આ પ્લેન રિપેર થાય તો પણ હવે અમે એમાં નથી જવાના

19 June, 2025 06:58 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

મુંબઈ-અમદાવાદની ઍર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક્નિકલ ખામીને લીધે રખડી પડી એ પછી પૅસેન્જરોએ અકળાઈને નિર્ણય લીધો કે...

કલાકો સુધી ફ્લાઇટમાં બેસી રહ્યા બાદ પણ ફ્લાઇટ ન ઊપડતાં પૅસેન્જરો ફૉલ્ટી ફ્લાઇટમાં જવાનો ઇનકાર કરીને નીચે ઊતરી ગયા હતા.

સોમવારે રાત્રે મુંબઈ–અમદાવાદની ફ્લાઇટ કૅન્સલ થતાં અનેક પૅસેન્જરો હેરાન-પરેશાન થયા હતા. લોકો એવા સવાલ કરતા થઈ ગયા કે ઍર ઇન્ડિયા તેમનાં વિમાનોનું મેઇન્ટેનન્સ કરે છે કે નહીં?

મૂળ અમદાવાદના મુંબઈથી અમદાવાદ જઈ રહેલા અભિલાષ ઘોડાએ ‍‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે રાતે ૧૦.૪૫ વાગ્યે મુંબઈ–અમદાવાદની ફ્લાઇટ AI-2919 ટેક-ઑફ કરવાની હતી. ઑલરેડી એ લેટ હતી અને મધરાત બાદ ૧.૨૫ વાગ્યે એ ગેટ નંબર 42B પરથી સ્ટાર્ટ થ​ઈ હતી. જોકે એ રનવે પર પહોંચે એ પહેલાં જ પાઇલટે યુ-ટર્ન મારી લીધો અને અનાઉન્સ કર્યું કે ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી છે, એ સૉલ્વ થશે પછી જ ફ્લાઇટ ટેક-ઑફ કરશે. પ્લેનને પાર્કિંગ એરિયામાં લઈ જઈને દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા.’

પરેશાન પૅસેન્જરે ઍરલાઇનના ટેક્નિકલ સ્ટાફને સવાલ કર્યા કે ફ્લાઇટ ક્યારે ઊપડશે ત્યારે પણ તેઓ સંતોષકારક ખુલાસો ન કરી શકતાં પૅસેન્જરો વીફર્યા હતા અને તેમની સાથે જીભાજોડી પર ઊતર્યા હતા. 

પૅસેન્જરોએ કેવી હેરાનગતિ ભોગવવી પડી એ સંદર્ભે જણાવતાં અભિલાષ ઘોડાએ કહ્યું હતું કે ‘એ પછી પણ એકાદ કલાક પ્લેનમાં જ બેસેલા પૅસેન્જરો અકળાઈ ગયા હતા. તેમણે કેબિન-ક્રૂને પૂછ્યું કે ફ્લાઇટ ક્યારે ઊપડશે? પણ તેણે કશો જવાબ નહોતો આપ્યો. પૅસેન્જરોએ ત્યાર બાદ કલેક્ટિવ ડિસિઝન લીધું. અમે કહ્યું કે અમને આ ફ્લાઇટ હવે રિપેર થાય તો પણ એમાં નથી જવું, અમને નીચે ઉતારો. એ પછી પૅસેન્જરો માટે બસ બોલાવવામાં આવી અને વિમાનમાંથી અમે નીચે ઊતરી ગયા. ત્યાર બાદ તેમણે અમને બે ઑપ્શ‌ન આપ્યા કે ઍર ઇન્ડિયા તરફથી બીજી ફ્લાઇટમાં તમને અમદાવાદ લઈ જવાશે, પણ એ ફ્લાઇટ સવારે પાંચ વાગ્યે ઊપડશે; જેમને ન જવું હોય તેમને ટિકિટનું ફુલ રીફન્ડ પાછું આપવામાં આવશે. જે લોકોએ ટિકિટ કૅન્સલ કરાવી તેમને બહુ માથાઝીંક કર્યાના બે કલાક પછી તેમનું લગેજ આપવામાં આવ્યું હતું. આ આખા સમય દરમ્યાન ઍર ઇન્ડિયા તરફથી પૅસેન્જરોને પાણી પણ આપવામાં આવ્યું નહોતું. એક વૃદ્ધ મહિલા તો બિચારાં ચક્કર આવતાં ફસડાઈ પડ્યાં હતાં. ઍર ઇન્ડિયાના આવા રેઢિયાળ વલણ સામે પૅસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો.’ 

air india airlines news mumbai ahmedabad mumbai airport news mumbai news