30 June, 2025 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દસમા અને બારમા ધોરણના ગુજરાતી સ્કૂલ-ટૉપર્સ ઉપરાંત સ્પોર્ટ્સ તેમ જ અન્ય સિદ્ધિ મેળવનારા વિદ્યાર્થીઓનું સન્માન
છેલ્લાં પાંચ વર્ષથી દેશના આઇકૉનિક સ્થળે યોજાતા મિડ-ડે ટૉપર્સ સન્માનનું આ છઠ્ઠું વર્ષ છે અને આ વખતનો BSEના ઇન્ટરનૅશનલ કન્વેન્શન હૉલમાં યોજાયેલો મિડ-ડે ટૉપર્સ સન્માન સમારોહ પણ સુપરહિટ સિક્સર જેવો જ હિટ રહ્યો હતો. ગઈ કાલે તમામ બોર્ડના દસમા અને બારમા ધોરણના ગુજરાતી સ્કૂલ-ટૉપર્સ ઉપરાંત સ્પોર્ટ્સ તેમ જ અન્ય સિદ્ધિ મેળવનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. એ સાથે જ શારીરિક અક્ષમતાને અવગણીને ટેન્થ/ટ્વેલ્થમાં ઝળકેલા ગુજરાતી સ્ટુડન્ટ્સને પણ નવાજવામાં આવ્યા હતા. જેને જોઈને છાતી ફૂલે એવા તમામ વિદ્યાર્થીઓ આ ફોટોમાં એકસાથે જોવા મળે છે. ઇવેન્ટના મુખ્ય સ્પૉન્સર રાજ કમ્પ્યુટર્સ ઍકૅડેમીની પેરન્ટ કંપની રાજ સૉફ્ટવેર ટેક્નૉલૉજી (ઇન્ડિયા) લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર ડૉ. (CA) રાજેશ યુ. છેડા, તેમનાં પત્ની પરિન છેડા, તેમની પચાસથી વધુ બ્રાન્ચના સાથીઓ; અસોસિએટ સ્પૉન્સર ભૂમિ રિયલ્ટર્સના અમિત ભાનુશાલી અને મિતેશ ભાનુશાલી; બે વખત એવરેસ્ટ તેમ જ દુનિયાભરના ૮૦૦૦ મીટરના ૮ પર્વતોનું આરોહણ કરનારા કેવલ કક્કા અને માતૃભાષાની શાળાઓના ઉત્કર્ષ માટે અવિરત કામ કરતા મુંબઈ ગુજરાતી સંગઠનના સ્થાપક ટ્રસ્ટી ભાવેશ મહેતાએ વિદ્યાર્થીઓનું સર્ટિફિકેટ અને મેડલ આપીને સન્માન કર્યું હતું.
સ્ટેજ-જૉકી મનીષ શાહના ફૅન્ટૅસ્ટિક સંચાલનથી આખો કાર્યક્રમ જીવંત બની ગયો હતો અને ફૂડ-પાર્ટનર રાજેશ કેટરર્સના ટેસ્ટી ફૂડનો આસ્વાદ માણીને સૌ સ્ટુડન્ટ્સ અવિસ્મરણીય યાદો સાથે છૂટા પડ્યા હતા. વિસ્તૃત તસવીર અહેવાલ માટે જોતા રહો મિડ-ડે.
તસવીર : આશિષ રાજે