જો તમે મોદી નામના ગુંડાની વાત કરતા હો તો તેનો ફોટો અને વિગતો જાહેર કરો

20 January, 2022 09:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજેપીના નેતાનું કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષને આહવાન : નાના પટોલે સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મુંબઈ બીજેપીના નેતાઓ ચર્ચગેટમાં ગાંધીજીના પૂતળા પાસે કરશે વિરોધ

ચર્ચગેટ પર ઉપવાસ આંદોલન કરી રહેલા બીજેપીના નેતા-કાર્યકરો

કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની સાથે અપશબ્દો કહેવાના વિરોધમાં મુંબઈ બીજેપી દ્વારા ગઈ કાલે બપોરથી ચર્ચગેટમાં ગાંધીજીના પૂતળા પાસે આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. વડા પ્રધાનને મારી શકું છું અને અપશબ્દો પણ કહી શકું છું એવું કહેતો નાના પટોલેનો વિડિયો વાઇરલ થયાના ૩૬ કલાક બાદ પણ પોલીસ કે પ્રશાસન દ્વારા તેમની સામે કોઈ કાર્યવાહી ન કરાતાં જ્યાં સુધી નાના પટોલે સામે પગલાં નહીં લેવાય ત્યાં સુધી બીજેપીનું ઉપવાસ આંદોલન ચાલું રહેશે, એમ મુંબઈ બીજેપીના અધ્યક્ષ મંગલ પ્રભાત લોઢાએ કહ્યું હતું. જોકે, ગઈ કાલે મોડી સાંજે પોલીસે આંદોલનકારીઓની અટક કરીને આંદોલન વિખેરી નાખ્યું હતું.
કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેનો મોદીને મારી શકું છું અને અપશબ્દો પણ કહી શકું છું એમ કહેતો વિડિયો વાઇરલ થયા બાદ બીજેપીએ આક્રમક વલણ અપનાવ્યું છે. નાના પટોલેએ એવી સ્પષ્ટતા કરી છે કે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે નહીં પણ ગામના સ્થાનિક ગુંડા મોદી વિશે બોલ્યો હતો. જોકે જે ગામમાં તેમણે આવું કહ્યું હતું ત્યાં મોદી નામનો કોઈ ગુંડો રહેતો ન હોવાનું ગામજનોનું કહેવું છે. એટલું જ નહીં, ગઈ કાલે રાજ્યના ભૂતપૂર્વ મિનિસ્ટર અને બીજેપીના વિધાનસભ્ય સંભાજી પાટીલ નિલંગેકરે પણ નાના પટોલેના ખુલાસાને ખોટો લેખાવીને તેમને જો કોઈ આવો ગુંડો હોય તો તેનો ફોટો અને વિગતો જાહેર કરવાનું આહવાન આપ્યું હતું.
મુંબઈ બીજેપીના અધ્યક્ષ અને મલબાર હિલ વિસ્તારના વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાએ ચર્ચગેટમાં ઉપવાસ આંદોલન શરૂ કર્યા બાદ પત્રકારોએ પૂછેલા જવાબમાં કહ્યું હતું કે ‘અમે મંગળવારે જ રાજ્યપાલને મળીને નાના પટોલે સામે પગલાં નહીં લેવામાં આવે ત્યાં સુધી આંદોલન કરવાનું નિવેદન આપ્યું હતું. આથી અમે ગઈ કાલથી ચર્ચગેટમાં ગાંધીજીના પૂતળા પાસે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. દેશના વડા પ્રધાનને એક રાષ્ટ્રીય પક્ષના નેતા ધાકધમકી આપે એ શરમજનકની સાથે આઘાતજનક છે. નાના પટોલે સામે જ્યાં સુધી કાર્યવાહી નહીં કરાય ત્યાં સુધી અમારું ઉપવાસ આંદોલન ચાલુ રહેશે.’

mumbai mumbai news narendra modi