મુંબઈમાં આજે વરસાદનું જોર ઘટશે

30 August, 2020 07:18 AM IST  |  Mumbai | Mumbai correspondent

મુંબઈમાં આજે વરસાદનું જોર ઘટશે

પ્રતીકાત્મક તસવીર

શુક્રવાર મધરાત બાદથી મુંબઈમાં વરસાદ શરૂ થયા બાદ ગઈ કાલે આખો દિવસ ચાલુ રહ્યો હતો. હવામાન ખાતાએ મુંબઈ શહેર અને પરા વિસ્તારની સાથે થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લામાં આગામી ૨૪ કલાકમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવાની સાથે ગઈ કાલે યલો અલર્ટ જારી કરી હતી. મુંબઈમાં ૨૪ કલાકમાં ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

હવામાન ખાતાની માહિતી મુજબ ઉત્તર-પૂર્વ મધ્યમ પ્રદેશ અને દક્ષિણ-પૂર્વ પાકિસ્તાનમાં નિર્માણ થયેલા હવાના દબાણને લીધે મહારાષ્ટ્રના ઉત્તર કોંકણ, ગોવા, ગુજરાત વગેરે વિસ્તારમાં ચોમાસું ફરી સક્રિય થવાથી વરસાદ પડી રહ્યો છે. જોકે આજે વરસાદનું જોર ઘટશે, પણ બે-ત્રણ દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.

હવામાન ખાતાના વેસ્ટર્ન રીજનના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ કે. એસ. હોસિલકરે કહ્યું હતું કે ‘વહેલી સવારથી મુંબઈ અને આસપાસના વિસ્તારમાં અટકી અટકીને ભારે વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. વેધર રડાર અને સેટેલાઈટ ઈમેજથી નિર્દેશ મળે છે કે ઉત્તર કોંકણ ઉપર અતિ ભારે વરસાદ આગામી સમયમાં પડી શકે છે. આથી અમે પહેલા ઓરેન્જ અને બાદમાં યલો અલર્ટ જારી કરી હતી.

છેલ્લા ૨૪ કલાકમાં સાંતાક્રુઝમાં ૮૫.૪ મિ.મિ. અને કોલાબામાં ૧૦૮ મિ.મિ. વરસાદ નોંધાયો હતો. થાણે-બેલાપુરમાં ૧૧૦ મિ.મિ., દહાણુમાં ૧૦૩ મિ.મિ., માથેરાનમાં ૧૪૯ મિ.મિ. અને મહાબળેશ્વરમાં ૫૩ મિ.મિ. વરસાદ નોંધાયો હતો. આ ચોમાસામાં સાંતાક્રુઝમાં ૧ જૂનથી ૨૯ ઑગસ્ટ દરમ્યાન ૩૦૩૮.૪ મિ.મિ. વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં ૧૧૯૧.૫ મિ.મિ. વધારે છે. આવી જ રીતે કોલાબામાં અત્યાર સુધી ૨૮૧૬.૧ મિ.મિ. વરસાદ થયો છે, જે એવરેજ કરતાં ૧૧૨૬.૨ મિ.મિ. વધારે છે.

thane palghar raigad mumbai mumbai news mumbai monsoon mumbai weather