25 July, 2025 11:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાલઘરની કૈલાસ સરોવરનું બોર્ડ તોડી નાખ્યું
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ ગઈ કાલે મુંબઈ-અમદાવાદ હાઇવે પર પાલઘર જિલ્લાના હાલોલીમાં આવેલી કૈલાસ સરોવર હોટેલને નિશાન બનાવી હતી. હોટેલ પર લગાડવામાં આવેલા ગુજરાતીમાં લખેલા નામના બોર્ડને તેમણે તોડી પાડ્યું હતું.
હિન્દી–મરાઠીના વિવાદ વખતે MNSના થાણેના નેતા અવિનાશ જાધવે એ મુદ્દાને મહત્ત્વ આપી મીરા-ભાઈંદરમાં જોરદાર મોરચો પણ કાઢ્યો હતો. ગઈ કાલે ફરી એક વાર અવિનાશ જાધવ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ભાઈંદરથી આગળ ગયા હતા અને ત્યાં આવેલી હોટેલોનાં નામનાં પાટિયાં ગુજરાતીમાં જોઈને તેમના કાર્યકરોને આદેશ આપ્યો હતો કે ગુજરાતીમાં લખેલાં નામનાં પાટિયાં કાઢી નાખવામાં આવે.
એ આદેશ બાદ મુંબઈ–અમદાવાદ હાઇવે પર પાલઘર જિલ્લાના હાલોલી ગામમાં આવેલી હોટેલ કૈલાસ સરોવર, ફૂડ હબ પર MNSના કાર્યકરો પહોંચી ગયા હતા. એક કાર્યકરે સળિયો લઈને હોટેલની ઉપર ગુજરાતીમાં લખેલું હોટેલનું નામ તોડી નાખ્યું હતું ત્યારે MNSના પાલઘર જિલ્લાના પદાધિકારીઓ અને કાર્યકરોએ MNSનો, મરાઠીનો જયજયકાર કર્યો હતો.