મુલુંડ પોલીસ-સ્ટેશનનમાં આખરે ચાલી શું રહ્યું છે?

10 November, 2025 08:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લૉક-અપમાં આરોપી પોલીસ સામે હસ્તમૈથુન કરતો અને પૈસા ગણતો હોય એવો વિડિયો વાઇરલ

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

નાગરિકોને ધમકાવીને જબરદસ્તી પૈસા પડાવી લેવાના આરોપસર મુલુંડ પોલીસે ગયા અઠવાડિયે તડીપાર આરોપી બલબીર સિંહ લાંબા ઉર્ફે ગિન્ની સરદારની ધરપકડ કરી હતી. આરોપી મુલુંડ કૉલોની વિસ્તારમાં દબંગગીરી કરતો હોવાથી લોકોમાં તેની દહેશત ઓછી કરવા પોલીસે તેના ઘરેથી પોલીસ-સ્ટેશન સુધી તેનો વરઘોડો કાઢ્યો હતો. જોકે તાજેતરમાં પોલીસ-કસ્ટડીમાં રહેલા બલબીર સિંહનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો જેમાં તે પોલીસ-અધિકારીઓ સામે બેસીને હસ્તમૈથુન કરતો જોવા મળ્યો હતો એટલું જ નહીં, લૉક-અપની અંદર પૈસા ગણીને પોલીસને ખરીદવાની વાતો કરતો પણ જોવા મળ્યો હતો. આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં લોકો મુંબઈ પોલીસની કામગીરીની ટીકા કરતા જોવા મળ્યા હતા. દરમ્યાન લૉક-અપની સુરક્ષા કરી રહેલા અધિકારીઓ સામે ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે એવી માહિતી સિનિયર અધિકારીઓએ આપી હતી.

બલબીર સિંહ લાંબા સામે શું હતો કેસ?
મુલુંડ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુલુંડ કૉલોનીમાં ગોલ્ડન સ્ટાર બૅન્ક્વેટ નજીક ક્લાસિસ ચલાવતા મયૂર પાટીલના ક્લાસમાં ૨૬ ઑક્ટોબરે જઈ બલબીર સિંહે ક્લાસિસ ચલાવવા માટે દર મહિને ૧૦,૦૦૦ રૂપિયાની ખંડણી માગી હતી. જો પૈસા નહીં આપે તો તેની હત્યા કરવાની ધમકી પણ તેણે આપી હતી. એ ઉપરાંત એક ગેમ ઝોનમાં જઈને બલબીરે ખંડણી માગી હોવાનો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. બન્ને કેસમાં તેની સામે ફરિયાદ નોંધાતાં પાંચમી નવેમ્બરે ઘરેથી તેની ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક લોકો તેનાથી એટલા કંટાળી ગયા હતા કે પોલીસ તેને પકડીને લઈ જતા હતા ત્યારે લોકોએ તાળીઓ પાડી હતી. ધરપકડ બાદ તેને કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેને પાંચ દિવસની પોલીસ-કસ્ટડી આપવામાં આવી હતી.’

વાઇરલ વિડિયોમાં શું છે?

મુલુંડના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોર્ટે પોલીસ-કસ્ટડી આપતાં તેને મુલુંડ પોલીસ-સ્ટેશનમાં ડિટેક્શન રૂમમાં પૂછપરછ માટે રાખવામાં આવ્યો હતો. એ વખતે તેણે પોલીસ અધિકારીઓ સામે જ હસ્તમૈથુન કર્યું હતું. એ ઉપરાંત ૧૦,૦૦૦ રૂપિયા કાઢીને ગણતો હતો અને એ રૂપિયા અધિકારીઓને દેખાડીને તેમને ખરીદવાની વાતો કરતો હતો એવું વાઇરલ થયેલા વિડિયોમાં જોવા મળ્યું હતું. એટલું જ નહીં, બીજા વિડિયોમાં લૉક-અપની અંદર લોખંડના સળિયા સાથે માથું અફાળતો અને પોલીસ સામે બૂમો પાડતો જોવા મળ્યો હતો. આ વિડિયો બાદ લૉક-અપની સુરક્ષા કરી રહેલા અધિકારીઓ શું કરી રહ્યા હતા એવો સવાલ ઊભો થયો છે અને એની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ-સ્ટેશનમાંના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસવામાં આવી રહ્યાં છે. જોકે લૉક-અપની સુરક્ષા કરી રહેલા અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી થાય એવી શક્યતા છે.’

mumbai news mumbai mulund viral videos social media maharashtra news mumbai police