કોરોના સામે જંગ જીત્યા, પણ આગ સામે હારી ગયા

27 March, 2021 10:16 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

મુલુંડના ૭૪ વર્ષના ઝવેરચંદ નિસરને ડિસ્ચાર્જ મળે એ પહેલાં જ ડ્રીમ મૉલની આગમાં તેમણે જીવ ગુમાવી દીધો

ભાંડુપના ડ્રીમ મૉલમાં ગુરુવારે રાત્રે ૧૧.૩૦ વાગ્યે લાગેલી આગ ગઈ કાલે સવારે બુઝાવી રહેલા ફાયરબ્રિગેડના જવાનો (ડાબે) (તસવીર: પી.ટી.આઈ), ઝવેરચંદ નિસર (જમણે)

મુલુંડના ડમ્પિંગ રોડ પર રહેતા કચ્છી વીસા ઓસવાળ સમાજના ૭૪ વર્ષના સિનિયર સિટિઝન કોરોના પૉઝિટિવ આવતાં હૉસ્પિટલમાં ઍડ્મિટ થયા હતા. તેમણે કોરોના સામેનો જંગ જીતી લીધો હતો અને ડિસ્ચાર્જ પણ મળવાનો હતો. જોકે એ પહેલાં જ ડ્રીમ મૉલમાં લાગેલી આગના કારણે ત્યાંની સનરાઇઝ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઝવેરચંદ તેજપાર નિસરે જીવ ગુમાવ્યો હતો. ગઈ કાલે સ્વજનોની ઉપસ્થિતિમાં તેમના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.

મૂળ ગામ દેવપુરના ઝવેરચંદ નિસરના પુત્ર રાહુલ નિસરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પપ્પાને બ્રીધિંગનો પ્રૉબ્લેમ અને તાવ આવતો હોવાથી તપાસ કરતાં ૧૩ માર્ચે કોવિડ પૉઝિટિવ આવ્યા હતા. તેમની તબિયત ક્રિટિકલ હોવાથી તેમને મૉલમાં આવેલી હૉસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ તેમની રિકવરી થઈને સ્ટેબલ થઈ જતાં ૩ દિવસ પહેલાં જ તેમને સિંગલ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. એક દિવસ પહેલાં જ ડૉક્ટરે અમને કહ્યું હતું કે તેમને એક-બે દિવસમાં ડિસ્ચાર્જ આપીશું. આમ પપ્પાએ કોરોના સામેનો જંગ જીતી લેતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. એવામાં ગુરુવારે રાતે લાગેલી આગમાં અમે તેમને ગુમાવ્યા હતા.’

પપ્પાને સમય પર કોઈ મદદ મળી નથી એમ જણાવીને રાહુલ નિસરે વધુમાં કહ્યું હતું કે ‘હૉસ્પિટલની પાસે મારા કઝિન મામા રહે છે. તેમણે અમને ફોન કરીને આગ વિશે જાણ કરી હતી, પરંતુ રાત સુધી હૉસ્પિટલમાંથી એક પણ ફોન આવ્યો નહોતો. અમે ભાગતા રાતના દોઢ વાગ્યે હૉસ્પિટલ પાસે એટલે કે મૉલની નીચે પહોંચ્યા હતા. હૉસ્પિટલના ચાલી શકતા હોય એવા બધા પેશન્ટો બહાર આવી રહ્યા હતા, પરંતુ મારા પપ્પા જેવા જેઓ બેડ પર હોય તેમને બહાર લાવવામાં આવ્યા નહોતા. હૉસ્પિટલના લોકોને નીચે જોઈને અમે તેમને રૂમ-નંબર ૧૦૧ના પેશન્ટને લાવ્યા કે નહીં એમ પૂછ્યું તો તેમને એનો કોઈ આઇડિયા જ નહોતો. એથી ફાયર-બ્રિગેડને જણાવતાં તેઓ પપ્પાને રેસ્ક્યુ કરવા ઉપર ભાગ્યા હતા. થોડી વારમાં આગની જ્વાળા વચ્ચે તેઓ પપ્પાને નીચે લઈને આવ્યા અને તેમની સાથે અમને પણ ઍમ્બ્યુલન્સમાં બેસાડીને મુલુંડની એમ. ટી. અગ્રવાલ હૉસ્પિટલમાં રાતના સાડાત્રણ વાગ્યે લઈ ગયા હતા. તેમના મોઢામાં અને નાકમાં ધુમાડો ગયો હોવાથી આંખ અને મોઢું ખુલ્લાં રહી ગયાં હતાં અને બેભાન હાલતમાં લાગી રહ્યા હતા. જોકે હૉસ્પિટલમાં પહોંચતાં ડૉક્ટરે તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. તેઓ ઑક્સિજન પર હતા અને કાર્બન ડાયોક્સાઇડ જતાં હૉસ્પિટલમાં જ મૃત્યુ પામ્યા હોવાનું લાગે છે. તેમને મુલુંડની હૉસ્પિટલથી પોસ્ટમૉર્ટમ કરવા માટે સવારે સાડાઆઠ વાગ્યે રાજાવાડી હૉસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં તેમણે સાંજે સાડાચાર વાગ્યે અમને મૃતદેહ સોંપ્યો હતો. આ બનાવ વિશે ફરિયાદ કરવી કે નહીં એ વિશે પરિવાર સાથે ચર્ચા કરીને પછી નક્કી કરીશું.’

mumbai mumbai news bhandup mulund preeti khuman-thakur