મુલુંડના જમ્બો કોવિડ સેન્ટરનો જમ્બો પ્રૉબ્લેમ: ૨૦ જ ICU બેડ

14 April, 2021 08:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૬૦૦ બેડની ફૅસિલિટીમાં ૧૦ ટકાના સ્થાને માત્ર સવા ટકા જ ICU બેડને લીધે ગંભીર પેશન્ટોની ટ્રીટમેન્ટમાં થઈ રહી છે મહામુસીબત

મુલુંડનું જમ્બો કોવિડ સેન્ટર, અહીં આઇસીયુના ૨૦ જ બેડ હોવાથી ડૉક્ટરોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે

શહેરમાં કોરોનાને લઈને દિવસે-દિવસે પરિ‌સ્થિતિ બગડી રહી છે ત્યારે સૌથી વધુ કફોડી હાલત મુલુંડના જમ્બો કોવિડ સેન્ટરમાં જોવા મળી રહી છે. સુધરાઈએ શહેરનાં જમ્બો કોવિડ સેન્ટરોમાં કુલ બેડની સંખ્યાના દસ ટકા બેડ આઇસીયુ માટે ફાળવ્યા છે, પણ મુલુંડના સેન્ટરમાં ૧,૬૦૦ બેડની સામે આઇસીયુના ફક્ત ૨૦ જ બેડ હોવાથી ડૉક્ટરોને સિરિયસ દરદીઓની સારવાર કરવામાં બહુ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે સુધરાઈને આઇસીયુ બેડ વધારી આપવાની માગણી કરી હોવા છતાં હજી સુધી કંઈ નક્કર પરિણામ નથી આવ્યું. આ જ કારણસર અત્યારે તેમણે જનરલ વૉર્ડમાં સેમી-આઇસીયુ બનાવીને દરદીઓની સારવાર કરવી પડી રહી છે અને એમાં તેઓ જબરદસ્ત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

મુંબઈમાં પાલિકાએ સ્થાપેલાં પાંચ જમ્બો કોવિડ સેન્ટરોમાં કોરોનાના દરદીઓ માટે આશરે ૧૧,૦૦૦ બેડ રાખવામાં આવ્યા છે. એમાં સોમવારે બીજાં બે સેન્ટરનો ઉમેરો કરવામાં આવ્યો હતો. બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના જમ્બો કોવિડ સેન્ટરમાં ૧૬૫૦ બેડની સુવિધા છે તો અહીં ૨૦૦ જેટલા બેડ આઇસીયુના રાખવામાં આવ્યા છે. એવી જ રીતે ગોરેગામના નેસ્કો સેન્ટરમાં ૧૨૦૦ બેડની સુવિધા છે તો અહીં ૧૭૦ જેટલા આઇસીયુ બેડ રાખવામાં આવ્યા છે. દહિસરના જમ્બો કોવિડ સેન્ટરમાં ૮૦૦ બેડની સામે ૧૧૦ આઇસીયુ બેડ છે. જો મુલુંડની વાત કરીએ તો મુલુંડમાં ૧૬૦૦ બેડની સુવિધા છે, પણ અહીં માત્ર ૨૦ બેડ જ આઇસીયુના રાખવામાં આવ્યા છે. એને કારણે અહીં ઇલાજ કરતા ડૉક્ટરોને મોટી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. સાથે અહીં ઍડ્મિટ થતા ગંભીર દરદીઓની સારવાર કરવામાં પણ ડૉક્ટરોને તકલીફ થઈ રહી છે.

મુલુંડના જમ્બો કોવિડ સેન્ટરના એક ડૉક્ટરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અહીં રોજના આશરે ૧૫૦ દરદીઓ આવે છે. એમાં મોટા ભાગના સિનિયર સિટિઝનો અમારી પાસે આવતા હોય છે. મુલુંડની પ્રાઇવેટ હૉસ્પિટલોમાં આઇસીયુના બેડ કોઈ જગ્યાએ ઉપલ્બધ ન થવાથી અનેક સિરિયસ દરદીઓ ઇલાજ માટે અમારી પાસે આવતા હોય છે, પણ અમારી પાસે માત્ર ૨૦ જ બેડ હોવાથી અમારે સાદા બેડ પર જ તેમનો ઇલાજ કરવો પડે છે.’

coronavirus covid19 mumbai mumbai news mulund mehul jethva