બૉલીવુડ અભિનેતાની આત્મહત્યાના કેસની તપાસ અન્ય ઑફિસર કરશે

21 March, 2021 11:14 AM IST  |  Mumbai | Shirish Vaktania

mumbai bollywood actor sandeep nahars suicide case will be investigated by an other officer

સંદીપ નાહર

બૉલીવુડ અભિનેતા સંદીપ નાહરની આત્મહત્યાના કેસમાં તપાસ અધિકારીએ આરોપીઓની ધરપકડ કરવાને બદલે તેમને શહેરમાંથી બહાર નાસી છૂટવામાં મદદ કરી હોવાનો મરનારના પરિવારે આક્ષેપ કરતાં આ કેસની તપાસ સિનિયર અધિકારીને સોંપવામાં આવી છે. મરનારના ભાઈ મનીષ નાહરે ડેપ્યુટી પોલીસ-કમિશનર (ઝોન-11)ને પત્ર પાઠવીને આ કેસ માટે નવા તપાસ અધિકારી નીમવાની માગણી કરી હતી.

સંદીપ નાહરે ૧૫ ફેબ્રુઆરીએ ગોરેગામના તેના નિવાસસ્થાને ગળે ફાંસો ખાઈ લીધો હતો. આત્મહત્યા કરતાં પહેલાં સંદીપ સોશ્યલ મીડિયા પર લાઇવ થયો હતો અને તેણે દાવો કર્યો હતો કે તેની પત્ની કંચન શર્મા અને સાસુ વિનુ શર્મા તેને પરેશાન કરી રહ્યાં હતાં અને એને કારણે તેણે જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો. સંદીપના પિતા વિજયકુમાર નાહરે ગોરેગામ પોલીસ-સ્ટેશને આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરવા સંદર્ભની ફરિયાદ નોંધાવી હતી.

મનીષ નાહરે ‘મિડ-ડે’ને જણાવ્યું કે ‘એક મહિનો વીત્યા છતાં ગોરેગામ પોલીસે હજી આરોપીઓની ધરપકડ કરી નથી. હું નિયમિત અપડેટ મેળવવા તપાસ અધિકારીનો સંપર્ક કરતો હતો, પણ તેમણે કદી અમને કેસ વિશે કોઈ માહિતી આપી નહોતી. મારા ભાઈની પત્ની કંચને સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની માગણી કરી હતી જે અદાલતે ઠુકરાવી દીધી હતી. એ માહિતી પણ અમને અપાઈ નહોતી.’

અભિનેતા સંદીપ નાહરે ‘એમએસ ધોની : ધી અનટોલ્ડ સ્ટોરી’ અને ‘કેસરી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેણે સુસાઇડ-વિડિયોમાં જણાવ્યું હતું કે ‘મારી પત્ની કંચન અને સાસુ વિનુ શર્મા બન્ને નિયમિત મને પરેશાન કરી રહ્યાં છે અને તેઓ માનસિક બીમાર છે. આત્મહત્યા ઉચિત પગલું નથી, પણ મારી પાસે બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી.’

mumbai mumbai news shirish vaktania suicide