વિદ્યાવિહારના નીલકંઠ કિંગ્ડમના 374 ફ્લૅટધારકોનું ભાવિ અધ્ધરતાલ

24 August, 2019 10:08 AM IST  |  મુંબઈ | વિનોદ કુમાર મેનન

વિદ્યાવિહારના નીલકંઠ કિંગ્ડમના 374 ફ્લૅટધારકોનું ભાવિ અધ્ધરતાલ

વિદ્યાવિહાર-વેસ્ટના વિશાળ હાઉસિંગ કૉમ્પ્લેક્સ નીલકંઠ કિંગ્ડમના ૩૭૪ ફ્લૅટધારકોને વિવિધ નિયમોના ઉલ્લંઘન બદલ અને ડેવલપર તથા લાઇસન્સ્ડ સર્વેયરને ઑક્યુપેશન સર્ટિફિકેટ (ઓ.સી.) ન હોવા બદલ મહાનગરપાલિકાએ શો-કૉઝ નોટિસો મોકલી છે. ફ્લૅટ્સના માલિકોને ઑક્યુપેશન સર્ટિફિકેટ વગરના મકાનમાં શા માટે રહો છો? અને ડેવલપરને ઑક્યુપેશન સર્ટિફિકેટ વગરના બિલ્ડિંગના ફ્લૅટ્સનો કબજો લોકોને શા માટે આપ્યો? એવો સવાલ પાલિકાએ નોટિસમાં પૂછ્યો છે. આ કૉમ્પ્લેક્સમાં અંદાજે ૪૭૫ ફ્લૅટ્સ છે.

મહાનગરપાલિકાએ પચીસ એકરના ક્ષેત્રમાં ફેલાયેલા નીલકંઠ કિંગ્ડમનાં ૭ બિલ્ડિંગ્સના ૩૭૪ ફ્લૅટધારકોનું રહેવાસીઓને નોટિસ મોકલવા ઉપરાંત દાદરની ૪૨મી કોર્ટમાં કેસ પણ દાખલ કર્યો છે. ૨૨ ઑગસ્ટે એની પહેલી સુનાવણી બાદ આગામી સુનાવણીની તારીખ ત્રીજી ઑક્ટોબર નક્કી કરવામાં આવી છે. ‘મિડ-ડે’ના અનેક પ્રયાસો છતાં નીલકંઠ રિયલ્ટર્સના બિલ્ડર મુકેશ પટેલનો સંપર્ક નહોતો થઈ શક્યો.

પ્રૉપર્ટીના કેસના જાણીતા વકીલ અને નીલકંઠ કિંગ્ડમનાં મકાનોની કો-ઑપરેટિવ સોસાયટી બનાવવામાં સહયોગી રહેલા વિનોદ સંપટે જણાવ્યું હતું કે ‘મુંબઈ શહેરમાં હજારો મકાન વર્ષોથી કમ્પ્લીશન સર્ટિફિક્ટ અથવા ઑક્યુપેશન સર્ટિફિકેટ વગરનાં છે. મહાનગરપાલિકાનો બિલ્ડિંગ પ્રપોઝલ ડિપાર્ટમેન્ટ તથા લોકલ વૉર્ડ ઑફિસ અનેક ગેરરીતિઓ તરફ આંખ આડા કાન કરવા માટે જાણીતાં છે. તેમના આંખ આડા કાનને કારણે જ ઉક્ત સર્ટિફિકેટ વગરનાં મકાનોમાં લોકોને ફ્લૅટ્સનો કબજો મેળવવાની મોકળાશ પણ મળે છે. ઑક્યુપેશન સર્ટિફિકેટ વગરનાં મકાનોના પાણીપુરવઠાના દર બમણા હોય છે. આવાં મકાનોને પાણીપુરવઠાનો મુદ્દો કોર્ટમાં કે અન્યત્ર ઊભો થાય ત્યારે પાલિકા તરફથી કહેવામાં આવે છે કે માનવતાની દૃષ્ટિએ વૉટર-કનેક્શન આપવામાં આવ્યું છે. કોઈ પણ બિલ્ડિંગમાં નવો ફ્લૅટ ખરીદતી વખતે ગ્રાહકોએ ઉક્ત સર્ટિફિકેટ મળ્યાં હોવાની પૂછપરછ પહેલાં કરી લેવી જોઈએ અને બીજી પણ કાળજી રાખવી જોઈએ. મહાનગરપાલિકાની પરવાનગી ન મળી હોય તો બૅન્કો બિલ્ડર્સને પેમેન્ટ રોકે છે અને વ્યાજ ફ્લૅટ્સના માલિકો પાસેથી વસૂલ કરે છે.’

મુંબઈ મહાનગરપાલિકાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘વિદ્યાવિહાર (વેસ્ટ)ના નીલકંઠ કિંગ્ડમ પ્રોજેક્ટને હજી સુધી ઑક્યુપેશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું નથી છતાં એ કૉમ્પ્લેક્સનાં મકાનોના ફ્લૅટ્સમાં લોકો રહેતા હોવાથી તેમને અને બિલ્ડરને કાયદેસર શો-કૉઝ નોટિસ આપવામાં આવી છે અને એ બાબત તરફ મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ કોર્ટનું ધ્યાન પણ દોરવામાં આવ્યું છે. એ કેસ બાબતે નિર્ણય લઈને કોર્ટ નિયમભંગ બદલ દંડની રકમ પણ નક્કી કરશે.’

આ પણ વાંચોઃ ભગવાન શ્રીકૃ્ષ્ણના જન્મદિવસ નિમિતે દેશ-વિદેશમાં ભવ્ય ઉજવણીઓ શરૂ થઇ

નીલકંઠ કિંગ્ડમના ફ્લૅટમાલિકોનાં સૉલિસિટર શ્રુતિ ગલિયાએ જણાવ્યું હતું કે સિવિક નિયમોનું પાલન કરવામાં બિલ્ડરની નિષ્ફળતાને લીધે આ પ્રોજેક્ટમાં પોતાના મહેનતના પૈસા રોકનાર લોકોએ સહન કરવું પડે છે એ કમનસીબ વાત છે.

mumbai mumbai news