24 કલાક મૉલ્સ, બજારો અને દુકાનો ખુલ્લાં રાખવાના પ્રયોગને મિશ્ર પ્રતિસાદ

Published: Jan 29, 2020, 07:55 IST | Shirish Vaktania, Rajendra B Aklekar | Mumbai

પૂર્વનાં પરાંને નાઇટ કલ્ચર બહુ ફાવતું નથી, પશ્ચિમનાં પરાંએ પણ નવું કલ્ચર ખુલ્લા દિલે આવકાર્યું નથી

સોમવાર અને મંગળવાર વચ્ચેની રાત ટેક્નિકલ દૃષ્ટિએ રાજ્ય સરકારના નાઇટ લાઇફ પ્રોજેક્ટની પ્રથમ રાત હતી, પરંતુ ઘાટકોપરના આર સિટી મૉલ અને કુર્લાના ફિનિક્સ માર્કેટસિટી મૉલમાં આગલા શનિ-રવિવારના ગાળામાં હિલચાલો શરૂ થઈ ગઈ હતી. ગયા વીક-એન્ડમાં એ બન્ને મૉલ્સમાં ડિસ્કાઉન્ટ્સ, ફિલ્મ સ્ક્રીનિંગ્સ અને શટલ સર્વિસિસ જેવી ઑફરો લાગુ કરવામાં આવી હતી, પરંતુ નાઇટ કલ્ચરની લૉન્ચિંગ ડેટ ૨૭મીએ બન્ને મૉલ્સ ટાઢા હતા. ચાલુ સપ્તાહના દિવસોમાં રાતના વખતે બંધ રહ્યા હતા.

૨૮મીની પરોઢ પૂર્વે બે વાગ્યે અને ત્રણ વાગ્યે ‘મિડ-ડે’ના સંવાદદાતાઓની ટેસ્ટ ડ્રાઇવ દરમ્યાન એ મૉલ્સની આસપાસ એક કપ ચા પણ મળી નહોતી. લાલ બહાદુર શાસ્ત્રી રોડ પર મૉલ્સનું મથક છે. એક વખતમાં ધમધમતો નિર્મલ લાઇફસ્ટાઇલ મૉલ બંધ થવાની તૈયારીમાં છે. હાલમાં ત્યાં ફક્ત સિનેમા હૉલ કાર્યરત છે. થાણેનો વિવિયાના મૉલ પણ ઘણો મોટો ગણાય છે. ૨૭મીની મધરાત પછી અંધારામાં ઘેરાયેલા આર સિટી મૉલના ગેટ પર સિક્યૉરિટી ગાર્ડ્સ ઊભા હતા. આર સિટી મૉલના માલિક સંદીપ રુણવાલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની ‘મુંબઈ-૨૪’ સ્કીમ હેઠળ અમારો મૉલ વીક-એન્ડ પર આખી રાત ખુલ્લો રહેશે. જોકે આર સિટી મૉલ તરફથી સોશ્યલ મીડિયા પર ‘નાઉ ઓપન૨૪અવર્સ’ હૅશ ટૅગ સાથે જાહેરાત કરવામાં આવી છે, પરંતુ એનો અમલ ફક્ત શનિવાર અને રવિવાર પૂરતો કરવામાં આવે છે.

૨૭મીની મધરાત પછી કુર્લાનો ફિનિક્સ માર્કેટ સિટી મૉલ પણ બંધ હતો. એના સિક્યૉરિટી ગાર્ડ્સે પણ મૉલ વીક-એન્ડ પર રાતે ખુલ્લો રહેનાર હોવાનું જણાવ્યું હતું. એ મૉલ તરફથી સોશ્યલ મીડિયા પર ‘મિડનાઇટ સેલ ઍટ માર્કેટસિટી’ હૅશ ટૅગ સાથે જાહેરાત કરીને મૉલ ૨૫ જાન્યુઆરીની મધરાત પછી ખુલ્લો રાખવામાં આવ્યો હતો.

અંધેરીથી દહિસરના મૉલ્સમાં પણ નાઇટ લાઇફનો ઉત્સાહ નથીપશ્ચિમનાં પરાંમાં અંધેરી (પશ્ચિમ)નો ફન રિપબ્લિક, ગોરેગામ (પૂર્વ)નો ઑબેરૉય મૉલ અને કાંદિવલી (પૂર્વ)નો ગ્રોવેલ્સ ૧૦૧ મૉલ ૨૭ જાન્યુઆરીની મધરાત પછી બંધ હતા. રાતે બે વાગ્યે ફન રિપબ્લિકની બહાર બે પોલીસ કૉન્સ્ટેબલ્સ નાઇટ ડ્યુટી કરતા હતા. એની અંદર મૉલ અને દુકાનો બંધ હતાં. એ વખતે સિનેમા હૉલમાં લાસ્ટ શોમાં ફિલ્મ જોઈને બહાર નીકળતા લોકો સિવાય ખરીદી કરવા નીકળેલા લોકો જોવા મળતા નહોતા.

યારી રોડના ૩૭ વર્ષના રહેવાસી સંજય પાઠક, તેની પત્ની પ્રીતા અને ચાર વર્ષની દીકરી રેયા ફિલ્મ જોઈને બહાર નીકળ્યાં ત્યારે મૉલના ગ્રાઉન્ડ ફ્લોર પર મૅકડોનાલ્ડ્સમાં જવા ઇચ્છતા હતા. સંજય પાઠકે ‘મિડ-ડે’ના સંવાદદાતાને જણાવ્યું હતું કે ‘આજથી રેસ્ટૉરાં અને મૉલ્સ આખી રાત ખુલ્લા રહેશે એવી અમારી ધારણા હતી. એથી અમે બહાર ડિનર લેવાનું નક્કી કર્યું હતું, પરંતુ બધું બંધ છે. મૉકડોનાલ્ડ્સના સ્ટાફે અમને કહ્યું કે તેમને ઉપરીઓએ ચોવીસ કલાક ઇટિંગ હાઉસ ખુલ્લું રાખવાનો આદેશ આપ્યો નથી. હવે અમે ઘરે જઈને રાંધીને જમીશું.’

રાતે ૨.૩૦ વાગ્યે ગોરેગામનો ઑબેરૉય મૉલ પણ બંધ હતો. સિક્યૉરિટી ગાર્ડ્સે ‘મિડ- ડે’ના સંવાદદાતાને અંદર જવાની છૂટ ન આપી. ઑબેરૉય એક્સક્વિઝિટ મૉલની પાસે રહેતો ૧૭ વર્ષનો વરુણ નાયર કંઈક જમવાનું શોધવા નીકળ્યો હતો. નવી જાહેરાતના અનુસંધાનમાં રાતે બહાર જમવા નીકળેલા વરુણે કહ્યું કે ‘રેસ્ટૉરાં ખુલ્લી છે કે નહીં એ જોવા માટે ઘરની બહાર નીકળ્યો છું. ગાર્ડ્સે મને મૉલમાં જવા ન દીધો.’

ghatkopar

કાંદિવલી (પૂર્વ)નો ગ્રોવેલ્સ ૧૦૧ મૉલ પણ રાતે ત્રણ વાગ્યે બંધ હતો. જોકે ગયા વીક-એન્ડ પર ટ્રાયલ રૂપે મૉલ મોડી રાત સુધી ખુલ્લો રાખવામાં આવ્યો હતો, પરંતુ એ વખતે ફક્ત ૨૦૦ વિઝિટર્સ મળ્યા હતા. એમાં મોટા ભાગના ફિલ્મ જોનારા હતા. ૨૭મીની મધરાત પછીની એક ઘટનામાં નોકરી-ધંધાની વ્યસ્તતાને કારણે રાતે મોડેથી બર્ગર કે પીત્ઝા શોધવા નીકળેલા વૈભવ ખોરગડે નિરાશ થઈને ઘરભેગા થઈ ગયા હતા.

ગ્રોઅર એન્ડ વેઇલ (ઇન્ડિયા)ના ચીફ ઓપરેટિંગ ઑફિસર (સીઓઓ) રિટેલ ઍન્ડ રિયલ એસ્ટેટ સચીન ધનાવડેએ જણાવ્યું હતું કે ‘મધરાત પછી બહાર જમવા અને શૉપિંગની પ્રવૃત્તિ લોકોના હંમેશના વર્તનમાં ફેરફારને આધિન છે. એ બાબતો લોકોની મનસ્થિતિ કે આદતોમાં સ્થાન પામતાં વખત લાગશે. ગ્રાહકોને એ બાબતોમાં અનુકૂળતા કેળવતાં વખત લાગશે. જોકે ગ્રોવેલ્સ ૧૦૧ પ્રાયોગિક ધોરણે વીક-એન્ડ્સ એટલે કે શનિ-રવિના ગાળામાં આખી રાત નહીં, પણ રાતે મોડે સુધી ખુલ્લો રાખવામાં આવશે.’

