બુલેટ ટ્રેન માટે 24,000 કરોડનો સિવિલ કૉન્ટ્રૅક્ટ અપાયો

28 November, 2020 07:49 AM IST  |  Mumbai | Agency

બુલેટ ટ્રેન માટે 24,000 કરોડનો સિવિલ કૉન્ટ્રૅક્ટ અપાયો

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પરિયોજના માટે નૅશનલ હાઈ સ્પીડ રેલવે કૉર્પોરેશને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની અગ્રણી કંપની લાર્સન ઍન્ડ ટુબ્રોની સાથે દેશનો સૌથી મોટો ૨૪,૦૦૦ કરોડનો સિવિલ કૉન્ટ્રૅક્ટ કરી લીધો છે. લાર્સન ઍન્ડ ટુબ્રોએ જણાવ્યું છે કે તેણે કામ કરવા માટે લોકોને ગોઠવી દીધા છે. એનએચએસઆરસીએલએ ગુજરાતમાં ૩૨૫ કિલોમીટરના કામ માટે લાર્સન ઍન્ડ ટુબ્રોને કૉન્ટ્રૅક્ટ આપ્યો છે. વડા પ્રધાન મોદીએ આ યોજના માટે મહારાષ્ટ્રમાં જરૂરી જમીનની રાહ જોવાના બદલે ગુજરાતમાં પડનારા હિસ્સાનું કામ ઝડપથી પૂરું કરવા કહ્યું હતું. દેશની અગ્રણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લાર્સન ઍન્ડ ટુબ્રોએ ગુરુવારે જણાવ્યું હતું કે એને મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેના એક હિસ્સાના બાંધકામ માટે ૭૦૦૦ કરોડથી વધારે રકમનો કૉન્ટ્રૅક્ટ મળ્યો છે.

કંપનીએ જોકે કૉન્ટ્રૅક્ટની નાણાકીય વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો. કંપનીએ શૅરબજારને જણાવ્યું હતું કે એનએચએસઆરસીએલ તરફથી એને ૮૭.૫૬૯ કિલોમીટર લાંબો રેલવે ટ્રેક બિછાવવા કૉન્ટ્રૅક્ટ મળ્યો છે. આ રેલવે ટ્રૅક અમદાવાદથી વડોદરા વચ્ચે બિછાવવાનો છે. એમાં એક સ્ટેશન, નદીઓ પરના પુલ અને ટ્રેનની જાળવણી માટે ડેપો તથા અન્ય સહાયક નિર્માણ કાર્ય માટેનો કૉન્ટ્રૅક્ટ મળ્યો છે. આમ લાર્સન ઍન્ડ ટુબ્રો પાસે અમદાવાદથી વડોદરા વચ્ચેના ૮૭ કિલોમીટરના ટ્રૅક અને વડોદરાથી વાપી સુધીના ૨૩૭ કિલોમીટરના ટ્રૅકનો કૉન્ટ્રૅક્ટ મળ્યો છે. આ રૂટના નિર્માણ માટે ગુરુવારે નૅશનલ હાઈ સ્પીડ કૉર્પોરેશન અને લાર્સન વચ્ચે થયેલા કરારમાં જપાનના રાજદૂત સંતોષી સુઝુકી, રેલવે બોર્ડના ચૅરમૅન વી. કે. યાદવ, એનએચએસઆરસીએલના મૅનેજિંગ ડિરેક્ટર અચલ ખરે, લાર્સનના સીઈઓ અને એમડી એસ. એન. સુબ્રમણ્યમ અને નીતિ આયોગના અધિકારીઓ હાજર હતા. કંપની આ રૂટ પર ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં કામ શરૂ કરી દેશે. આ કામ નવેમ્બર ૨૦૨૪ સુધી પૂરું કરવામાં આવશે. આ રૂટ પર સુરત સહિત ચાર સ્ટેશન બનાવવામાં આવશે. તેમાં સુરતનો મેઇન્ટેનન્સ ડેપો સામેલ છે. આ સિવાય લાર્સન ઍન્ડ ટુબ્રો આ રૂટ પર ૧૪ રિવર બ્રિજ, ૪૨ રોડ ક્રૉસિંગ, છ રેલવે ક્રૉસિંગ બનાવશે. ભરૂચ અને વડોદરા વચ્ચે ૩૫૦ મીટર લાંબી પહાડી સુરંગ પણ બનાવવામાં આવશે.

mumbai ahmedabad mumbai news