કોવિડ સેન્ટરમાં રંગોળીની રોનક

05 November, 2021 10:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુલુંડના જમ્બો કોવિડ સેન્ટરમાં દરદીઓએ ઉત્સાહપૂર્વક રંગોળી તૈયાર કરી : તેમને બિરદાવવા સેન્ટર તરફથી દિવાળીની ગિફ્ટ પણ આપવામાં આવી

જમ્બો કોવિડ સેન્ટરમાં દરદીઓએ બનાવેલી રંગોળી

મુલુંડ-વેસ્ટમાં એલબીએસ રોડ પર આવેલા પાલિકાના જમ્બો કોવિડ સેન્ટરમાં ઍડ્મિટ દરદીઓએ કોવિડ સેન્ટરના આઇસોલેશન વૉર્ડના પ્રાંગણમાં સરસ મજાની રંગોળી તૈયાર કરી હતી. તેમનો ઉત્સાહ વધારવા માટે જમ્બો કોવિડ સેન્ટર તરફથી તેમને રંગોળી માટે લાગતી તમામ સામગ્રી આપવામાં આવી હતી. રંગોળી બની ગયા પછી દરેકને બિરદાવવા માટે તેમને દિવાળીની ગિફ્ટ આપવામાં આવી હતી. કોવિડ સેન્ટરમાં સતત મહેનત કરી રહેલા ડૉક્ટરોનો ઉત્સાહ વધારવા માટેના મેસેજ રંગોળીમાં આપવામાં આવ્યા હતા.
મુલુંડમાં કોવિડના ઇલાજ માટે તૈયાર કરવામાં આવેલા પાલિકાના જમ્બો કોવિડ સેન્ટરમાં દરેક તહેવાર ઉત્સાહપૂર્વક ઊજવવામાં આવતો હોય છે. એ પાછળનું કારણ એ છે કે કોવિડ સેન્ટરમાં ઍડ્મિટ દરદીઓ ઘરથી દૂર હોવાથી તેમને એકલવાયું ફીલ ન થાય અને તેઓ તહેવારની ઉજવણીમાં પોતાની પરેશાનીઓને ભૂલી જાય. આવા જ પ્રયત્ન હેઠળ ગઈ કાલે દિવાળી નિમિત્તે જમ્બો સેન્ટરમાં દરદીઓને એકલવાયું ન લાગે અને પોતે પણ તહેવાર મનાવી રહ્યા છે એવી ફીલ મળે એવા આશય સાથે કોવિડ સેન્ટરમાં ઍડ્મિટ મહિલાઓએ રંગોળી કરી હતી. દરેક મહિલાએ આઇસોલેશન વૉર્ડના પ્રાંગણમાં સરસ મજાની ડૉક્ટરોનો ઉત્સાહ વધારતી રંગોળી કરી હતી. દરેકને દિવાળી નિમિત્તે ગઈ કાલે બપોરે જમવામાં વાનગીઓ પણ પીરસવામાં આવી હતી.
મુલુંડ જમ્બો કોવિડ સેન્ટરના ડીન પ્રદીપ આંગ્રેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે અહીં દરેક તહેવાર દરદીઓનો ઉત્સાહ વધારવા માટે ઊજવતા હોઈએ છીએ. અહીં ઍડ્મિટ થયેલા દરદીઓ થોડા દિવસ સુધી પોતાના પરિવારજનોને મળી શકતા નથી અને જો તહેવારમાં પોતાના પરિવાર સાથે લોકો ન હોય એવા સમયે તેઓ નિરાશ થઈ જતા હોય છે. એવા સમયમાં અમે તેમને ફેસ્ટિવલનો આનંદ કરાવતા હોઈએ છીએ. ગઈ કાલે અહીં ઍડ્મિટ મહિલાઓએ રંગોળી તૈયાર કરી હતી. એ સાથે અહીંની મહિલા ડૉક્ટરોએ સેન્ટરની બહાર રંગોળીની સજાવટ કરીને આનંદમય માહોલ તૈયાર કર્યો હતો.’
જે રંગોળી કરવામાં આવી હતી એમાં કોરોના તેમ જ બીજી વાઇરલ બીમારીઓથી કઈ રીતે બચી શકાય એ બાબતે જાગૃતિ ફેલાવતા મૅસેજ આપવામાં આવ્યા છે.

coronavirus covid19 mumbai mumbai news diwali mulund mehul jethva