લોકો લૉકડાઉનની માનસિક તૈયારી રાખે: રાજેશ ટોપે

13 April, 2021 09:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સંપૂર્ણ લૉકડાઉન કરવું કે નહીં એ વિશે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે બે દિવસથી નિષ્ણાતોથી લઈને બિઝનેસ ગ્રુપ સાથે ચર્ચા કરી રહ્યા છે

રાજેશ ટોપે

મુંબઈમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી સંપૂર્ણ લૉકડાઉન કરવું કે નહીં એ વિશે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે બે દિવસથી નિષ્ણાતોથી લઈને બિઝનેસ ગ્રુપ સાથે ચર્ચા કરી રહ્યા છે ત્યારે ગઈ કાલે આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ લોકોને ફરી એક વખત સંપૂર્ણ લૉકડાઉન થવા માટે માનસિક રીતે તૈયાર રહેવા કહ્યું હતું.

જાલનામાં નાણાપ્રધાન અજિત પવાર સાથે બેઠક કર્યા બાદ રાજેશ ટોપેએ કહ્યું હતું કે ‘લૉકડાઉનમાં સામે આવનારી મુશ્કેલી બાબતે અજિત પવાર સાથે ચર્ચા થઈ હતી. લૉકડાઉન લાગુ કરવા સિવાય અત્યારે કોઈ વિકલ્પ દેખાતો નથી એટલે ટૂંક સમયમાં આ માટે માનસિક તૈયારી રાખવી પડશે. જોકે અચાનક લૉકડાઉન નહીં કરાય. સરકાર આખરી નિર્ણય લેશે એ પહેલાં બધાને તૈયારી કરવાનો પૂરતો સમય આપશે.’

રાજ્યમાં ૧૨૦૦ મેટ્રિક ટન ઑક્સિજન પ્રોડ્યુસ થાય છે અને હવે આ બધો ઑક્સિજન કોવિડની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવશે એમ આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું.

રાજેશ ટોપેના સંકેતથી સરકાર એકથી બે દિવસમાં રાજ્યમાં સંપૂણ લૉકડાઉનનો નિર્ણય લેવાની શક્યતા છે.

મુંબઈમાં ૬૯૦૫ કેસ

મુંબઈમાં ગઈ કાલે કોરોનાના નવા ૬૯૦૫ કેસ નોંધાયા હતા. જોકે ટેસ્ટિંગ પણ ૩૯,૩૯૮ લોકોનું કરાયું હતું એટલે આમાં ૧૭.૫ ટકા પૉઝિટિવિટી રેટ નોંધાયો હતો. છેલ્લા પાંચ-સાત દિવસમાં આ આંકડો થોડો ઓછો છે, પરંતુ ગઈ કાલે વધુ ૪૩ લોકોએ આ મહામારીમાં જીવ ગુમાવતાં કુલ મરણાંક ૧૨,૦૬૦ થયો હતો, જ્યારે ઍક્ટિવ કેસની સંખ્યા ૯૦,૨૬૭ પર પહોંચી હતી.

coronavirus covid19 lockdown mumbai mumbai news rajesh tope