મુંબઈ: પેરાટ્રુપિંગ કરી રહેલી રોશની રાંકા હવે દીક્ષા લેવા સજ્જ

03 April, 2019 12:12 PM IST  |  | અલ્પા નિર્મલ

મુંબઈ: પેરાટ્રુપિંગ કરી રહેલી રોશની રાંકા હવે દીક્ષા લેવા સજ્જ

રોશની રાંકા

રાઇફલ શૂટિંગમાં સ્ટેટ લેવલ ચૅમ્પિયન, હૉકીમાં અવ્વલ NCC (નૅશનલ કેડેટ કોપ્સ)ની ત્રણ વર્ષની તાલીમ દરમ્યાન બેસ્ટ અને જૂજ કેડેટને મળતી પેરાટ્રુપિંગની ૬ મહિનાની કઠિન ટ્રેઇનિંગ લેનાર રૉક કલાઇમ્બિંગ રિવર રાફ્ટિંગનો ઍડ્વાન્સડ કોર્સ કરનાર હૈદરાબાદની રોશની રાંકા દીક્ષા ગ્રહણ કરી જૈન સાધ્વી બનશે. ૨૩ મેના અમદાવાદમાં અન્ય ૧૮ મુમુક્ષુઓ સાથે ૩૨ વર્ષની રોશની પ્રવજ્યા અંગીકાર કરશે.

નાનપણથી જ ઘરમાં સંસ્કાર મેળવેલા હોય, પરિવારમાંથી કોઈએ દીક્ષા લીધી હોય તો દીક્ષાનો ભાવ જાગવો સહજ છે, પણ નાનપણથી ટોમબૉય જેવી, ઍડ્વેન્ચર્સ ઍક્ટિવિટી અને આઉટડોર રમતગમતમાં માહેર રોશની ધર્મ માર્ગે વળી ચારિત્ર રૂપી ઉચ્ચતમ શિખર સર કરશે એ વાત અકલ્પનીય છે. મૂળ રાજસ્થાનના બાડમેરની અને હૈદરાબાદમાં બૉર્ન ઍન્ડ બ્રોટ અપ રોશની ‘મિડ-ડે’ને કહે છે, ‘કોઈ બીજી વ્યક્તિ માટે નહીં, પણ એક દશકા પહેલાં મારી માટે પણ હું દીક્ષા લઈશ એ વાત અકલ્પનીય જ હતી. ઘરમાં મમ્મી થોડો ઘણો ધર્મ કરે, વધુ કશું નહીં. પજુષણ હોય ત્યારે અમે બધાં ભાઈ-બહેન ચોવિહાર કરીએ, ધેટસ ઑલ. શાળા જીવનમાં પણ એવું જ હતું ને કૉલેજ કાળમાં પણ એ જ લાઇફ સ્ટાઇલ. સ્કૂલમાં હતી ત્યારે સ્ટેટ લેવલ સુધી રાઇફલ શૂટિંગ કર્યું, હૉકી રમી, પછી કૉલેજમાં આવીને NCC જૉઇન્ટ કર્યું. એમાં જ હું પેરાટ્રુપિંગની ટ્રેઇનિંગ માટે સિલેક્ટ થઈ અને એ માટે ૬ મહિના આગરા રહી. આ ટ્રેઇનિંગ માટે સિલેક્ટ થવું બહુ મોટી ઑપોર્ચ્યુનિટી. હાર્ડેસ્ટ ગ્રાઉન્ડ ટ્રેઇનિંગ ઉપરાંત પેરાટ્રુપિંગની કેળવણી માટે મન અને શરીર બહુ મજબૂત જોઈએ. તે પણ સારા ગ્રેડે પાસ કર્યું. ઊડતા પ્લેનમાંથી જમ્પ પણ કયાર઼્.

