અનંત અંબાણીએ ઉદ્ધવ ઠાકરે સાથે ત્રણ કલાક શું વાત કરી?

23 October, 2022 12:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગૌતમ અદાણી બાદ મુકેશ અંબાણીના પુત્રે પણ શિવસેનાપ્રમુખની મુલાકાત લેવાથી જાત-જાતની ચર્ચા શરૂ થઈ

ફાઇલ તસવીર

એકનાથ શિંદેએ ૪૦ વિધાનસભ્યો સાથે મળીને બળવો કર્યા બાદ મુશ્કેલીમાં મુકાઈ ગયેલા શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે થોડા સમય પહેલાં ગૌતમ અદાણીએ મુલાકાત કરી હતી ત્યારે શુક્રવારે રાતે મુકેશ અંબાણીના પુત્ર અનંતે પણ માતોશ્રીમાં જઈને ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે સાથે ત્રણ કલાક વાતચીત કરી હોવાનું જાણવા મળ્યું હતું. સત્તામાંથી ફેંકાઈ જવાની સાથે પોતાનું વર્ચસ ટકાવી રાખવા માટે ઝઝૂમી રહેલા ઉદ્ધવ ઠાકરેને ભારતના ટોચના ઉદ્યોગપતિઓ શા માટે મળી રહ્યા છે? એની ચર્ચા શરૂ થઈ છે.

સત્તાધારી કે વિરોધી પક્ષના નેતાને કોઈ ઉદ્યોગપતિ મળે એ વાત સમજાય છે, પણ અત્યારે પોતાના વર્ચસને ટકાવી રાખવા માટે ઝઝૂમી રહેલા ઉદ્ધવ ઠાકરેની થોડા દિવસ પહેલાં ભારતના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ માતોશ્રીમાં જઈને ઉદ્ધવ ઠાકરેની મુલાકાત કરી હતી. ગૌતમ અદાણીની મુલાકાતની ચર્ચા હજી બંધ નથી થઈ ત્યાં મુકેશ અંબાણીના પુત્ર અનંત શુક્રવારે રાતે ખાસ્સા ત્રણ કલાક માતોશ્રીમાં હતા. 

અનંત અંબાણી શુક્રવારે રાતે ૮.૨૦ વાગ્યે માતોશ્રી પહોંચ્યા હતા અને રાતના ૧૧.૩૦ વાગ્યે ખાસ્સા ત્રણ કલાક બાદ બહાર નીકળ્યા હતા. ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે સાથે આટલો સમય અનંત અંબાણીએ શું વાત કરી હતી એની માહિતી બહાર નથી આવી, પણ ત્રણ કલાક જેટલો લાંબો સમય અનંત અંબાણી માતોશ્રીમાં હતા એટલે કોઈ ગંભીર મામલો હોવાની અટકળો લગાવાઈ રહી છે.

તાજેતરમાં મુકેશ અંબાણીએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલામાં જઈને મુલાકાત કરી હતી અને હવે તેમના પુત્ર અનંતે માતોશ્રીમાં જઈને શિવસેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેની મુલાકાત લીધી છે.

જયંત પાટીલના ઘરે બીજેપીના ઝંડા લહેરાશે?

શિવસેનામાં ભંગાણ પડ્યા બાદ હવે એનસીપીમાં પણ ફાટફૂટ થવાના સંકેત મળી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી બીજેપી એનસીપીના નેતાઓને પોતાને પક્ષે કરવાના પ્રયાસ કરી રહી હોવાની ચર્ચા છે ત્યારે ગઈ કાલે બીજેપીના વિધાનસભ્ય ગોપીચંદ પડળકરે દાવો કર્યો હતો કે ટૂંક સમયમાં એનસીપીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલના ઘરે બીજેપીનો ઝંડો લહેરાશે. આ દાવાથી રાજકીય ખળભળાટ મચી ગયો છે.

