મુંબઈ: વસઈ-વિરાર મહાનગરપાલિકામાં 122 કરોડનું કૌભાંડ

06 March, 2019 07:45 AM IST  |  મુંબઈ | જયેશ શાહ

મુંબઈ: વસઈ-વિરાર મહાનગરપાલિકામાં 122 કરોડનું કૌભાંડ

પ્રતીકાત્મક તસવીર

વસઈ-વિરાર મહાનગર કૉપોર્રેશન (VVMC)માં વિવિધ પચીસ વિભાગોમાં કામ કરી રહેલા એન્જિનિયરો, વકીલો, ડૉક્ટરો, કમ્પ્યુટર ઑપરેટરો, ક્લર્ક, ફાયર-બ્રિગ્રેડના કર્મચારીઓ, ડ્રાઇવરો, સફાઈ મજૂરો, વૉર્ડબૉય સહિતના અન્ય કર્મચારીઓ મળીને કુલ ૩૧૬૫ કર્મચારીઓને કૉન્ટ્રૅક્ટ પર રાખ્યા હતા. કાયદા અનુસાર મળનારું લઘુતમ વેતન, પ્રોવિડન્ટ ફન્ડ, ESIC, લેબર વેલ્ફેર ફન્ડની રકમ, સરકારનો સર્વિસ-ટૅક્સ વગેરે જમા ન કરીને ૧૨૨ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો મામલો સામે આવ્યો છે. આ વિશે વિરાર પોલીસ-સ્ટેશનમાં પચીસ કૉન્ટ્રૅક્ટરો સામે ઇન્ડિયન પીનલ કોડની કલમ અન્વયે એક સામાજિક કાર્યકરની ફરિયાદના આધારે શનિવારે ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે VVMCના એ સમયના કમિશનરે ૨૦૧૮માં લેખિતમાં પોલીસને આ વિશે જાણ કરી હતી, પરંતુ સંબંધિત દસ્તાવેજો ન આપવાને કારણે પોલીસ આગળની તપાસ કરી શકી નહોતી.

વસઈ-વિરાર મહાનગરપાલિકામાં કૉન્ટ્રૅક્ટ પર કામ કરતા કર્મચારીઓની સાથે છેતરપિંડી કરનારા પચીસ કૉન્ટ્રૅક્ટરો સામે થયેલી ફરિયાદની કૉપી.

કઈ રીતે કૌભાંડ આચરાયું?

VVMCના વિવિધ વિભાગો માટે કર્મચારીઓને કામ પર રાખવા માટે કૉન્ટ્રૅક્ટરોને VVMC દ્વારા કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો હતો. આ રીતે અલગ-અલગ પચીસ વિભાગોમાં જુદા-જુદા કૉન્ટ્રૅક્ટરોએ કર્મચારીઓને રાખ્યા હતા. આ તમામ કર્મચારીઓનો પગાર VVMC દ્વારા કૉન્ટ્રૅક્ટરોને ચૂકવવામાં આવતું અને જે-તે કૉન્ટ્રૅક્ટરો કર્મચારીના બૅન્કખાતામાં પગાર જમા કરતા હતા. જોકે આ કર્મચારીઓ મિનિમમ વેતનને બદલે ૩૦થી ૪૦ ટકા જેટલું વેતન ઓછું ચૂકવવામાં આવતું અને કાયદેસરના લાભની રકમ પણ જમા કરવામાં આવતી નહોતી. આ રીતે ૨૦૧૨થી ૨૦૧૮ સુધીમાં પચીસ જેટલા કૉન્ટ્રૅક્ટરોએ મોટી રકમનું કૌભાંડ આચર્યું હોવાનું પ્રાથમિક તારણ સામાજિક કાર્યકર મનોજ પાટીલની જાણમાં આવતાં તેમણે સંબધિત વિભાગને જાણ કરી હતી અને આ છેતરપિંડી વિશેના દસ્તાવેજો ભેગા કરીને વિરાર પોલીસ-સ્ટેશનમાં આપ્યા બાદ પચીસ આરોપી કૉન્ટ્રૅક્ટરો સામે વિરાર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.

પોલીસે શું કહ્યું?

વિરાર પોલીસ-સ્ટેશનના પોલીસ-અધિકારી અને આ કેસના તપાસકર્તા વિવેક સોનાવણેએ આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે પાલઘર જિલ્લામાં આવેલા ઉમરાળે ગામમાં રહેતા ૪૬ વર્ષના મનોજ પાટીલની ફરિયાદના આધારે VVMCના ૨૫ કૉન્ટ્રૅક્ટરો સામે કર્મચારીઓના પગાર અને સરકારના ટૅક્સ વગેરે ૧,૨૨,૪૭,૭૪,૩૬૬ રૂપિયાની રકમનું કૌભાંડ આચરીને છેતરપિંડી કરવાની અમે ફરિયાદ નોંધી છે. અમને ફરિયાદીએ આપેલા દસ્તાવેજોનો અભ્યાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.’

ફરિયાદીએ શું કહ્યું?

સામાજિક કાર્યકર મનોજ પાટીલ સાથે VVMCના પચીસ કૉન્ટ્રૅક્ટરો સામે કરેલી ફરિયાદ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૧૨થી ૨૦૧૮ દરમ્યાન આ મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ તમામ કૉન્ટ્રૅક્ટરો મોટાં માથાં છે અને રાજકીય વગ ધરાવે છે. એથી કોઈ પણ કર્મચારી તેની સામે વેતન અને તેના હક વિશે સવાલ કરતો નહોતો. મને થોડાં વર્ષ પહેલાં આ વિશે જાણ થતાં મેં આ વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો અને એક કૉન્ટ્રૅક્ટર સામે ફરિયાદ પણ કરી હતી, પરંતુ દસ્તાવેજી પુરાવાના અભાવે તેના પર કોઈ કાર્યવાહી થઈ નહોતી. ત્યાર બાદ RTI ઍક્ટ હેઠળ અરજી કરી સંબંધિત દસ્તાવેજો ભેગા કરીને વિરાર પોલીસને ૨૭૦૦ પેજના ડૉક્યુમેન્ટ્સ સાથે ફરિયાદ કરી છે. VVMCના ભૂતપૂર્વ કમિશનર સતીશા લોખંડેએ ૨૦૧૮માં પોલીસમાં એક લેટર લખીને ફરિયાદ કરી હતી, પરંતુ દસ્તાવેજી પુરાવા સાથે સબમિટ કર્યા નહોતા. પોલીસે આ વિશે VVMCને પાંચ રિમાઇન્ડર પણ લખ્યાં હોવાનું મને જાણવા મળ્યું છે. આ વિશે પોલીસ અને VVMCના સંબધિત કર્મચારીઓ તપાસ કરે તો હજી પણ આ કેસમાં મોટાં માથાંઓની સંડોવણી બહાર આવી શકે એમ છે.’

આ પણ વાંચો : મુંબઈ : વિરારમાં વિસ્ફોટક સામગ્રી ઝડપાઈ

આ કેસ વિશે ‘મિડ-ડે’એ VVMCના હાલના કમિશનર બી. જી પવારનો મત જાણવા મોબાઇલ પર સંપર્ક કર્યો હતો, પરંતુ તેમનો ફોન સ્વિચ્ડ-ઑફ આવતો હતો.

vasai virar brihanmumbai municipal corporation mumbai news