પાવરમૅન બન્યા સુપરમૅન

05 January, 2023 07:52 AM IST  |  Mumbai | Mehul Jethva

પાવર કંપનીના એક્ઝિક્યુટિવ એન્જિનિયરે પાથર્યો ચાર હજાર ઘરમાં પ્રકાશ : ગઈ કાલે મહાવિતરણના અધિકારીઓ અને કૉન્ટ્રૅક્ટ પરના કર્મચારીઓ સ્ટ્રાઇક પર હોવાથી પાવર ફેલ થતાં લોકોની પરેશાની દૂર કરવા એકલા હાથે છ કલાક કામ કરીને પાવર પૂર્વવત્ કર્યો

ગઈ કાલે મુલુંડ-ઈસ્ટમાં પાવર ફેલ થયા બાદ ફૉલ્ટ (ડાબે) શોધવામાં દત્તાત્રય ભણગેએ બહુ જ મહેનત કરવી પડી હતી. ૨૮૭ના સ્ટાફમાંથી તેઓ એકલા ગઈ કાલે કામ પર હતા.

રાજ્યમાં ગઈ કાલે મહાવિતરણના અધિકારીઓ અને કૉન્ટ્રૅક્ટ પરના કર્મચારીઓ ખાનગીકરણનો પાયો નાખી રહ્યા હોવાનો આક્ષેપ કરીને હડતાળ પર ઊતરી ગયા હતા. એનાથી મુલુંડના લોકોને કોઈ પરેશાની ન થાય એ માટેની વિશેષ કાળજી લઈને મુલુંડના એક્ઝિક્યુટિવ એન્જિનિયરે ૧૦ દિવસ પહેલાં પ્લાન તૈયાર કર્યો હતો. એટલું જ નહીં, ગઈ કાલે મુલુંડ-ઈસ્ટમાં ચાર હજાર ઘરમાં પાવરકટ થયો હોવાનો કૉલ મળતાં એકલા હાથે ૨૮૭ સ્ટાફની ગેરહાજરીમાં આશરે છ કલાક મહેનત કરીને કામ કર્યું હતું અને ફરી એક વાર પાવર સપ્લાય શરૂ કર્યો હતો. 
મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન બોર્ડના કર્મચારીઓએ રાજ્યભરમાં ગઈ કાલથી ત્રણ દિવસની હડતાળનું એલાન કર્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારો વીજ કંપનીના ખાનગીકરણનો પાયો નાખી રહી હોવાના આક્ષેપ સાથે મહારાષ્ટ્રના વીજ કર્મચારીઓ, અધિકારીઓ અને એન્જિનિયરો સંઘર્ષ સમિતિ દ્વારા મંગળવાર રાતથી શરૂ કરાયેલા આ વિરોધમાં કૂદી પડ્યા હતા. બીજી તરફ મુલુંડ ડિવિઝનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર દત્તાત્રય ભણગેને ગઈ કાલે સવારે મુલુંડ-ઈસ્ટના નાનેપાડા, નીલમનગર, ચિંત્તામણી વિસ્તારમાં આવેલા આશરે ચાર હજાર ઘરમાં પાવરકટ થયો હોવાની માહિતી મળતાં તેઓ એકલા એ ફૉલ્ટ શોધવા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એ પછી તમામ સ્ટાફ હડતાળ પર હોવાથી તેમણે આશરે છ કલાક કામ કરી ફૉલ્ટ દૂર કરીને પાવર સપ્લાય શરૂ કર્યો હતો.

