બૉયફ્રેન્ડે લગ્નની ના પાડી એટલે યુવતીએ મમ્મીને વૉઇસ-નોટ મોકલીને ટ્રેન સામે ઝંપલાવ્યું

12 August, 2026 07:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રેમી પર્સનલ વિડિયો વાઇરલ કરવાની ધમકી પણ આપતો હતો

પ્રતીકાત્મક તસવીર

માનખુર્દના જ્યોતિર્લિંગનગર વિસ્તારમાં રહેતી ૨૪ વર્ષની પ્રિયંકા રામના આત્મહત્યાના કેસમાં વાશી ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ ગઈ કાલે તેના પ્રેમી અમિતકુમાર રામ સામે આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો ગુનો નોંધ્યો છે. પ્રિયંકા સાનપાડાના એક સ્ટોરમાં સેલ્સગર્લ તરીકે કામ કરતી હતી અને દરરોજ ટ્રેન મારફત મુસાફરી કરતી હતી. પહેલી ઑગસ્ટે કામ પરથી પાછા ફરતી વખતે તેણે વાશી અને માનખુર્દ સ્ટેશન વચ્ચે ચાલુ ટ્રેને કૂદીને આ પગલું ભર્યું હતું. ઘટના બાદ રેલવે પોલીસે તેને હૉસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ કેસમાં પ્રિયંકાના ભાઈના સ્ટેટમેન્ટના આધારે ફરિયાદ નોંધવામાં આવી છે અને આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
વાશી GRPના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ આત્મહત્યા પાછળ બિહારના અંકિતકુમાર રામ નામના યુવકનો હાથ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. લગ્નપ્રસંગ દરમ્યાન પ્રિયંકા અને અંકિત વચ્ચે ઓળખાણ થઈ હતી અને બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. પરિવાર પણ તેમનાં લગ્ન માટે તૈયાર હતો, પરંતુ પાછળથી અંકિતે લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને પ્રિયંકા સાથેનું 
વિડિયો-કૉલનું અંગત સ્ક્રીન-રેકૉર્ડિંગ સોશ્યલ મીડિયા પર વાઇરલ કરવાની તેમ જ પરિવારને મોકલવાની ધમકી આપીને તેને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ઘટનાના દિવસે પ્રિયંકાએ તેની મમ્મીના વૉટ્સઍપ પર આરોપીનો નંબર અને એક રડતી વૉઇસનોટ મોકલી હતી જેમાં તેણે જીવ ટૂંકાવવાની વાત કરી હતી. ત્યાર બાદ આરોપીએ પ્રિયંકાના વાંધાજનક વિડિયો પણ મોકલ્યા હતા. આ માનસિક તનાવ અને ધમકીઓથી ગભરાઈને પ્રિયંકાએ ટ્રેનમાંથી કૂદીને આત્મહત્યા કરી હતી. પ્રિયંકાના ભાઈની ફરિયાદના આધારે આરોપી સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.’

mumbai news mumbai mankhurd suicide mumbai crime news Crime News