આ હાઇવે જીવલેણ બન્યો એની કોઈ નવાઈ ખરી?

12 August, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ-અમદાવાદ હાઇવે પરના ટ્રાફિકમાં એક મહિલાને હૉસ્પિટલ લઈ જઈ રહેલી ઍમ્બ્યુલન્સ એવી અટવાઈ કે તેનો જીવ જતો રહ્યો

છાયા પુરવ

મુંબઈ-અમદાવાદ હાઇવેના કૉન્ક્રીટીકરણનું કામ છેલ્લાં બે વર્ષ કરતાં વધુ સમયથી ચાલી રહ્યું છે જેના કારણે ઘોડબંદર બ્રિજ વટાવ્યા બાદ મનોર સુધી સખત ટ્રાફિક જૅમની પરિસ્થિતિ રહે છે. આ ટ્રાફિક જૅમની પરિસ્થિતિ એટલી ખરાબ હોય છે કે ઍમ્બ્યુલન્સ પણ આગળ વધી શકતી નથી. દસ દિવસ પહેલાં આવા જ ટ્રાફિક જૅમમાં અટકેલી એક ઍમ્બ્યુલન્સમાં મુંબઈની હિન્દુજા હૉસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી રહેલાં સફાળેનાં છાયા પુરવને છેવટે મીરા રોડની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં, પણ ડૉક્ટરોએ તેમને દાખલ કરતાં પહેલાં જ મૃત જાહેર કર્યાં હતાં. પરિવારનું કહેવું હતું કે જો ટ્રાફિક જૅમમાં ન અટવાયા હોત અને સમસયર સારવાર મળી ગઈ હોત તો કદાચ તે જીવતી રહી શકી હોત. સફાળેમાં રહેતાં ૪૯ વર્ષનાં છાયા પુરવ પર ૩૧ જુલાઈએ ઝાડ પડવાને કારણે તે ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. તેમને માથામાં, ખભા પર અને મણકામાં ગંભીર ઈજા થઈ હતી.

પાલઘર જિલ્લામાં અધ્યતન ટ્રૉમા સેન્ટર ન હોવાથી તેમને તાત્કાલિક મુંબઈ-માહિમની હિન્દુજા હૉસ્પિટલમાં સારવાર આપવાનું નક્કી કરી પરિવાર તેમને મુંબઈ લાવી રહ્યો હતો. સફાળેથી ૩ વાગ્યે ઍમ્બ્યુલન્સ છાયા પુરવને લઈને નીકળી હતી. તેમની સાથે તેમના પતિ કૌશિક પુરવ પણ હતા. સફાળેથી હિન્દુજા હૉસ્પિટલનું ૧૦૦ કિલોમીટરનું અંતર કાપતાં ૩ કલાક લાગી શકે એવી ગણતરી સાથે ડૉક્ટરે છાયા પુરવને પેઇનકિલરનું ઇન્જેક્શન આપ્યું હતું. જોકે ત્રણ કલાક બાદ પણ ઍમ્બ્યુલન્સ ટ્રાફિકમાં જ અટકી હોવાથી તેમને સખત વેદના થતી હતી. તેમનાથી એ વેદના સહન નહોતી થઈ રહી. આખરે સાંજે ૭ વાગ્યે મીરા રોડની ઑર્બિટ હૉસ્પિટલમાં તેમને લઈ જવામાં આવ્યાં હતાં, પણ ડૉક્ટરોએ તેમને દાખલ કરતાં પહેલાં મૃત જાહેર કર્યાં હતાં.

