મીરા-ભાઇંદરનાં વિધાનસભ્યે કર્યું વેપારીઓની દુકાનો શરૂ કરવાની લડત વચ્ચે એક દુકાનનું ઓપનિંગ

08 April, 2021 09:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આના પરથી સવાલ થઈ રહ્યો છે કે સામાન્ય નાગરિકો માટે લૉકડાઉનના નિયમો અલગ અને જનપ્રતિનિધિઓ માટે અલગ છે?

મીરા રોડમાં લૉકડાઉનમાં દુકાનનું ઓપનિંગ કરી રહેલાં વિધાનસભ્ય ગીતા જૈન

કોરોનાને ફેલાતો રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા બ્રેક ધ ચેઇન લૉકડાઉન કરાયું છે ત્યારે સત્તાધારી શિવસેનાનાં મીરા-ભાઈંદરનાં વિધાનસભ્ય ગીતા જૈને તમામ નિયમોને નેવે મૂકીને ગઈ કાલે એક દુકાનનું ઓપનિંગ કર્યું હતું. આના પરથી સવાલ થઈ રહ્યો છે કે સામાન્ય નાગરિકો માટે લૉકડાઉનના નિયમો અલગ અને જનપ્રતિનિધિઓ માટે અલગ છે? મુંબઈની જેમ મીરા-ભાઈંદરમાં પણ કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આથી સ્થાનિક પાલિકા પ્રશાસને જીવનજરૂરી સિવાયનાં તમામ કામકાજ ૩૦ એપ્રિલ સુધી બંધ કરાવ્યાં છે. કાયદાનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરાઈ રહી છે.

અપક્ષ ચૂંટાઈ આવ્યા બાદ શિવસેનામાં સામેલ થયેલાં વિધાનસભ્ય ગીતા જૈને ગઈ કાલે મીરા રોડના ગીતાનગરમાં આવેલી ભક્તિ ડેકોર નામની દુકાનનું ઓપનિંગ કર્યું હતું. તમામ દુકાનો બંધ કરાવાઈ છે એનો વિરોધ આજે જ્યારે ચારે બાજુએ થઈ રહ્યો છે ત્યારે લોકપ્રતિનિધિ દ્વારા જ કોવિડના કાયદાનો ભંગ કરાયો હતો. પત્રકારોએ ગીતા જૈનને આ બાબતે પૂછતાં તેમણે કહ્યું હતું કે ‘દુકાનના ઓપનિંગનું મુહૂર્ત પહેલેથી કઢાયું હતું. અચાનક લૉકડાઉન જાહેર કરાશે એનો ખ્યાલ નહોતો. હિન્દુ ધર્મમાં મુહૂર્તનું મહત્ત્વ છે એટલે માત્ર મુહૂર્ત સાચવવા માટે ઓપનિંગ કરાયું હતું. બાદમાં દુકાન બંધ કરી દેવાઈ હતી.’

coronavirus covid19 lockdown mira road bhayander