31 October, 2023 07:50 AM IST | Mumbai | Mehul Jethva
પ્રતીકાત્મક તસવીર
મુલુંડમાં રહેતી એક સાવકી માતાએ ૧૦ વર્ષની કિશોરી પર રોષે ભરાઈને પહેલાં જોરદાર માર માર્યો અને ત્યાર બાદ તેને અગરબત્તીથી ચટકા આપ્યા હતા. એટલાથી એ સાવકી માતા અટકી નહોતી, તેણે કિશોરીને ધમકી આપી હતી કે જો તું આ વાત ઘરમાં કોઈને કહીશ તો તને હૉસ્ટેલમાં મોકલી દઈશ. અંતે પાંચ વર્ષથી થતા અત્યાચાર બાદ કિશોરીએ હિંમત કરીને પોતાના પિતાને ઘટનાની જાણ કરી હતી. પિતાએ નવઘર પોલીસ-સ્ટેશનમાં પોતાની પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધ કરાવી હતી.
મુલુંડ-પૂર્વના સહાની કૉલોની, નવઘર રોડ વિસ્તારની એક સોસાયટીમાં રહેતા અને ગાર્મેન્ટનો વ્યવસાય કરતા હિતેશ ભાનુશાલીએ કરેલી ફરિયાદ અનુસાર ૨૦૧૨માં માધુરી લક્ષ્મીદાસ દામા સાથે તેમનાં પહેલાં લગ્ન થયાં હતાં, પરંતુ પરસ્પર સહમતીથી ૨૦૧૬માં તેઓના છૂટાછેડા થઈ ગયા હતા. પહેલાં લગ્નથી તેમને ઇતિશ્રી નામની છોકરી હતી જે હાલ પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે એપ્રિલ ૨૦૧૮માં તેમણે કવિતા દિલીપ ભાનુશાલી સાથે બીજાં લગ્ન કર્યાં હતાં. કવિતાને પણ પહેલા લગ્નથી નૈતિ નામની ૧૦ વર્ષની પુત્રી હતી. ઑગસ્ટના પહેલા અઠવાડિયામાં પુત્રી ઇતિશ્રી પાસેથી માહિતી મળી હતી કે તેની સાવકી માતા કવિતાએ તેને કોઈ કારણ વગર ઘણી વાર હાથે અને પટ્ટાથી મારી હતી. એક વાર જ્યારે કવિતાની પુત્રી સાથે ઇતિશ્રીનો ઝઘડો થયો હતો ત્યારે કવિતાએ તેની પીઠ પર અગરબત્તી વડે ડામ દીધા હતા અને ધમકી આપી હતી કે તે જો કોઈને આ વાત કહેશે તો તેને હૉસ્ટેલમાં નાખી દેશે. અંતે નવઘર પોલીસ-સ્ટેશનમાં સાવકી માતા કવિતા સામે ફરિયાદ નોંધ કરવામાં આવી હતી.
નવઘર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર દત્રારામ ગિરિપે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘટનાની ફરિયાદ નોંધ કરી અમે તપાસ હાથ ધરી છે. આ કેસમાં હજી માતાની ધરપકડ કરવામાં આવી નથી.’