જ પાડોશીનું ધ્યાન જતાં ચોર પોતાના કામમાં સફળ થઈ શક્યા નહોતા.

આઇસી કૉલોની વિસ્તારમાં આવેલી જમુના કો-ઓપ. હાઉ. સોસાયટીના એક રહેવાસીએ જણાવ્યું હતું કે અમે લગભગ ૧૯૮૦થી આ વિસ્તારમાં રહીએ છીએ પણ આવી ઘટના ક્યારેય બની નથી.

લૉકડાઉનને કારણે અનેક લોકો પોતાનું ઘર છોડીને વતનના ગામે જતા રહ્યા છે. જ્યારે કે કેટલાક લોકો આ મહામારી સામે લડી રહ્યા છે. અમે તેમને મદદ કરવાની ભાવના સાથે આગળ આવ્યા છીએ એમ કૉર્પોરેટર અભિષેક ઘોસાળકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું.

borivali mumbai mumbai news coronavirus pallavi smart