06 August, 2025 12:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મેટ્રોના બ્રિજ પરથી પડેલો લોખંડનો સળિયો રિક્ષાની છતને ભેદીને સીધો પૅસેન્જરના માથામાં ઘૂસી ગયો
થાણે-ભિવંડી-કલ્યાણ માર્ગ પર દોડનારી મેટ્રો-5નું કામ ચાલુ છે ત્યાં ગઈ કાલે એક ભયંકર અકસ્માત થયો હતો. મેટ્રોના બ્રિજ પર કન્સ્ટ્રક્શન-કામ ચાલુ હતું, પરંતુ નીચેથી પસાર થતાં વાહનો માટે કોઈ જાતની સુરક્ષાનાં પગલાં લેવામાં આવ્યાં નહોતાં. એને કારણે ઉપરથી લોખંડનો સાતથી આઠ ફુટ લાંબો સળિયો નીચેથી પસાર થતી રિક્ષા પર પડ્યો હતો અને રિક્ષાનું હુડ ચીરીને સીધો અંદર બેઠેલા મુસાફરના માથામાં ઘૂસી ગયો હતો. ભિવંડીમાં નારપોલી ધામણકર નાકા પર બનેલી આ ઘટનામાં લોહીલુહાણ થયેલા આ મુસાફરને આસપાસ ભેગા થઈ ગયેલા લોકો પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ ગયા હતા.
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ આ અકસ્માતની ગંભીર નોંધ લીધી હતી. અહીંના કામ માટે નિમાયેલા કૉન્ટ્રૅક્ટર ઍફકૉન્સ દ્વારા થયેલી ભૂલ માટે ૫૦ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સોનુ અલી નામનો ૨૦ વર્ષનો ઈજાગ્રસ્ત મુસાફર વિઠ્ઠલનગરનો રહેવાસી છે. તેની સારવારનો તમામ ખર્ચ કૉન્ટ્રૅક્ટર ભોગવશે. આ ઉપરાંત સિસ્ટરા-CEG (ઇન્ડિયા)ને પણ સુપરવાઇઝિંગમાં થયેલી ખામીને પગલે પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.