04 November, 2026 08:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પચાસથી ૬૦ માણસોના ટોળાએ મચાવેલા આતંકની તસવીરો.
નાલાસોપારા (ઈસ્ટ)ના શ્રીરામનગરમાં સોમવારે આશરે પચાસથી ૬૦ લોકોના ટોળાએ એક શ્વાન દ્વારા કોઈને બટકું ભરવાની બાબતે ઊભા થયેલા વિવાદમાં અનેક ઘરોની તોડફોડ કરીને, અરાજકતા ફેલાવીને, ત્યાં રહેતા લોકોના મનમાં ભય પેસાડી દઈને તેમને પોતાનાં ઘર છોડી જવા મજબૂર કરવા જેવો આતંક ફેલાવવામાં આવ્યો હતો. ભેગા થયેલા ટોળાએ શ્રીરામનગરમાં આવેલાં ઘરોની બારીઓ તથા બારણાંઓ તોડી નાખ્યાં હતાં અને ત્યાં આસપાસ ઊભેલાં વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
પોલીસે આપેલી માહિતી મુજબ રવિવારે પહેલી નવેમ્બરે એક શ્વાનને અમુક લોકોએ નિર્દયપણે ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો. આ મામલે એક યુવતીએ પેલ્હાર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં આ મામલે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાવવામાં આવ્યો હતો. જોકે આ મામલે ગુનો નોંધાવાતાં વિફરેલા આરોપીઓ પચાસથી ૬૦ લોકોનું ટોળું લઈને બીજા દિવસે સોમવારે રાત્રે ૯ વાગ્યાની આસપાસ ફરિયાદીના વિસ્તારમાં ઘૂસ્યા હતા અને ત્યાં બધાં જ ઘરોની તોડફોડ કરી હતી અને બારી-બારણાં તોડીને તથા પથ્થરબાજી કરીને ત્યાં અરાજકતાનો માહોલ કરીને તેમને પરિણામો ભોગવવા તૈયાર રહેવાની ધમકી આપી હતી. તેમણે ત્યાંનાં ઘરોનાં
ઇલેક્ટ્રિક-બૉક્સ તથા પાણી ભરેલાં ડ્રમ પણ નષ્ટ કર્યાં હતાં.
આ ઘટનાને પગલે અનેક લોકો પોતાનાં ઘર છોડીને ચાલ્યા ગયા હોવાનો પણ અહેવાલ છે. આ વાતની જાણકારી મળતાં જ પોલીસે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચકાસીને, હિંસા ફેલાવનારા લોકોની ઓળખ કરીને તેમની ધરપકડ કરવા માટે કાર્યવાહી શરૂ કરી હતી.