પેરાટ્રુપિંગમાં અમુક હાઇટ ઊંચે પ્લેનમાંથી પેરાશૂટ લઈ જમ્પ કરવાનો હોય છે એ પહેલાં જાતજાતના કરતબ કરવાના હોય છે. આ ટ્રેઇનિંગ ઇન્ડિયન ઍરફોર્સમાં જોડાવા માટે પણ મહkવની હોય છે. જોકે રોશનીને ઍરફોર્સમાં નહોતું જોડાવું, તેને IPS ઑફિસર બનવું હતું. હૈદરાબાદમાં બિઝનેસ કરતાં સૂરજમલ રાંકા અને મંજુ દેવી રાંકાની વચેટ દીકરી રોશની કહે છે ‘ગ્રેજ્યુએશન અને ફ્ઘ્ઘ્ની ટ્રેઇનિંગ પત્યા પછી મેં રિવર રાફ્ટિંગ અને રૉક ક્લાઇમ્બિંગનો ઍડ્વાન્સ કોર્સ જૉઈન કર્યો. એ માટે એક મહિનો કેરïળ રહી. એ દરમ્યાન પયુર્ષણ આવતા હતા. મારા મમ્મીએ મને કૅમ્પમાં કહ્યું કે પર્યુંષણ છે તે આઠ દિવસ તું રાત્રીભોજન નહીં કરતી ને કંદમૂળ નહીં ખાતી. ત્યારે મારા સાથીઓ તમારા ભોજનમાં કંદમૂળ કેમ ન ખવાય, સૂર્યાસ્ત બાદ કેમ ન ખવાય તેવા પ્રશ્નો પૂછતા. પણ મને ધર્મનું નૉલેજ નહીં આથી તેમને હું સંતોષકારક જવાબ ન આપી શકતી. આ કૅમ્પ દરમ્યાન જ મને થયું કે મારે ઍટ લીસ્ટ જૈન ધર્મનો બેઝિક અભ્યાસ તો કરવો જોઈએ જેથી મને થોડી જાણકારી આવે. આથી કૅમ્પ બાદ હું મારા કઝિન બહેન મહારાજ પાસે રોકાવા ગઈ. ત્યાં ભણતી, જાણતી, વાંચતી મને તેઓની લાઇફ સ્ટાઇïલ ખૂબ ગમતી, વિહાર કર્યો.

પહેલાં તો ‘હિન્દી’ ભાષા શીખી, કારણ કે હું આંધþ પ્રદેશમાં જન્મીને ઉછરી. તેલુગુ, ઇંગ્લિશ આવડે પણ હિન્દી સાવ પાયાનું સમજાય. સંસ્કૃતિનો અભ્યાસ કરવો હોય તો હિન્દી આવડવું જ જોઇએ. પછી સંસ્કૃતનો અભ્યાસ કરવા હું સુરતના પરમપદ ગ્રુપમાં જોડાઈ. અહીં તો ગુજરાતી વાતાવરણ, અહીં ભણવા આવતી બહેનો પણ ગુજરાતી ત્યાં ગુજરાતી શીખી. આ ગ્રુપમાં જૈનિઝમનું ઘણું જ્ઞાન મળ્યું. મિત્રો મળ્યા, તેમના સહયોગે અનેક વિદ્વાન મહારાજ સાહેબોનો પરિચય થયો.’

સુરત પછી રોશની બે વર્ષ પાટણ રહી જૈન ધર્મનું ભણી અને આગળ વધતાં-વધતાં સાચો માર્ગ કર્યો છે એ સમજાયું અને દીક્ષા લેવાનું નક્કી કર્યું. સાત વર્ષનો ધાર્મિક અભ્યાસ, મહારાજ સાહેબનો સહેવાસ ખરો, પણ મા-બાપને ખાતરી નહીં કે બિન્દાસ રોશની કઠિન ચારિત્ર ધર્મ પાળી શકશે. આથી પેરેન્ટસે શરત મૂકી કે તારા નાના ભાઈનાં લગ્ન થાય ત્યાર બાદ જ દીક્ષા આપશું અને રોશની બીજાં ત્રણ વર્ષ ધાર્મિક અભ્યાસ અને ભક્તિમાં લાગી ગઈ. આ વર્ષે ૨૧ ફેબ્રુઆરીના તેના ભાઈનાં લગ્ન થયાં અને તેના ત્રણ મહિના બાદ દસ વર્ષના અભ્યાસ અને સંયમ જીવનની ટ્રેઇનિંગ બાદ રોશનીની દીક્ષા લેશે.

આ પણ વાંચો : મુંબઈ: ટીવી પ્રસારણના બ્લૅક આઉટની તૈયારી : મોટા પાયે ટેકાની અપીલ

રોશની ત્રિસ્તુતિક રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના આચાર્ય નિત્યસેનસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને જયરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબના હસ્તે ઓધો ગ્રહણ કરશે અને સાધ્વી પરમ રેખાશ્રીજીના શિષ્યા પદ રેખાશ્રીજીના શિષ્યા બનશે.

mumbai news