મુંબઈ: વિદ્યાર્થીઓની સાથે પેરન્ટ્સને પણ હેલ્મેટનું વિતરણ

29 January, 2020 01:09 PM IST  |  Mumbai | Pallavi Smart

મુંબઈ: વિદ્યાર્થીઓની સાથે પેરન્ટ્સને પણ હેલ્મેટનું વિતરણ

પેરન્ટ્સને પણ હેલ્મેટનું વિતરણ

વિદ્યાર્થીઓમાં નાની વયથી જ માર્ગ સલામતીની ભાવના વિકસે એ હેતુથી સાયનની ડી.એસ. હાઈ સ્કૂલે વિદ્યાર્થીઓ અને તેમનાં માતા-પિતામાં હેલ્મેટનું વિતરણ કરીને ગયા વીક-એન્ડ પર એક અનોખી પ્રવૃત્તિ શરૂ કરી હતી. વાહનોનો ઉપયોગ કરનારા વાલીઓ માટે નિષ્ણાતો દ્વારા વર્કશૉપ પણ હાથ ધરવામાં આવ્યા હતા અને બાળકોને તેમનાં માતા-પિતા સાથે વાહન પર જતી વખતે નાની હેલ્મેટ્સ આપવામાં આવી હતી.

થોડા મહિના અગાઉ શાળા નજીક એક માર્ગ-અકસ્માત સર્જાયો હતો, ત્યાર બાદ આ પહેલ હાથ ધરવાનો વિચાર સ્ફૂર્યો હતો. અકસ્માતનો ભોગ બનનારને માથામાં ઈજા થઈ હતી. સ્થાનિક એનજીઓની મદદથી શાળાએ-શાળાએ જવા-આવવા માટે ટૂ-વ્હીલરનો ઉપયોગ કરનારા વિદ્યાર્થીઓની ઓળખ કર્યા બાદ ધોરણ પાંચથી આઠના ૧૫૦ વિદ્યાર્થીઓને તથા ૧૫૦ માતા-પિતાને એમ કુલ મળીને ૩૦૦ હેલ્મેટ્સનું વિતરણ કર્યું હતું.

શાળાના ટ્રસ્ટી પ્રેસિડન્ટ રાજેન્દ્ર પ્રધાને ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અકસ્માતને પગલે અમારી શાળામાં ચર્ચાને વેગ મળ્યો હતો. અમારી શાળાનાં ઘણાં બાળકો જરૂરિયાતમંદ બૅકગ્રાઉન્ડમાંથી આવે છે અને તેમના માટે હેલ્મેટ ભાગ્યે જ પ્રાથમિકતા હોય છે.’

આ પણ વાંચો : 24 કલાક મૉલ્સ, બજારો અને દુકાનો ખુલ્લાં રાખવાના પ્રયોગને મિશ્ર પ્રતિસાદ

મોટા ભાગના વાલીઓએ શાળાના આ પગલાને આવકાર્યું હતું. એક વાલી સંતોષ રાજગુરુએ જણાવ્યું હતું કે ‘હું ઘણાં વર્ષોથી ટૂ-વ્હીલરનો ઉપયોગ કરું છું અને મેં ઘણા અકસ્માતો થતા જોયા છે. આથી હું હેલ્મેટ પહેરવા બાબતે ઘણો ચોક્કસ છું, પરંતુ શાળા બાળકોને હેલ્મેટ આપે, એ સાચે જ ઘણી મોટી વાત છે. માતા-પિતા સાથે ટૂ-વ્હીલર પર જનારાં બાળકો માટે હેલ્મેટ એટલી જ મહત્વપૂર્ણ છે.’

mumbai mumbai news pallavi smart sion