અમિત શાહને પડકારવાનું ઉદ્ધવ ઠાકરેનું ગજું નથી

25 September, 2022 10:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાની તાકાત પર એક પણ વખત સરકાર ન બનાવી શકનારા શિવસેનાના નેતા મહિનામાં ચૂંટણી કરવાનો પડકાર ફેંકે એ સૂરજ સામે અરીસો ધરવા જેવી વાત હોવાનું આશિષ શેલારે કહ્યું

ફાઇલ તસવીર

શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ બૉમ્બે હાઈ કોર્ટે તેમને શિવાજી પાર્કમાં દશેરાસભા યોજવા માટેની મંજૂરી આપ્યા બાદ કહ્યું હતું કે અમિત શાહમાં હિંમત હોય તો તેઓ એક મહિનામાં ચૂંટણી યોજીને બતાવે. મુંબઈ બીજેપીના અધ્યક્ષ આશિષ શેલારે ગઈ કાલે ઉદ્ધવ ઠાકરેને જવાબ આપતાં કહ્યું હતું કે ‘કાગડો ક્યારેય હંસની ચાલ ન ચાલી શકે. એકલા હાથે સત્તા મેળવવાનાં ફાંફાં છે એવા લોકો બીજેપીના કેન્દ્રીય પ્રધાનને પડકારી રહ્યા છે. શિવસેના-પ્રમુખે આત્મચિંતન કરવાની જરૂર છે.’

મુંબઈ બીજેપીના અધ્યક્ષ ઍડ. આશિષ શેલારે ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે એકપાત્ર પ્રયોગ કર્યો હતો. તેમણે બે હજાર જેટલા લોકો સામેની સભામાં પીએફઆઇ અથવા આતંકવાદી ઇસ્લામી સંગઠન વિશે કેમ કંઈ નહોતું કહ્યું? આનો તેઓ જવાબ આપશે? કોસ્ટ રોડ માટે ચેન્નઈમાં બેઠક યોજવામાં આવી હોવાની વાત ખોટી છે. આદિત્ય ઠાકરેએ અત્યારે ચા પીવાને બદલે બીજું જ કોઈ પીણું પીવાનું શરૂ કર્યું હોવાનું લાગે છે. તેમણે આટલું ખોટું બોલવાની જરૂર નથી. ઉદ્ધવ ઠાકરે અમિત શાહને એક મહિનામાં ચૂંટણી યોજવાનો પડકાર કરે છે. મારે તેમને કહેવું છે કે કાગડો ક્યારેય હંસની ચાલ ન ચાલી શકે. જેમણે અત્યાર સુધીમાં એક પણ વખત એકલા હાથે સત્તા નથી મેળવી તેઓ કેન્દ્ર અને અનેક રાજ્યમાં સરકાર બનાવનાર બીજેપીને પડકારી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેનું ગજું નથી કે તેઓ બીજેપીનો સામનો કરી શકે.’

પુણેમાં પાકિસ્તાન ઝિંદાબાદના સૂત્રોચ્ચારથી લાલઘૂમ

એનઆઇએ અને ઈડીએ પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા (પીએફઆઇ) સામે દેશભરમાં કાર્યવાહી કરવા સામે ગઈ કાલે પુણેમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’, ‘નારા એ તકબીર’, ‘અલ્લાહ હૂ અકબર’નો સૂત્રોચ્ચાર થયો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. પુણે શહેર પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. નાયબ મુખ્ય પ્રધાન અને રાજ્યના ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘જો મહારાષ્ટ્ર કે ભારતના કોઈ પણ ભાગમાં પાકિસ્તાન ઝિંદાબાદનો સૂત્રોચ્ચાર કોઈ કરશે તો તેને છોડવામાં નહીં આવે. તેમની સામે કઠોર કાર્યવાહી કરવામાં આવશે.’

મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ આ વિશે કહ્યું હતું કે ‘ભારતમાં પાકિસ્તાન ઝિંદાબાદ અને અલ્લાહ-હૂ-અકબર થશે તો હિન્દુઓ ચૂપ નહીં બેસે. તમારો ધર્મ લઈને પાકિસ્તાન ભેગા થઈ જાઓ.’ 
તેમણે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને રાજ્યના ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને કહ્યું હતં કે આ કીડાઓનો નાશ કરવામાં જ હિન્દુસ્તાનનું હિત છે.