આમ તો આ ઘટના ૧૦ દિવસ પહેલાંની છે, પણ મુંબઈ-અમદાવાદ હાઇવે પર આ સમસ્યા કેટલી ભયંકર બની રહી છે એનું આ સાચું પણ વરવું ઉદાહરણ બની રહી છે. હાઇવેના કૉન્ક્રીટાઇઝેશનના કામને તબક્કાવાર કરવામાં આવ્યું છે. એને કારણે બન્ને બાજુની લાઇન અફેક્ટેડ થાય છે. જે સાઇડમાં કામ હોય ત્યાં એક લાઇન ચાલુ રાખવામાં આવે છે એટલે વાહનોની લાંબી લાઇન લાગી જાય છે. વળી હાઇવેની બન્ને બાજુ દુકાનો, હોટેલો, ગૅરેજ અને એવા સંખ્યાબંધ ધંધાઓ ચાલુ થઈ ગયા છે એટલે ડાઇવર્ઝન માટે પણ જગ્યા ન હોવાથી ટ્રાફિક સીધી લીટીમાં જ અટવાયેલો રહે છે. અધૂરામાં પૂરું એ કામ માટે જે મશીનરી, કૉન્ક્રીટ-મિક્સર કે પછી નવા રોડને પાણી પાવા માટે બનાવાયેલી પતરાની મોટી ટાંકીઓ, મિક્સર એ બધું રસ્તાની બાજુમાં જ પાર્ક કરાયેલું, બનાવાયેલું  હોવાથી એ સાઇડ પણ બ્લૉક થઈ જાય છે. હાઇવેની બન્ને બાજુ સર્વિસ રોડ નથી એથી સીધો માટીનો પૅચ આવે છે. મોટાં વાહનો એમાંથી પસાર થાય એટલે એ માટી દબાઈ-દબાઈને ત્યાં ખાડા પડી જાય છે અને વરસાદમાં એમાં પાણી ભરાતાં એ વિસ્તાર કાદવ-કીચડવાળો થઈ જતાં વાહનો માટે ત્યાંથી પસાર થવું શક્ય જ નથી હોતું.

શા માટે આટલો ટ્રાફિક?

મુંબઈ–અમદાવાદ હાઇવે પર સખત ટ્રાફિકનું એક કારણ એ પણ છે કે ગુજરાત, રાજસ્થાન અને દિલ્હી તરફથી મહારાષ્ટ્ર અને દિક્ષણનાં રાજ્યોમાં જતાં અને દક્ષિણનાં રાજ્યોમાંથી આ  તરફ આવતાં વેહિક્યુલર ટ્રાફિક માટે આ નૅશનલ હાઇવે ૪૮ મહત્ત્વનો અને ઝડપી છે એટલું જ નહીં, નવી મુંબઈના જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટથી માલની આયાત-નિકાસ મોટા પ્રમાણમાં થતી હોવાથી કન્ટેનરો અને ટ્રકની પણ આ હાઇવે પર સતત અવરજવર રહે છે. ૨૪ કલાક આ હાઇવે પર ટ્રાફિક રહે છે.

 મુંબઈ-થાણેને જોડતા ઘોડબંદર રોડના સમારકામે કર્યો ટ્રાફિકમાં વધારો

મુંબઈ-થાણેને જોડતા ઘોડબંદર રોડ પર કાસારવડવલીથી ગાયમુખ સુધીના રસ્તાનું સમારકામ હાથ ધરાયું હોવાથી હેવી વેહિકલ માટે રસ્તો ત્રણ દિવસ બંધ રાખવામાં આવતાં મુંબઈથી થાણે જતાં હેવી વાહનોએ વાડા ભિવંડીનો રસ્તો લેવો પડ્યો હતો એટલે પણ વાહનોની સંખ્યા વધી ગઈ હતી. બીજું, મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા પણ ઘોડબંદર પાસે સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. એથી હાલ આ રસ્તા પર ભયંકર ટ્રાફિક જૅમ થઈ રહ્યો છે. રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેએ રાજ્યના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈક સાથે ગાયમુખ-કાસારવડવલીના એ કામનું ઇન્સ્પેક્શન કર્યું હતું. એ પૅચમાં ૬૦ મીટરનો રોડ પાસ થયો હોવાથી ત્યાં રોડ પહોળો કરવાનું કામ ચાલી રહ્યું છે. એકનાથ શિંદેએ કહ્યું હતું કે એક વાર આ રસ્તો પહોળો થશે પછી ટ્રાફિક જૅમની સમસ્યામાંથી મોટરિસ્ટોને રાહત મળશે.

mumbai highway mumbai traffic mumbai news news ghodbunder road maharashtra government maharashtra news maharashtra mumbai traffic police