20 May, 2025 10:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પાલઘરમાંથી પાંચ મહિના અગાઉ ગુમ થયેલી માનસિક રીતે અસ્થિર મહિલાને ગૂગલ સર્ચની મદદથી તેના પરિવાર સુધી પહોંચાડવામાં આવી હતી.
મૂળ ઉત્તર પ્રદેશની રહેવાસી આધેડ ઉંમરની મહિલા ફૂલદેવી લાલ પાંચ મહિના અગાઉ શહાપુરમાં આવેલા તેના સંબંધીના ઘરેથી ગુમ થઈ ગઈ હતી. ત્યાર બાદ પોલીસને આ મહિલા સાવ રખડતી હાલતમાં નાલાસોપારામાંથી મળી હતી. પોલીસે તેને જીવન આનંદ સંસ્થા દ્વારા સંચાલિત સમર્થ આશ્રમમાં મોકલી આપી હતી. આ સંસ્થા જરૂરિયાતમંદોના પુનર્વસન માટે કામ કરે છે. આ સંસ્થા દ્વારા ગૂગલ સર્ચની મદદથી ગુમ થયેલી મહિલાના ગામ અને પરિવારજનોની માહિતી મેળવવામાં આવી હતી.
મહિલાના પરિવારજનો પાંચ મહિના સુધી તેને લેવા નહોતા આવી શક્યા. આખરે રવિવારે આ મહિલા અને તેના પરિવારજનોનું મિલન શક્ય બન્યું હતું. પરિવારજનો આ મહિલાને લઈ ગયા હોવાનું સંસ્થાએ જણાવ્યું હતું.