મુલુંડ ડિવિઝનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર દત્તાત્રય ભણગેએ ‘મિડ-ડે’ને માહિતી આપતાં કહ્યું હતું કે ‘કર્મચારીઓએ જ્યારથી હડતાળની તૈયારીઓ શરૂ કરી હતી ત્યારથી મેં લોકોને પરેશાની ન થાય એ માટેની તૈયારીઓ હાથ ધરી હતી. મેં ૧૦ દિવસ પહેલાં પાલિકાના અધિકારીઓ સાથે મીટિંગ કરીને હડતાળના ત્રણ દિવસ કોઈ જગ્યાએ રસ્તો ખોદવાની પરવાનગી આપવામાં ન આવે અને જો પરમિશન અપાઈ હોય તો એ પાછી ખેંચી લેવામાં આવે એવી માગ કરી હતી. એ પાછળનું કારણ એ હતું કે મેજર પાવરકટના કૉલ આ ખોદકામને કારણે આવતા હોય છે. એ પછી મેં સ્થાનિક ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસને મળીને અમારાં તમામ સબ-સ્ટેશનોની સુરક્ષા માટે પોલીસ રાખવાની માગ કરી હતી જેથી કોઈ કર્મચારીઓ આવીને ત્યાંનું કામ અટકાવે નહીં. મારી પાસે ૨૮૭ લોકોનો સ્ટાફ છે. એમાંથી માત્ર બેથી ચાર લોકો મારા કૉન્ટૅક્ટમાં હતા. તેઓ મને ફોન પર ગાઇડ કરી રહ્યા હતા. ગઈ કાલે મુલુંડ-ઈસ્ટમાં ગગનગિરિ સબ-સ્ટેશન પાસે આશરે ચાર હજાર ઘરમાં પાવરકટ થયો હોવાની માહિતી મને મળી હતી. હું તરત ઘટનાસ્થળે પહોંચ્યો હતો. એ પછી મુલુંડ-ઈસ્ટની મેઇન લાઇન સનરૂફથી આવતી હોવાથી પહેલાં હું ત્યાં તપાસ કરવા ગયો હતો. ત્યાં બે ફૉલ્ટ દૂર કર્યા પછી પણ પાવર ચાલુ ન થતાં હું ફૉલ્ટ શોધતો-શોધતો ફરી ગગનગિરિ સબ-સ્ટેશન પર આવ્યો હતો. ત્યાં મને માહિતી મળી કે એક બિલ્ડરની સાઇટ પર વાયર બળી રહ્યા છે. એટલે હું ત્યાં પહોંચ્યો હતો. એ પછી મેં એ ફૉલ્ટને રિપેર કરીને પાવર સપ્લાય શરૂ કર્યો હતો. મહત્ત્વની વાત એ છે કે જ્યારે મને ફૉલ્ટ મળ્યો ત્યારે હું એને રિપેર કરવા સામાન લેવા માટે મારા સબ-સ્ટેશનમાં પહોંચ્યો ત્યારે બહારથી તાળું મારીને અધિકારીઓ હડતાળ પર ગયા હતા. એટલે મેં પાછળની દીવાલ કૂદી અંદર જઈને બધો સામાન બહાર કાઢ્યો હતો.’

ગઈ કાલે મુલુંડ-ઈસ્ટમાં પાવર ફેલ થયો હતો

મીઠાગર રોડ પર સચિન સોસાયટીમાં રહેતાં શિલ્પા બાજીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે ૧૧ વાગ્યાથી ઘરે લાઇટ કોઈ કારણસર ગઈ હતી. એ પછી હું બપોરે ત્રણ વાગ્યે ફરિયાદ કરવા પહોંચી હતી. ત્યારે એક્ઝિક્યુટિવ એન્જિનિયર દત્તાત્રય ભણગે એકલા કામ કરી રહ્યા હતા. પહેલાં હું બહુ જ ગુસ્સામાં તેમને ફરિયાદ કરવા પહોંચી હતી. જોકે જ્યારે મેં જોયું કે તેઓ એકલા કામ કરી રહ્યા છે ત્યારે હું અને મારી આસપાસમાં રહેતા લોકો પણ તેમને મદદ કરવા આગળ આવ્યા હતા. જોકે તેમણે એકલાએ જહેમત લઈને અમારો પાવર રી-સ્ટોર કર્યો હતો.’

mumbai mumbai news maharashtra mulund mehul jethva