CAA મામલે ઉદ્ધવ ઠાકરેના યુ-ટર્ન પછી આંદોલનકારીઓની ધમકી

23 February, 2020 07:30 AM IST  |  Mumbai | Arita Sarkar

CAA મામલે ઉદ્ધવ ઠાકરેના યુ-ટર્ન પછી આંદોલનકારીઓની ધમકી

ભારત બચાવો આંદોલનના આયોજક ફિરોઝ મિઠીબોરેવાલાએ કહ્યું કે ૨૬ તારીખે આ પ્રદર્શનને ૩૦ દિવસ પૂરા થશે ત્યારે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. (તસવીર : દત્તા કુંભાર)

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેનું વિવાદાસ્પદ નાગરિકતા કાયદા, એનઆરસી અને એનપીઆર માટે સમર્થક વલણ જોતાં મુંબઈબાગના આંદોલનકારીઓ નારાજ છે. આંદોલનકારીઓ કહે છે કે મુખ્ય પ્રધાનના આવા વલણથી મહારાષ્ટ્રના અન્ય પ્રાંતોમાં પણ વિરોધ ભભૂકી ઊઠશે.

મુંબઈબાગના વિરોધ પ્રદર્શકોએ નાગરિકતા કાયદા એનઆરસી-એનપીઆર સામે વાંધા ઉઠાવતાં પોસ્ટર્સ, આર્ટવર્ક્‍સ વગેરે પ્રદર્શિત કર્યા પછી હવે ઉદ્ધવ ઠાકરેને આંદોલનકારીઓને મળીને તેમના વિચારો જાણવાનો અનુરોધ કરતું મોટું બૅનર પણ લગાવ્યું છે. મુંબઈબાગના આંદોલનકારીઓમાંથી ૪૧ વર્ષનાં સાયરા શેખે જણાવ્યું હતું કે ‘ગૃહપ્રધાને સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટનો મહારાષ્ટ્રમાં અમલ નહીં કરવાની ખાતરી આપ્યા પછી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે કહે છે કે એ કાયદામાં કાંઈ અજુગતું નથી. જો એવું હોય તો અમે અમારા ઘરનાં કામકાજ છોડીને આખો દિવસ અહીં શા માટે બેઠા રહીએ? મુખ્ય પ્રધાને અહીં આવીને અમારી કૅફિયત પણ સાંભળવી જોઈએ.’

૨૬ જાન્યુઆરીથી ધરણાં કરતાં અન્ય આંદોલનકારી ૪૪ વર્ષના તેહસીન પટેલે જણાવ્યું કે ‘બીજેપી સિવાયના પક્ષોનું શાસન ધરાવતાં રાજ્યોની માફક નાગરિકતા કાયદા વિરોધી ઠરાવ વિધાનસભામાં પસાર કરવાની જનતાની માગણી સ્વીકારવાની અનિચ્છા દર્શાવીને રાજ્ય સરકારે અમારું અપમાન કર્યું છે. ઉદ્ધવ ઠાકરેએ મેટ્રો રેલવે માટે આરે કૉલોનીમાં કારશેડનું બાંધકામ રોક્યું ત્યારે આ સરકાર જનહિત માટે કામ કરતી હોવાની આશા અમારામાં જાગી હતી, પરંતુ રાજ્ય સરકાર ખેડૂતોની સમસ્યા પર ધ્યાન આપવાને બદલે નાગરિકતા કાયદા માટે વધારે ચિંતિત છે.’

૪૫ વર્ષના ગઝાલા અન્સારીએ જણાવ્યું કે ‘અમારા પર દબાણ આવતું હોવા છતાં અમારું વલણ સ્પષ્ટ છે. સરકાર નાગરિકતા કાયદો, નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ અને નૅશનલ પૉપ્યુલેશન રજિસ્ટરના નિર્ણયો રદ ન કરે ત્યાં સુધી અમે તસુભાર પણ ખસવાના નથી. અમને એ ત્રણ જોગવાઈઓ રદ કરવાથી ઓછું કાંઈ ન ખપે. દિલ્હીના શાહીનબાગના આંદોલનકારીઓ વિરોધ-પ્રદર્શન પાછું ખેંચે તો નવાં આંદોલન શરૂ થશે. અમે તો અમારા વલણમાં અડગ છીએ.’

ઉદ્ધવ ઠાકરે ૭ માર્ચે અયોધ્યા જશે

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે ૭ માર્ચે અયોધ્યા જવાના હોવાની જાહેરાત પક્ષના સંસદસભ્ય સંજય રાઉતે કરી હતી. સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં સંજય રાઉતે જણાવ્યું હતું કે ‘૭ માર્ચે બપોરે ઉદ્ધવ ઠાકરે અને સંખ્યાબંધ શિવસૈનિકો અયોધ્યામાં રામલલ્લાનાં દર્શન અને પૂજા-આરતી કરશે. એ ઐતિહાસિક પ્રવાસમાં જોડાવા ઉદ્ધવ ઠાકરેએ સૌને આમંત્રણ આપ્યું છે. એ પ્રવાસમાં ઠાકરે પરિવાર અને શિવસેનાના વરિષ્ઠ નેતાઓ તથા પ્રધાનો પણ સામેલ થશે.

nagpada maharashtra uddhav thackeray mumbai news mumbai caa 2019 arita sarkar