વરસાદે કર્યો મુંબઈ-અમદાવાદ હાઇવે જૅમ

19 June, 2021 08:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુરુવારે મોડી રાતથી લઈને ગઈ કાલ સાંજ સુધી પાંચથી સાત કિલોમીટર લાંબી વાહનોની લાઇન હતી

આ છે વરસાદી જૅમ

ગુરુવારે બપોરથી મોડી રાત સુધી પડેલા ભારે વરસાદને લીધે મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર અનેક જગ્યાએ પાણી ફરી વળતાં ગઈ કાલે ભારે ટ્રાફિક-જૅમ થયો હતો. એને લીધે મુંબઈથી અમદાવાદ તરફ જતા વાહનચાલકો કલાકો સુધી અટવાઈ ગયા હતા. મુંબઈ તરફ આવવા માટેનો રસ્તો થોડો ખુલ્લો હતો, પરંતુ વસઈ અને નાયગાંવની વચ્ચેના માલજીપાડા ખાતે સિંગલ લાઇન થઈ જતાં ટ્રાફિકની મુશ્કેલી સર્જાઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ગુરુવારે બપોર બાદ મુંબઈમાં પડેલા ભારે વરસાદની મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર ગંભીર અસર થઈ હતી. સામાન્ય રીતે દહિસર ચેકનાકાથી ફાઉન્ટન હોટેલના જંક્શન સુધી ટ્રાફિકની મુશ્કેલી ઊભી થતી હોય છે, પરંતુ ગુરુવારે રાતથી ગઈ કાલે સાંજ સુધી નાયગાંવ અને વસઈની વચ્ચેના ચારથી સાત કિલોમીટર રસ્તામાં વરસાદનું પાણી અને અહીં ચાલી રહેલા ફ્લાયઓવરના કામને કારણે વાહનોની અવરજવરને અસર પહોંચી હોવાનું સ્થાનિક લોકોએ કહ્યું હતું.

નાયગાંવમાં હોટેલ ધરાવતા અને દહિસરમાં રહેતા યશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સવારે દહિસર ચેકનાકા પર થોડો ટ્રાફિક હતી, પરંતુ ફાઉન્ટન હોટેલ ક્રૉસ કર્યા બાદ વાહનોની લાંબી લાઇન લાગી હતી. મને એમ હતું કે વરસાદ અને બ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી ટ્રાફિક હશે, પણ છેક નાયગાંવ અને એનાથી પણ આગળ સુધી ટ્રાફિક-જૅમ હતો. દહિસરથી મારી હોટેલ પહોંચતાં નાકે દમ આવી ગયો હતો.’

મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસના ટ્રાફિક વિભાગ (મીરા રોડથી વસઈ વિભાગ)ના ઇર્ન્ચાજ રમેશ ભામેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માલજીપાડામાં નવા ફ્લાયઓવરનું કામ ચાલુ છે અને અહીં જ પહાડમાંથી વરસાદનું પાણી હાઇવે ક્રૉસ કરે છે. વરસાદના પાણીના નિકાલ માટેનાં કુદરતી અને બાંધવામાં આવેલાં કૃત્રિમ નાળાં હાઇવેના ચાલી રહેલા કામને લીધે બંધ થઈ ગયાં છે. આથી ભારે વરસાદ વખતે જંગલનું પાણી હાઇવે પર ફરી વળે છે અને મુશ્કેલી સર્જાય છે. ગુરુવારે મોડી રાતથી આજે સાંજ સુધી ભારે ટ્રાફિક-જૅમ રહ્યો હતો. અમદાવાદથી મુંબઈ તરફનો રસ્તો થોડો ખુલ્લો હતો, જ્યાં અમે રૉન્ગ સાઇડમાં વાહનો કાઢીને ટ્રાફિકનું નિયમન કર્યું હતું.’

mumbai mumbai news ahmedabad western express highway