દીકરીની ઉંમરના મિત્રોને મોંઘી ગિફ્ટ આપવા માતાએ પરણેલી દીકરીના જ ઘરમાં ચોરી કરી

01 June, 2022 11:56 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

વસઈની વાલિવ પોલીસે ગુજરાતી મહિલા અને તેના સાથીની ધરપકડ કરીને બે મહિના પહેલાંની ચોરીનો કેસ ઉકેલ્યો

પ્રતીકાત્મક તસવીર

નાયગાંવમાં આવેલા રશ્મિ પિન્ક સિટી કૉમ્પ્લેક્સમાં એક ઘરમાંથી બે મહિના પહેલા ૪.૮૫ લાખ રૂપિયાના સોનાના દાગીના ચોરી થવાની ઘટનામાં વાલિવ પોલીસે એક ગુજરાતી મહિલા અને તેના મિત્રની તાજેતરમાં ધરપકડ કરીને તેમની પાસેથી ૪.૧૦ લાખ રૂપિયાની માલમતા જપ્ત કરી હોવાનું જાણવા મળ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે ચોરી કરવાના આરાપેસર જે મહિલા પકડાઈ છે તેણે પોતાની સગી દીકરીના ઘરમાંથી સોનાના દાગીના તફડાવ્યા હોવાનું પોલીસની તપાસમાં જણાઈ આવ્યું હતું. પોતાની દીકરીની ઉંમરના યુવકો સાથે ફ્રેન્ડશિપ કરીને તેમને મોંઘી ગિફ્ટ આપવા માટે આરોપી મહિલા ચોરી કરતી હોવાનું જણાઈ આવ્યું છે.

વસઈ-પૂર્વમાં આવેલા વાલિવ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રશ્મિ પિન્ક સિટી ફેઝ ટૂના બિલ્ડિંગ નંબર ૧૫ના ત્રીજા માળે આવેલા ફ્લૅટમાંથી ૭ માર્ચ ૨૦૨૨થી ૨૩ માર્ચ ૨૦૨૨ દરમ્યાન ૪.૮૫ લાખ રૂપિયાના સોનાના દાગીના ચોરી થવાની ફરિયાદ વાલિવ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.

વાલિવ પોલીસ સ્ટેશનની ક્રાઇમ ટીમે આ મામલે ફરિયાદી મહિલાના પરિવારજનો, તેમના સંબંધીઓ અને પાડોશીઓની તેમ જ તેના ઘરની નજીકમાં રહેતા લોકોની પૂછપરછ કરી હતી. એમાં જણાઈ આવ્યું હતું કે ફરિયાદી મહિલાની માતા તેના ઘરે અવારનવાર આવતી હતી. આ મ‌હિલાની પોલીસે માહિતી કઢાવતા હત્યાના એક ગુનામાં તે ત્રણ વર્ષ જેલમાં હોવાનું જણાઈ આવ્યું હતું. આથી આ મહિલાને તાબામાં લઈને તેના ઘરની તલાશી લેતાં જણાઈ આવ્યું હતું કે તેણે લોનાવલામાં રહેલા કૃષ્ણા નાથા રાઠોડ નામના મિત્ર સાથે મળીને પોતાની સગી દીકરીના ઘરમાંથી ચોરી કરી હતી. આથી ૨૧ મેએ આ મહિલા અને ૨૭ મેએ તેના મિત્ર કૃષ્ણા રાઠોડની ચોરી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.

વાલિવ પોલીસ સ્ટેશનના ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ અને આ કેસના તપાસ અધિકારી ઇન્સ્પેક્ટર રાહુલકુમાર પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચોરી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલી મહિલા અને તેના મિત્રે ચોરી કરેલા ૪.૮૫ લાખ રૂપિયાના દાગીનામાંથી ૪.૧૦ લાખ રૂપિયાના દાગીના હસ્તગત કરવામાં આવ્યા છે. ગુજરાતી પરિવારની આ ઘટનામાં મા અને દીકરીની બદનામી ન થાય એ માટે તેમનાં નામ જાહેર નથી કરાયાં.‍ મહિલા પચાસ કરતાં વધારે ઉંમરની હોવા છતાં તેને જાત-જાતના શોખ હોવાથી પોતાની દીકરીના ઘરમાંથી જ સોનાના દાગીનાની ચોરી કરી હતી અને તેના મિત્ર કૃષ્ણા રાઠોડને ગિફ્ટ આપી હતી. તપાસમાં જણાયું છે કે આરોપી મહિલાના તેની દીકરીની ઉંમરના અનેક યુવાન મિત્ર છે, જેમને મોંઘી ગિફ્ટ આપવા માટે તે ચોરી કરતી હતી.’

mumbai mumbai news Crime News mumbai crime news naigaon prakash bambhrolia