કોર્ટમાં કેમ વિશ્વાસ વધ્યો? : સુધીર મુનગંટીવાર

એકનાથ શિંદેએ શિવસેનામાં બળવો કર્યા બાદ વિવિધ મામલે કોર્ટે ચુકાદા આપ્યા હતા એની સામે ઉદ્ધવ ઠાકરે જૂથે અવિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કોર્ટ એકતરફી નિર્ણય લઈ રહી હોવાનો આરોપ કર્યો હતો. શુક્રવારે જોકે બૉમ્બે હાઈ કોર્ટે દશેરાસભાનો ચુકાદો ઉદ્ધવ ઠાકરે જૂથની તરફેણમાં આપ્યો હતો એટલે તેમણે એને વધાવી લીધો હતો. આ વિશે બીજેપીના નેતા સુધીર મુનગંટીવારે ગઈ કાલે કહ્યું હતું કે ‘ચુકાદો કે નિર્ણય પોતાની તરફેણમાં ન આવે તો કોર્ટ અન્યાય કરે છે અને જ્યારે તરફેણમાં આપે તો કોર્ટની વાહ-વાહ કરવામાં આવે છે. દશેરાસભાના નિર્ણય બાદ ઉદ્ધવ ઠાકરે જૂથના નેતાઓ હવે ક્યારેય કોર્ટની ભૂમિકા પર શંકા વ્યક્ત નહીં કરે એવી આશા છે. તેમને હવે ખ્યાલ આવશે કે કોર્ટ ક્યારેય પુરાવા વિના કોઈની તરફેણ કે વિરોધમાં નિર્ણય નથી કરતી.’

ફુલ ટાઇમ અધ્યક્ષ હોવા જોઈએ : પૃથ્વીરાજ ચવાણ

કૉન્ગ્રેસમાં અત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે ગઈ કાલે કહ્યું હતું કે ‘પક્ષનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ જી-૨૩ નેતાઓએ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી યોજવાની માગણી કરી હતી એ સ્વીકારી એ સારી વાત છે. આ ચૂંટણી પારદર્શક રીતે થવી જોઈએ. અત્યારે રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતનું નામ આ પદ માટે સૌથી આગળ ચાલી રહ્યું છે. મારા મતે પાર્ટટાઇમ નહીં, ફુલ ટાઇમ અધ્યક્ષ બનાવવામાં આવે તો સારું રહેશે. અધ્યક્ષ બન્યા બાદ ઉપલબ્ધ ન રહે એનો કોઈ અર્થ નથી. એક તરફ આપણે નરેન્દ્ર મોદીને હુકુમશાહ કહીએ છીએ ત્યારે કૉન્ગ્રેસ પક્ષ લોકશાહી મુજબ ચાલે એ પક્ષ અને બધા માટે હિતાવહ રહેશે.’

સુપ્રિયા સુળેનો મુખ્ય પ્રધાનની ખુરસી પર બેસવાનો વિવાદ

એનસીપીએ ગઈ કાલે એકનાથ શિંદે જૂથના પ્રવક્તાએ બારામતીનાં સાંસદ અને શરદ પવારનાં પુત્રી સુપ્રિયા સુળેનો મહાવિકાસ આઘાડી સરકાર વખતે મુખ્ય પ્રધાનની ખુરસી પર બેસવાનો મૉર્ફ કરેલો ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કરવા સામે મુંબઈ પોલીસને ફરિયાદ નોંધીને પગલાં લેવાની માગણી કરી હતી. શુક્રવારે શ્રીકાંત શિંદે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ખુરસીમાં બેસીને કામ કરી રહ્યા હોવાનો ફોટો એનસીપીએ વાઇરલ કર્યા બાદ એકનાથ શિંદે જૂથનાં પ્રવક્તા શીતલ મ્હાત્રેએ પણ તેમના ટ્વિટર હૅન્ડલ પરથી એક પોસ્ટ કરી હતી જેમાં સુપ્રિયા સુળે મુખ્ય પ્રધાનની ખુરસીમાં બેસેલાં હતાં. આ ફોટો મૉર્ફ કરેલો હોવાનો દાવો કરીને એનસીપીની પદાધિકારી અદિતિ નલાવડેએ વરલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી 
હતી અને ટ્વીટ કરનારાં શીતલ મ્હાત્રે સામે પગલાં લેવાની માગણી કરી હતી. ફોટો મૉર્ફ કરેલો હોવાની જાણ થયા બાદ શીતલ મ્હાત્રેએ માફી માગી લીધી હતી.

mumbai mumbai news bharatiya janata party amit shah shuddhi