ઔરંગાબાદનું નામ સંભાજી નગર કરવાની માગણી સાથે નાશિકમાં મનસેનું આંદોલન

03 January, 2021 12:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઔરંગાબાદનું નામ સંભાજી નગર કરવાની માગણી સાથે નાશિકમાં મનસેનું આંદોલન

પ્રતીકાત્મક તસવીર

સ્ટેટ ટ્રાન્સપોર્ટની ઔરંગાબાદ જતી બસો પર એ શહેરનું નામ ‘સંભાજી નગર’ લખવાની માગણી સાથે ગઈ કાલે નાશિકના મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ-મનસે)ના કાર્યકરોએ આંદોલન કર્યું હતું. મહારાષ્ટ્રના શહેર અને જિલ્લા વડા મથક ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર કરવા વિશે ચાલતા વિવાદ વચ્ચે આ આંદોલન રાજકીય દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ મનાય છે.

ગઈ કાલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નાશિક શહેર એકમના પ્રમુખ અંકુશ પવાર તથા અન્ય કાર્યકરોએ ઠક્કર બજાર બસ-સ્ટૅન્ડ પર પહોંચીને ઔરંગાબાદ જતી બસની ઉપરનું બોર્ડ બદલીને ‘સંભાજી નગર’ લખેલું બોર્ડ ગોઠવી દીધું હતું. આંદોલનકારીઓએ રાજ્યની ત્રિપક્ષી મહારાષ્ટ્ર વિકાસ આઘાડી સરકાર પાસે આગામી ૨૬ જાન્યુઆરીથી મરાઠવાડા પ્રાંતના ઔરંગાબાદ શહેરનું નામ બદલીને  ‘સંભાજી નગર’ કરવાનો સત્તાવાર નિર્ણય જાહેર કરવાની માગણી કરી હતી.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ રાજ્ય સરકારમાં કૉન્ગ્રેસ સાથે ભાગીદારીને કારણે ઔરંગાબાદ શહેરનું નામ બદલવાની માગણી બાબતે વલણ હળવું કરવા બદલ શિવસેનાની ટીકા કરી હતી, કારણ કે આ શહેરનું નામ બદલવાની મૂળ માગણી શિવસેનાની હતી. જોકે થોડા દિવસો પહેલાં કૉન્ગ્રેસના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ બાળાસાહેબ થોરાતે ઔરંગાબાદનું નામ બદલીને ‘સંભાજી નગર’ કરવા સાથે પક્ષની અસંમતિનો પુનરુચ્ચાર કર્યો હતો.

aurangabad nashik maharashtra maharashtra navnirman sena