મિશન મહારાષ્ટ્ર

04 October, 2020 08:08 AM IST  |  Mumbai | Rashmin Shah

મિશન મહારાષ્ટ્ર

ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમસાણમાં શિવસેના-કૉન્ગ્રેસ-રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ વચ્ચે મતભેદની ખાઈ દિવસે-દિવસે ઊંડી થતી જાય છે ત્યારે બીજેપીએ મહારાષ્ટ્ર ગવર્નમેન્ટને હાથમાં લેવાની આડકતરી તૈયારીઓ શરૂ કરી દીધી હોવાની વાત છે. એક પછી એક જે ડેવલપમેન્ટ થઈ રહ્યાં છે એ આના ભણી જ નિર્દેશ કરી રહ્યાં છે. થોડા દિવસ પહેલાં થયેલી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતની મીટિંગની વિગત બીજેપીના કોર કમિટીના નેતાઓને અપાયાની સાથોસાથ એવી સ્ટ્રૅટેજી પર પણ બીજેપીએ કામ શરૂ કર્યું છે જેમાં શિવસેના સાથીપાર્ટી તરીકે એની સાથે જોડાયેલી રહે અને ગવર્નમેન્ટને એ જ કન્ટિન્યુ કરે. આવી સિચુએશન ત્યારે જ શક્ય બને જ્યારે શિવસેના પોતાના અત્યારના બન્ને સાથીપક્ષોથી છેડો ફાડીને મહા વિકાસ આઘાડીનું સમાપન કરી નાખે.
સાથીપક્ષોનો સાથ છોડવા વિશે શિવસેના વિચારતી થઈ હોવા પાછળ એક નહીં, અનેક કારણો જવાબદાર છે. નાની-નાની વાતમાં કૉન્ગ્રેસ અને રાષ્ટ્રીય કૉન્ગ્રેસની વધતી ચંચુપાતને કારણે મહા વિકાસ અઘાડીમાં મતભેદ હવે ચરમસીમાએ પહોંચવા માંડ્યા છે તો સેન્ટ્રલ ગવર્નમેન્ટની કેટલીક યોજનાઓ શિવસેના વૈચારિક રીતે સ્વીકારવા રાજી હોવા છતાં કે પછી સેન્ટ્રલ ગવર્નમેન્ટે લીધેલાં અમુક સ્ટેપ્સની સરાહના કરવા ઇચ્છતી હોવા છતાં શિવસેના ખુલ્લેઆમ બીજેપીનો પક્ષ લઈ નહીં શકતી હોવાથી પણ પાર્ટીને મૂંઝારો થઈ રહ્યો છે. સામા પક્ષે બીજેપી પણ નથી ઇચ્છતી કે શિવસેનાથી વધારે દૂર રહેવું. કૉર્પોરેશન ઇલેક્શનને હવે લાંબો સમય રહ્યો નથી, એવા સમયે જો મહા વિકાસ આઘાડી અકબંધ રહી તો બીજેપીને મુંબઈ કૉર્પોરેશનની ચૂંટણીમાં નુકસાન થઈ શકે એમ છે. સરવાળે બન્ને જૂના સાથી નવેસરથી એક થવાની દિશામાં હકારાત્મકપણે વિચારી રહ્યાં છે અને બન્ને પક્ષોના આ વિચારને સિનિયર નેતાઓ અને કોર કમિટી દ્વારા ગ્રીન લાઇટ પણ કરી દેવામાં આવ્યા છે.
આ આખી સિચુએશનમાં બીજેપી નથી ઇચ્છતું કે શિવસેના પણ ક્યાંય તેના વોટર્સ સામે નીચું પડે એટલે બીજેપી એવો રસ્તો કાઢી શકે છે કે બીજેપી શિવસેનાને સપોર્ટ આપે અને શિવસેનાના મુખ્ય પ્રધાન કન્ટિન્યુ રહે. કોવિડના આ કપરા કાળમાં માર્ચ સુધી સરકારમાં મોટા ફેરફાર કરવાનું પણ યોગ્ય નહીં લાગતું હોવાથી સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં રહેલી બીજેપી માર્ચ સુધીનો સમય ખેંચી લે અને એ પછી પ્રધાનમંડળમાં મેજર ફેરફાર કરવામાં આવે. કહ્યું એમ, આ રસ્તો અપનાવવાનો સૌથી મોટો લાભ એ થાય કે શિવસેનાની જે પ્રારંભિક ડિમાન્ડ હતી કે મુખ્ય પ્રધાન શિવસેનાના રહે એ ડિમાન્ડ પણ પૂરી થાય અને ત્યાર પછી બીજેપી મહારાષ્ટ્રમાં શાસન કન્ટિન્યુ કરે. હા, બીજેપીને પણ ઉતાવળ છે. સૌથી વધુ વિધાનસભ્ય હોવા છતાં સત્તાથી દૂર રહેવાનું રાજ્યના બીજેપીના નેતાઓને ગમી નથી રહ્યું અને એથી એ ચણભણ હવે અસંતોષમાં રૂપાંતર થાય એ પહેલાં સત્તા પર આવી જવાની તેમની નેમ છે.
અગાઉ અનેક રાજ્યોમાં બીજેપીએ સરકાર ઉથલાવીને તડજોડ સાથે પોતાની સરકાર બનાવી છે. હવે એ જ રીતે બીજેપીએ ‘મિશન મહારાષ્ટ્ર’ પર કામ શરૂ કર્યું છે અને આ વખતે આ કામ નક્કર પરિણામ લાવે એવી શક્યતા ઘણી મોટી છે.

mumbai mumbai news maharashtra devendra fadnavis uddhav thackeray