આરે કૉલોની બની વૉકર્સ અને જૉગર્સ માટે ફેવરિટ જગ્યા

15 May, 2021 10:01 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

જોકે સવાર-સાંજ મોટી સંખ્યામાં આવતા લોકોને લીધે સ્થાનિક લોકો ચિંતિત. તેમનું કહેવું છે કે જાગરુકતાના અભાવે અમારે ત્યાંના લોકોએ હજી વૅક્સિન લીધી નથી

આરે કૉલોનીમાં જૉગિંગ કરી રહેલા યુવાઓ. મોટા ભાગના વૉકર્સ લોટસ લેક અને ન્યુ ઝીલૅન્ડ હૉસ્ટેલ નજીકના અંદરના રસ્તા પર વૉક કરે છે. પ્રતીકાત્મક ચિત્ર

કોવિડ-19ની બીજી લહેરને રોકવા રાજ્યમાં લૉકડાઉન જેવા પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા હોવા છતાં આરે કૉલોનીમાં સવાર-સાંજ મોટી સંખ્યામાં વૉકર્સ જોવા મળે છે. આ વિસ્તારમાં વિશેષ કરીને ન્યુ ઝીલૅન્ડ હૉસ્ટેલ અને લોટસ તળાવ નજીકના અંદરના રસ્તા પર લૉકડાઉનના પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને લોકો જૂથમાં ટહેલતા જોવા મળે છે. સરકારે લાગુ કરેલા પ્રતિબંધ વચ્ચે સ્થાનિક તબેલાના માલિકો અને અહીં રહેતા આદિવાસીઓ બહારના મુલાકાતીઓના પ્રવેશથી નાખુશ છે. 

વનીછપાડા નામના આદિવાસી વિસ્તારના એક રહેવાસીએ જણાવ્યું હતું કે ‘હાલમાં પરિસ્થિતિ થોડેઘણે અંશે કાબૂમાં છે અને કોવિડના કેસ ઘટ્યા છે, પણ એનો એ અર્થ નથી કે બધું ભૂલીને જાણે કંઈ બન્યું જ નથી એમ સરકારી આદેશોનું ઉલ્લંઘન કરીને જૂથમાં વૉક લેવા નીકળી પડાય. પોલીસે નિયમોનું ઉલ્લંઘન કરીને ફરનારાઓ વિરુદ્ધ પગલાં લેવાં જોઈએ. સ્થાનિક પોલીસ વારંવાર આ વિસ્તારનું પૅટ્રોલિંગ કરીને લોકોને વિખેરાઈ જવા જણાવતી હોય છે.’ 

આરે કૉલોનીના રહેવાસી ઇમરાન ઉદતે જણાવ્યું હતું કે ‘વૅક્સિન લેવાથી મળતી સુરક્ષા વિશેની જાગરૂકતાના અભાવે આ વિસ્તારના અનેક આદિવાસીઓ અને વરિષ્ઠ નાગરિકોએ હજી સુધી વૅક્સિનેશન કરાવ્યું નથી. સવાર-સાંજ વૉક લેવા આવનારા કોવિડના અસિમ્પ્ટોમૅટિક કૅરિયર્સ આ આદિવાસીઓ માટે જોખમી પુરવાર થઈ શકે છે અને તેમને કોવિડનો ચેપ લાગી શકે છે. કોવિડ પ્રોટોકૉલનું ઉલ્લંઘન કરનારા આવા વૉકર્સ સામે સંબંધિત અધિકારીઓએ પગલાં લેવાં જોઈએ.’ 

ranjeet jadhav mumbai mumbai news aarey colony coronavirus covid19 lockdown