વીજવપરાશનાં જંગી બિલ ફરિયાદો તાકીદે ઉકેલવા મહાવિતરણને હાઈ કોર્ટનો આદેશ

15 July, 2020 07:02 AM IST  |  Mumbai | Agencies

વીજવપરાશનાં જંગી બિલ ફરિયાદો તાકીદે ઉકેલવા મહાવિતરણને હાઈ કોર્ટનો આદેશ

બૉમ્બે હાઈ કોર્ટ

વીજવપરાશનાં જંગી રકમોનાં બિલોની ફરિયાદોની સુનાવણી તાકીદે હાથ ધરીને વહેલી તકે ઉકેલ લાવવાનો આદેશ મહાવિતરણના ટૂંકા નામે ઓળખાતી મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL)ને આપ્યો હતો. મુંબઈના વેપારી રવીન્દ્ર દેસાઈ અને સાંગલીના વેપારી એમ. ડી. શેખની જનહિતની અરજીઓની સુનાવણીમાં ન્યાયમૂર્તિ પી. બી. વરાળે અને ન્યાયમૂર્તિ મિલિંદ જાધવની ડિવિઝન બેન્ચે ઉપરોક્ત આદેશ આપ્યો હતો. સાંગલીના રહેવાસી 62 વર્ષના એમ. ડી. શેખે જંગી રકમનાં ઇલેક્ટ્રિસિટી બિલો વિશે તપાસ માટે સત્યશોધક સમિતિ નિયુક્ત કરવાની માગણી કરી હતી.

અરજદારે અદાલતનો ચુકાદો ન આવે ત્યાર સુધી બિલ નહીં ભરવાની છૂટ માગી હતી. રવીન્દ્ર દેસાઈએ 25 જૂને MSEDCLમાં જંગી રકમના બિલની ફરિયાદ કરી હતી અને ચાર દિવસો પછી જવાબની રાહ જોયા વગર વડી અદાલતમાં અરજી કરી હતી. એથી બેન્ચે દેસાઈને એ ફરિયાદ બાબતે ફરી MSEDCL સમક્ષ પહોંચવા અને કંપનીને ફરિયાદની તાત્કાલિક સુનાવણી પૂરી કરીને નિકાલ લાવવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો : વિરામ બાદ મુંબઈ અને કોકણમાં ફરી વરસાદની જોરદાર એન્ટ્રી

રવીન્દ્ર દેસાઈએ આગલા મહિનાના બિલની રકમ કરતાં દસગણી રકમનું બિલ આવ્યાની ફરિયાદ 29 જૂનની જનહિતની અરજીમાં કરી હતી. જોકે મહાવિતરણનાં વકીલ દીપા ચૌહાણે જણાવ્યું હતું કે ‘MSEDCLના અધિકારીઓ બિલોની મોટી રકમની ફરિયાદોની તપાસ કરે છે. મોટા ભાગનાં બિલોમાં ભૂલ કે ખામી નથી. મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (MERC)ની માર્ગદર્શક સૂચનાઓ અનુસાર લૉકડાઉનના અનુસંધાનમાં માર્ચ મહિનાના અંતમાં મીટર-રીડિંગ બંધ કરવામાં આવ્યું હતું. ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં સર્વસામાન્ય વપરાશની સરેરાશને આધારે બિલો મોકલવામાં આવ્યાં હતાં. MSEDCL તથા અન્ય પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓએ જૂન મહિનામાં ત્રણેક મહિનાનું મીટર-રીડિંગ કરીને બિલ મોકલ્યું હોવાથી લોકોને એ મોટી રકમનું બિલ જણાઈ રહ્યું છે.’

mumbai mumbai news bombay high court brihanmumbai electricity supply and transport maharashtra