૧૦૭ વર્ષનાં ગુજરાતી બાનો મતદાન માટે અફલાતૂન ઉત્સાહ

30 April, 2019 12:18 PM IST  |  મુંબઈ

૧૦૭ વર્ષનાં ગુજરાતી બાનો મતદાન માટે અફલાતૂન ઉત્સાહ

આજની યુવા પેઢીમાં ઘણા એવા યુવાનો હશે જે મતદાન કરવા સામે બેદરકારી દાખવતા હશે, પરંતુ બ્રિચ કૅન્ડીમાં રાજનિલમ બિલ્ડિંગમાં ભરેલા પરિવાર સાથે રહેતાં ૧૦૭ વર્ષનાં બા કંચનબહેન બાદશાહનો મતદાન કરવા માટે અફલાતૂન ઉત્સાહ જોવા મળ્યો હતો. ના, કોઈ લાકડી, વ્હીલચૅર કે કોઈની મદદ કે કોઈનો સહારો લીધા વગર જ બા તેમની ૭૫ વર્ષની દીકરી સાથે મતદાન કરવા પહોંચી ગયાં હતાં. તેમના ઉત્સાહ સામે કેન્દ્રમાં ઉપસ્થિત લોકો પણ ખૂબ આનંદિત જોવા મળ્યા હતા.

આ વિશે માહિતી આપતાં બાના પૌત્ર પારેંદ બાદશાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મારી બા ૧૯૭૫થી બ્રીચ કૅન્ડી રહે છે અને એ પહેલાં નાગદેવી રહેતાં હતાં. તેમનાં ૩ બાળકોમાંથી એક દીકરો ૩ વર્ષ પહેલાં ગુજરી ગયો અને બે દીકરીઓ છે. બાનું ૯૭ની ઉંમરે પડી જતાં હીપનું ઑપરેશન થયું હતું, પરંતુ એ બાદ એક મહિનાની અંદર તેઓ ચાલવા લાગ્યાં હતાં. ગઈ કાલે મતદાન કરવા હું તેમને અને તેમની ૭૫ વર્ષની દીકરી ડૉ. મધુકાંતા બાદશાહને મતદાન-કેન્દ્રમાં લઈને ગયો હતો. તેમને કેન્દ્ર પર મૂક્યાં બાદ તેઓ ત્યાંથી ચાલતાં અંદર વોટિંગ કરવા ગયાં હતાં. તેમણે હાથમાં નહીં લાકડી કે વ્હીલચૅર પર પણ બેસ્યાં નહોતાં.

આ પણ વાંચોઃ પેરેલિસીસના એટેક બાદ પણ કર્યું મતદાન

તેમને ચાલીને આવતાં જોઈને કેન્દ્રના લોકો પણ જોતા રહી ગયા હતા. પોલીસે પણ સારો એવો સહકાર આપ્યો હતો. હાલ સુધી બા જમવાનું બનાવવાથી લઈને અનેક કામ કરે છે. ન્યુઝપેપર પણ વાંચે છે અને મતદાન તો ક્યારેય ન છોડાય અને એ આપવા તેઓ હંમેશાં ઉત્સાહિત જોવા મળતાં હોય છે. તેમનો ઉત્સાહ જોઈને આસપાસના લોકોથી લઈને અમને પણ ખૂબ પ્રેરણા મળે છે.’

mumbai Election 2019 news