ટ્રેનો અને બેસ્ટની બસો નહીં મળે, ઓલા-ઉબર પર આધાર રાખવો પડશે

જોકે પર્યટન ખાતાના પ્રધાન આદિત્ય ઠાકરેના નાઇટ લાઇફ પ્લાન માટે સાર્વજનિક વાહનવ્યવહાર ઉપલબ્ધ થવાની મુશ્કેલી છે. બેસ્ટ અને રેલવેના તંત્રોએ રાતની વિશેષ સેવાઓમાં સંતોષકારક આવક બાબતે શંકા સાથે ટ્રેનો કે બસો મધરાત પછી દોડાવવાની તૈયારી દાખવી નથી. ટૅક્સી યુનિયનોએ પણ ઝાઝી ઉત્સુકતા દાખવી નથી. એ સંજોગોમાં વીક-એન્ડમાં પણ મધરાત પછી ખરીદીની મોજ માણવા નીકળનારા લોકોએ ઓલા અને ઉબર જેવી રેડિયો કૅબ કે રાતે ચોક્કસ ખૂણે ઊભી રહેતી જૂજ ટૅક્સીઓ કે રિક્ષાઓ પર આધાર રાખવો પડે એમ છે. સામાન્ય રીતે કેટલાક રૂટ પર બેસ્ટની બસો રાતે એક વાગ્યા સુધી સક્રિય હોય છે. મુંબઈ ટૅક્સીમેન્સ યુનિયનના પ્રમુખ એન્થની ક્વાડ્રોસે જણાવ્યું હતું કે ઍરપોર્ટ ઉપરાંત મહત્વનાં રેલવે સ્ટેશન્સની બહાર આખી રાત ટૅક્સીઓ પ્રીમિયમ ભાડાં સાથે ઉપલબ્ધ હોય છે અને સવારે સાડાપાંચ વાગ્યાથી રેગ્યુલર ટૅકસી સર્વિસિસ દોડતી થઈ જાય છે. મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે અમારી ટ્રેનો બાવીસ કલાક દોડતી હોય છે અને એક્સ્ટ્રા સર્વિસિસનો અમારો કોઈ વિચાર નથી.’

આ પણ વાંચો : મુંબઈ: હવે કૉલેજોમાં પણ રાષ્ટ્રગીત ફરજિયાત બનાવવામાં આવશે

આહારનો વિરોધ

ઇન્ડિયન હોટેલ ઍન્ડ રેસ્ટૉરાં ઓનર્સ અસોસિએશન (આહાર)ના હોદ્દેદારોએ મુંબઈ મહાનગરપાલિકાના ચોવીસ કલાક નાઇટ લાઇફ માટે ફૂડ ટ્રક આઇડિયાનો વિરોધ કર્યો છે. આહારના હોદ્દેદારોએ મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાના એક્ઝિક્યુટિવ ઑફિસરને લખેલા પત્રમાં કેટલાક નીતિવિષયક મુદ્દા ઉપસ્થિત કર્યા છે. આ કન્સેપ્ટ રેસ્ટૉરાં બિઝનેસને નુકસાનકારક હોવાનો મત આહારના પત્રમાં દર્શાવવામાં આવ્યો છે. ફૂડ ટ્રક્સની જોગવાઈ મુંબઈ મહાનગરપાલિકા અને ફૂડ સૅફ્ટી ઍન્ડ સ્ટેન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એફએસએસએઆઈ)ના નિયમોનો ભંગ કરનારી હોવાનો અભિપ્રાય પણ આહારના પત્રમાં વ્યક્ત કરવામાં આવ્યો છે. એ જોગવાઈ સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતના વિવિધ આદેશોથી વિરુદ્ધ હોવાનું પણ આહારના પત્રમાં જણાવવામાં આવ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK