ફર્સ્ટ ડે, હૉરર શો

10 June, 2021 07:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ પહેલા જ વરસાદમાં ડૂબી ગઈ એવો ઘાટ સર્જાયો હતો. લૉકડાઉનનો લાભ લઈને બીએમસીએ નાળાસફાઈ વધુ સારી રીતે કરી હશે એવી આશા પર પહેલા વરસાદે પાણી ફેરવી દીધું હતું.

મુંબઈમાં ગઈ કાલે પડેલા વરસાદમાં દાદર ટીટીમાં ઘૂંટણ સમાં પાણી ભરાયાં હતાં અને હજી તો અનલૉક થયું નથી ત્યાં ફરી ગઈ કાલે મોટા ભાગની દુકાનો વેપારીઓએ બંધ રાખવી પડી હતી. સુરેશ કરકેરા

યસ, મુંબઈ પહેલા જ વરસાદમાં ડૂબી ગઈ એવો ઘાટ સર્જાયો હતો. લૉકડાઉનનો લાભ લઈને બીએમસીએ નાળાસફાઈ વધુ સારી રીતે કરી હશે એવી આશા પર પહેલા વરસાદે પાણી ફેરવી દીધું હતું. આમાં સૌથી વધુ મરો થયો વેપારીઓનો. મુંબઈને અનલૉક થયાને માંડ બે દિવસ થયા છે ત્યાં તો વરસાદ વિલન બનીને આવ્યો. ગઈ કાલના વરસાદમાં થયેલા આર્થિક નુકસાનની આ વેપારીઓને ચિંતા સતાવી રહી છે. મુંબઈના વરસાદે લાંબા સમય બાદ કામ પર જતા નોકરિયાત વર્ગને પણ છોડ્યો નહોતો. ટ્રેન બંધ હોવાથી બસ અને કાર જેવા વિકલ્પનો ઉપયોગ કરીને નોકરીએ જનારા લોકો રસ્તાઓ પર પાણી ભરાતાં ટ્રાફિક જૅમમાં ફસાઈ ગયા હતા. 

 વેપારીઓ તો દોઢ વર્ષથી ફક્ત સુધરાઈના નિયમોનું પાલન કરવા સિવાય કંઈ કરી શક્યા નથી, પરંતુ આશા એવી હતી કે લોકોની અવરજવર ઓછી હોવાથી નાળાસફાઈ પર ભાર અપાશે અને વરસાદમાં પાણી ઓછા પ્રમાણમાં ભરાશે. જોકે પહેલા જ વરસાદમાં પાણી ભરાઈ ગયાં. સુધરાઈના દાવાઓ તો પોકળ જ સાબિત થયા.
મનીષભાઈ કોઠારી, સાયનમાં કપડાની દુકાન

૫૦ એમએમ કે ૩૦ એમએમ?
મુંબઈમાં  સ્ટૉર્મવૉટર ડ્રેઇન એક કલાકમાં ૫૦ એમએમ વરસાદના પાણીનો નિકાલ કરવામાં સક્ષમ હોવાનું અત્યાર સુધીના બીએમસીના કમિશનરો કહેતા આવ્યા છે અને આપણે પણ એ માનતા આવ્યા છીએ, પણ ગઈ કાલે ઇકબાલ સિંહ ચહલે એની કૅપેસિટી ઘટાડીને ૩૦ એમએમ કરી દેતાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું અને બીએમસીની કાર્યક્ષમતા સામે મોટું પ્રશ્નાર્થચિહ્નઆ મુકાયું હતું. એ ઉપરાંત સવાલ એ થયો કે શું અગાઉના કમિશનરો ખોટું બોલતા હતા કે હવે ક્ષમતા ઓછી થઈ ગઈ છે?

220.6 એમએમ વરસાદ ગઈ કાલે સાંજ સુધીમાં સાંતાક્રુઝમાં નોંધાયો હતો.

297 એમએમ વરસાદ ચેમ્બુરમાં પડ્યો હતો, જે મુંબઈમાં સૌથી વધુ હતો

9 કેન્દ્રો દ્વારા સતત પાણી ઉલેચવાની કામગીરી કરાઈ હતી

13 જગ્યાએ મુખ્યત્વે પાણી ભરાયાં હતાં

14 જગ્યાએથી શૉર્ટ-સર્કિટના કૉલ મળ્યા હતા

45.6 એમએમ વરસાદ ગઈ કાલે સાંજ સુધીમાં કોલાબામાં નોંધાયો હતો

32 જગ્યાએથી ઝાડ અને ડાળીઓ તૂટી પડવાની ફરિયાદ બીએમીસીને મળી હતી

197 પમ્પની મદદથી મુંબઈમાં ભરાયેલું પાણી કાઢવામાં આવ્યું હતું

6 જગ્યાએ સ્લૅબ તથા ભીંત તૂટી પડવાની ઘટનાઓ નોંધાઈ હતી

4.16 મીટર ઊંચાં મોજાં ગઈ કાલે ભરતી વખતે ઊછળ્યાં હતાં

mumbai mumbai news mumbai monsoon mumbai weather mumbai rains dadar colaba