01 August, 2025 08:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉમ્બે હાઈ કોર્ટની ફાઈલ તસવીર
સાઉથ મુંબઈના પ્રાઇમ લોકેશન પર આવેલાં જૂનાં બિલ્ડિંગ્સને રીડેવલપમેન્ટ કરવાની કુલ ૯૩૫ નોટિસ ફટકારનાર મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA- મ્હાડા)ના એન્જિનિયરો સામે બૉમ્બે હાઈ કોર્ટે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
ન્યાયાધીશ જી. એસ. કુલકર્ણી અને આરીફ ડૉક્ટરની ખંડપીઠે નોંધ્યું હતું કે મ્હાડાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સે અંગત સ્વાર્થ ખાતર પોતાના અધિકાર ક્ષેત્રની બહાર જઈને બિલ્ડિંગ્સના રીડેવલપમેન્ટની નોટિસ આપી છે. બાણગંગા રોડ, વાલકેશ્વર, ગામદેવી રોડ, બી. જી. ખેર માર્ગ અને નેપિયન સી રોડ જેવા પ્રાઇમ લોકેશન પર આવેલાં બિલ્ડિંગ્સને નોટિસ આપવાના મામલે એન્જિનિયરોએ સત્તાનો મોટા પ્રમાણમાં દુરુપયોગ કર્યો હોવાથી બે સભ્યોની બનેલી સમિતિ આ રૅકેટની તપાસ કરશે એમ બૉમ્બે હાઈ કોર્ટે જણાવ્યું હતું.
રહેવાસીઓએ કરેલી અરજી મુજબ મ્હાડાના એક વિભાગ મુંબઈ બિલ્ડિંગ રિપેર્સ ઍન્ડ રીકન્સ્ટ્રક્શન બોર્ડના એક્ઝિક્યુટિવ એન્જિનિયરોએ માત્ર બિલ્ડિંગને જોઈને જ એ ભયજનક હોવાથી એનું રીડેવલપમેન્ટ કરવાની નોટિસ આપી હતી, બીજી કોઈ રીતે બિલ્ડિંગની ચકાસણી થઈ નહોતી.
સમિતિના અધ્યક્ષ બૉમ્બે હાઈ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જે. પી. દેવધર રહેશે અને તેમની સાથે નિવૃત્ત મુખ્ય જિલ્લા ન્યાયાધીશ વિલાસ ડોંગરે સમિતિમાં જોડાશે. સમિતિ ૬ મહિનામાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે.