ઑનલાઇન ચીટિંગમાં ત્રણ ટકા કમિશનની લાલચમાં બે મોબાઇલ દુકાનદારો જેલભેગા

08 August, 2022 11:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ચીટિંગનો માસ્ટરમાઇન્ડ ફરાર છે.

સુરતના ચાર ગુજરાતી આરોપી યુવાનો સાથે આંબોલી પોલીસની ટીમ

અંધેરીમાં રહેતા એક બિઝનેસમૅનને મેસેજ આવે છે કે તેમણે પૅન અને આધાર કાર્ડ અપડેટ કરાવવાં પડશે અને એમ નહીં કરે તો બૅન્ક અકાઉન્ટ બંધ થઈ જશે. મેસેજ આવ્યો ત્યારે વેપારી ઑફિસમાં બિઝી હોવાથી તેમણે પેલો મેસેજ પત્નીને આપીને મેસેજમાં આપેલી લિન્ક ઓપન કરવાનું કહ્યું હતું. વેપારીની પત્નીએ મેસેજમાં આપેલી લિન્ક ઓપન કરતાં એક વેબસાઇટ ખૂલી હતી જેમાં માહિતી ભરવાનું કહ્યું હતું. એ મુજબ વેપારીની પત્નીએ કરતાં ગણતરીના સમયમાં જ વેપારીના બૅન્કના ખાતામાંથી થોડા-થોડા કરીને ૧.૪૦ લાખ રૂપિયા કોઈક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા. વેપારીએ આંબોલી પોલીસ સ્ટેશનમાં ૨૪ માર્ચે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ચાર મહિના મહેનત કરીને સુરતમાંથી મોબાઇલની દુકાન ધરાવતા બે સહિત ચાર ગુજરાતી યુવાનોની ધરપકડ કરી હતી. તેમણે ત્રણ ટકા કમિશન મેળવવાની લાલચમાં આ કામ કર્યું હોવાનું જણાયું હતું. આ ચીટિંગનો માસ્ટરમાઇન્ડ ફરાર છે.

આંબોલી પોલીસ સ્ટેશનમાં ૨૪ માર્ચે અંધેરીમાં રહેતા ફરિયાદી રવીન્દ્ર ઘુસ્તેની પત્ની દીપાલીએ એસએમએસ મેસેજમાં આપેલી લિન્ક ઓપન કરતાં જ વેપારીના અકાઉન્ટમાંથી ૧.૪૦ લાખ રૂપિયા બીજા અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા હતા. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને તપાસ કરતાં જણાયું હતું કે સુરતમાં મોબાઇલની દુકાન ધરાવતા બે યુવાનો ચીટિંગ કરવામાં આવેલી રકમ જે અકાઉન્ટમાં ક્રેડિટ થઈ હતી એમાંથી કેટલાંક પેમેન્ટ કરી રહ્યા છે. આથી પોલીસે સુરતમાંથી ૩૨ વર્ષના આશિષ બોઘરા, ૨૫ વર્ષના જેમિશ વીરાણી, ૩૨ વર્ષના વિપુલ બોઘરા અને ૨૭ વર્ષના પ્રદીપ રંગાણી નામના આરોપીઓની ધરપકડ ૩ ઑગસ્ટે કરી હતી.

મોડસ ઑપરેન્ડી
આ કેસની તપાસ કરી રહેલા આંબોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અબ્દુલ રઉફ ગની શેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૪ માર્ચે વેબસાઇટના માધ્યમથી ચીટિંગ થવાની ફરિયાદ નોંધ્યા બાદ અમે રકમ જે અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી એના પર નજર રાખી હતી. તપાસમાં જણાયું હતું કે એ અકાઉન્ટમાંથી સુરતમાં થોડું-થોડું પેમેન્ટ કરવામાં આવી રહ્યું છે. આથી અમારી ટીમે સુરત જઈને મોબાઇલની દુકાન ધરાવતા આરોપીઓ આશિષ બોઘરા અને જેમિશ વીરાણી તેમ જ તેમને આ ગુનામાં સાથ આપવા બદલ બીજા આરોપીની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ૧૫૨ ડેબિટ કાર્ડ મળી આવ્યા છે. ઑનલાઇન ચીટિંગનો સૂત્રધાર ભાગતો ફરી રહ્યો છે. તે ચીટિંગની રકમ કૅશ કરવા માટે મોબાઇલની દુકાનદારાને ત્રણ ટકા કમિશન આપતો હતો. આવી રીતે તેમણે અમુક લોકો સાથે અત્યાર સુધી ૩૦ લાખ રૂપિયાની ચીટિંગ કરી હોવાનું તપાસમાં જણાયું છે. આ મામલામાં આગળની તપાસ ચાલી રહી છે.’

mumbai mumbai news Crime News mumbai crime news andheri