સાંગલીમાં એક સભાને સંબોધન કરતી વખતે ગોપીચંદ પડળકરે કહ્યું હતું કે ‘આજે એનસીપીની ઑફિસ પર બીજેપીનો ઝંડો લહેરાય છે. હું વિશ્વાસ સાથે કહું છું કે આગામી કેટલાક દિવસમાં એનસીપીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલના ઘરે પણ બીજેપીનો ઝંડો જોવા મળશે. એનસીપીના ૯૦ ટકા કાર્યકર કહેશે કે હવે આપણે બીજેપીમાં જવું જોઈએ. આથી મુંબઈમાં એનસીપીની જે ઑફિસ છે ત્યાં કોનો ઝંડો લહેરાવવો એ બાબતે તેમની વચ્ચે વિવાદ થશે.’

ઉદ્ધવના રાઇટ હૅન્ડે અમિત શાહને શુભેચ્છા આપી

ઉદ્ધવ ઠાકરેના નજીકના ગણાતા મિલિંદ નાર્વેકર બે દિવસ પહેલા મુંબઈ ક્રિકેટ અસોસિએશનની અપેક્સ કાઉન્સિલમાં વિજયી થયા હતા. તેમણે બીજેપીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને તેમના જન્મદિવસ નિમિત્તે આપેલી શુભેચ્છા પાઠવવાની ચર્ચા જામી છે. બીજેપીના ઉદ્ધવ ઠાકરે સાથેના સંબંધ અત્યંત ખરાબ થઈ ગયા છે ત્યારે તેમના નજીકના વ્યક્તિએ અમિત શાહને શુભેચ્છા આપી એના પર આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. એકનાથ શિંદેએ બળવો કર્યા બાદ ઉદ્ધવ ઠાકરે સાથેના અનેક નેતાઓએ તેમનો સાથ છોડી દીધો છે અને મિલિંદ નાર્વેકર પણ ગમે ત્યારે તેમનો સાથ છોડે એવી અટકળો લગાવાઈ રહી છે ત્યારે તેમની અમિત શાહને શુભેચ્છા આપતી ટ્વીટથી ચર્ચા જામી છે. મિલિંદ નાર્વેકરે ટ્વીટમાં લખ્યું હતું કે ‘માનનીય ગૃહપ્રધાન શ્રી અમિત શાહજીને જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છા. દેવ તમને નિરોગી દીર્ઘાયુ આપે.’ ઉલ્લેખનીય છે કે મુંબઈ ક્રિકેટ અસોસિએશનની ચૂંટણીમાં સભ્ય હોવા છતાં ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્રો આદિત્ય અને તેજસે મતદાન નહોતું કર્યું. આમ છતાં મિલિંદ નાર્વેકર વિજયી થયા હતા.

ઉદ્ધવ ઠાકરે જૂથના ચાર વિધાનસભ્યો અમારા સંપર્કમાં છે : નારાયણ રાણે

કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ ગઈ કાલે દાવો કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરે જૂથના ચાર વિધાનસભ્યો એકનાથ શિંદેની આગેવાનીની સરકારના સંપર્કમાં છે. જોકે તેમણે કોઈનાં નામ જાહેર નહોતાં કર્યાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં યુવાનોને સરકારી નોકરીનાં નિયુક્તિપત્રો સોંપ્યાં હતાં એ ‘રોજગાર મેળા’ના લાઇવ કાર્યક્રમ માટે મુંબઈમાં હાજર રહેલા નારાયણ રાણેએ કહ્યું હતું કે ‘શિવસેનાના ૫૬ વિધાનસભ્યોમાંથી ઉદ્ધવ ઠાકરે જૂથ સાથે છથી સાત વિધાનસભ્યો બચ્યા છે. આ વિધાનસભ્યો પણ વાડ કૂદવાની તૈયારીમાં છે. અમારા સંપર્કમાં ચાર વિધાનસભ્યો છે, પણ અત્યારે હું તેમનાં નામ જાહેર નહીં કરું. એક સમયે રાજ્યનું રાજકારણનું કેન્દ્ર માતોશ્રી અને શિવસેના ભવન હતું, જે હવે ખતમ થઈ ગયું છે.’

mumbai mumbai news uddhav thackeray Anant Ambani