મુકેશ અંબાણી અને નીતા અંબાણીને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી

05 October, 2022 04:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આજે બપોરે 1 વાગ્યાની આસપાસ રિલાયન્સની ઑફિસના લેન્ડલાઈન પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો

ફાઇલ તસવીર

મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. એક અજાણ્યા વ્યક્તિએ રિલાયન્સ ફાઉન્ડેશનની ઑફિસ પર ફોન કરીને અંબાણી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મુંબઈ પોલીસે આ મામલાની તાત્કાલિક નોંધ લઈ તપાસ શરૂ કરી છે. મુકેશ અંબાણીના એન્ટિલિયા નિવાસસ્થાને સુરક્ષા સઘન કરવામાં આવી છે.

આજે બપોરે 1 વાગ્યાની આસપાસ રિલાયન્સની ઑફિસના લેન્ડલાઈન પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. આ કોલ દ્વારા રિલાયન્સ હોસ્પિટલમાં બોમ્બ વિસ્ફોટની ધમકી આપવામાં આવી હતી. તેમ જ મુકેશ અંબાણી અને નીતા અંબાણીને પણ આ સમયે ધમકી આપવામાં આવી હતી. ડીબી માર્ગ પોલીસે આ બાબતની નોંધ લીધી છે અને તેમની તપાસ ચાલુ છે.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીને જાનથી મારી નાખવાની ધમકીઓને પગલે રિલાયન્સ હોસ્પિટલ અને તેમના નિવાસસ્થાન એન્ટિલિયામાં પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસે આ કેસમાં ચારે બાજુથી તપાસ શરૂ કરી છે.

આ પહેલાં પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારને અગાઉ પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ઑગસ્ટ મહિનામાં રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના સાર્વજનિક ફોન નંબર પર અજાણ્યા નંબર પરથી ધમકીભર્યો ફોન આવ્યો હતો. આ ફરિયાદ ડી. બી. માર્ગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયા બાદ પોલીસે ઝડપી તપાસ શરૂ કરી હતી, જે બાદ આરોપી બિષ્ણુ વિદુ ભૌમિક (ઉંમર 56)ની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી દક્ષિણ મુંબઈમાં જ્વેલરીની દુકાન ધરાવે છે.

mumbai mumbai news mukesh ambani nita ambani