મળો ક્રિકેટ ક્રેઝી ગુજરાતી ફૅમિલીને

25 February, 2021 09:05 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

મળો ક્રિકેટ ક્રેઝી ગુજરાતી ફૅમિલીને

ક્રિકેટ ક્રેઝી ગુજરાતી ફૅમિલી

ભારતમાં ક્રિકેટપ્રેમીઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે. એટલે જ અમદાવાદનું વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ ઓપન થાય એની ક્રિકેટપ્રેમીઓ કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. ગઈ કાલે મોટેરા સ્ટેડિયમ (હવે એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે ઓળખાશે)નું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઉદ્ઘાટન થયું હતું. એ વખતે ગૃહપ્રધાન અમિત શાહ પણ ઉપસ્થિત હતા. આ પળોને અને આ સ્ટેડિયમમાં પિન્ક બૉલ વડે રમાનારી ટેસ્ટ-મૅચને જોવા માટે લોકો ખૂબ ઉત્સાહિત જોવા મળ્યા હતા. આવા જ ઉત્સાહ અને ઉમંગ સાથે વર્લ્ડના સૌથી મોટા સ્ટેડિયમના ઓપનિંગના સાક્ષી બનવા અને મૅચ જોવા નવી મુંબઈનો ગુજરાતી પરિવાર ગઈ કાલે વહેલી સવારે ત્યાં પહોંચી ગયો હતો.

નવી મુંબઈના ખારઘરમાં રોડ પાલીમાં રહેતા હિતેન્દ્ર વાઘેલા તેમનાં પત્ની પુષ્પા, ૧૭ વર્ષની દીકરી ભવ્યા અને ૧૨ વર્ષના દીકરા યક્ષ સાથે બે દિવસ પહેલાં રેલવેની ટિકિટ બુક કરીને ગુજરાત મેલથી ગઈ કાલે સવારે છ વાગ્યે અમદાવાદ પહોંચ્યા હતા. મિત્ર પાસે બે દિવસ પહેલાં જ મૅચ જોવા માટે ટિકિટ બુક કરાવી રાખી હતી એમ જણાવીને હિતેન્દ્ર વાઘેલાએ મોટેરા સ્ટેડિયમથી વાતચીત કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ ભારતમાં અને એ પણ આપણા ગુજરાતમાં બન્યું હોવાથી ગર્વની લાગણી કંઈક જુદી જ છે. સ્ટેડિયમના ઓપનિંગની ઐતિહાસિક પળોના સાક્ષી બનવા અને પહેલી જ મૅચ ઇન્ડિયાની હોવાથી એ જોવા અમે ખાસ અહીં આવ્યા છીએ. આમ તો કામમાં વ્યસ્ત હોવાથી મને સમય મળતો નથી, પરંતુ આ પળોને હું કે મારો પરિવાર ગુમાવવા માગતા નહોતા એટલે કોરોનાના નિયમોની કાળજી રાખીને પ્રવાસ કરીને સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. અમે મુંબઈથી આવ્યા હોવાનું જાણીને ત્યાંના લોકો પણ નવાઈ પામી ગયા હતા.’

એક લાખથી વધુ દર્શકો એકસાથે બેસી શકે એવા આ સ્ટેડિયમને જોઈને એક પળ તો વિશ્વાસ પણ નહોતો થઈ રહ્યો કે એ ઇન્ડિયામાં જ છે એમ જણાવીને હિતેન્દ્ર વાઘેલાએ કહ્યું હતું કે ‘પિન્ક બૉલ વડે રમાય રહેલી ટેસ્ટ ડે-નાઇટ છે એટલે એની મજા જ કંઈક અલગ છે. ઉચ્ચ દરજ્જાનું સ્ટેડિયમ, સુવિધાઓ, લાઇટ્સ વગેરેથી સરવાળે મનોરંજન જ મળશે. કોરોના જતો રહેશે ત્યાર બાદ આટલા બધા લોકો એકસાથે મૅચ જોશે તો મૅચની મજા અનેકગણી વધી જશે અને પ્લેયરોને પણ જોશ આવશે. સ્ટેડિયમ અફલાતૂન અને મુંબઈની ભાષામાં એક નંબરનું છે. મૅચ જોતાં-જોતાં મને તો શબ્દો પણ મળી રહ્યા નથી કે સ્ટેડિયમ માટે શું બોલું.’

mumbai mumbai news preeti khuman-thakur ahmedabad motera stadium