19 June, 2025 07:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
અમદાવાદની ઍર ઇન્ડિયાની લંડન માટે ઊપડેલી ફ્લાઇટની ભયાનક દુર્ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યારે ઍનિમલ વેલ્ફેર બોર્ડ તરફથી શ્રી વર્ધમાન પરિવારના કમિટી મેમ્બર કમલેશ શાહે એવિયેશન ઑથોરિટીને અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ને નોટિસ આપીને મુંબઈનાં બન્ને ઍરપોર્ટ આસપાસ ૧૦ કિલોમીટરના વિસ્તારમાં માંસની દુકાનોને ગેરકાયદે આપવામાં આવેલાં લાઇસન્સને કારણે મુંબઈમાં પણ આવી દુર્ઘટના ઘટી શકે છે એ બાબતે લાલ બત્તી ધરી છે.
ભારત સરકારના મિનિસ્ટ્રી ઑફ ફિશરીઝમાં ઍનિમલ હસબન્ડરી અને ડેરી વિભાગના મુંબઈ ખાતેના કમિટી મેમ્બરે સરકારને જણાવ્યું છે કે ‘ઍરક્રાફ્ટ રૂલ્સ ૧૯૩૭ની કલમ ૯૧ મુજબ ઍરપોર્ટથી ૧૦ કિલોમીટર વિસ્તારમાં મીટ, પોલ્ટ્રી અને ફિશ શૉપ્સની મનાઈ હોવા છતાં સેંકડો દુકાનોને ગેરકાયદે લાઇસન્સ BMC દ્વારા બન્ને ઍરપોર્ટની આજુબાજુ આપવામાં આવ્યાં છે. એટલું જ નહીં, ઘણી જગ્યાએ તો આની માર્કેટ ખુલ્લેઆમ ચાલે છે અને કચરાપેટીમાં ટનબંધ નૉન-વેજ આઇટમોનો ખડકલો કરવામાં આવે છે જેથી ઍરપોર્ટ આસપાસ પંખીઓની અવરજવરમાં વૃદ્ધિ થાય છે. જુહુ ઍરપોર્ટ પણ નજીક હોવાથી એના પર પણ જોખમ ઊભું છે અને ૨૦૨૪ અને ૨૦૨૫માં આપવામાં આવેલા આવા ગેરકાયદે પરવાના ઘણી જગ્યાએ ઍરપોર્ટથી માત્ર અઢી કિલોમીટર દૂર છે.’
ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિશેન (DGCA)ના રેકૉર્ડ્સ મુજબ પંખીઓ ભટકાવાની ઘટના ૨૦૨૦માં ૧૧૫૨ થઈ હતી એ વધીને ૨૦૨૧માં ૧૪૫૬ સુધી પહોંચી હતી. ૨૦૨૩માં એ લગભગ ૧૨૦૦ હતી. ૯૦ દેશોમાં ઇન્ટરનૅશનલ એવિયેશન ઑર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ રોજ ૩૪ બર્ડ-હિટની દુર્ઘટના થાય છે. નૅશનલ બિઝનેસ એવિયેશન અસોસિએશનના એક સર્વે મુજબ ૧૯૮૮ પછી ૨૦૦ જેટલાં મૃત્યુ આ પંખીઓ ટકરાવાને કારણે થયાં છે અને ચોંકાવનારી વાત એ છે કે એક સર્વે મુજબ ફ્લાઇટ્સને બર્ડ-હિટને કારણે દર વર્ષે ૧૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થાય છે.
રવિવારે જ જોગેશ્વરીમાં એક ગેરકાયદે મટન શૉપ પર ઍનિમલ વેલ્ફેર ઑફિસર આશિષ બારીકની ફરિયાદથી બકરાની શૉપ પર દરોડો પાડીને ૧૬ જીવતા બકરા અને ગેરકાયદે વેચાતું માંસ પકડવામાં આવ્યું હતું, કેમ કે ટર્મિનલ-1થી માત્ર છ કિલોમીટર અને ટર્મિનલ-2થી માત્ર ૭.૫ કિલોમીટરના વિસ્તારમાં આ દુકાન આવી હતી.
BMC જો કાયદાનું પાલન કરે તો આવી સેંકડો દુકાનો જેને લાઇસન્સ આપવામાં આવ્યું છે એ તરત રદ કરવું પડે એમ છે, નહીં તો મુંબઈમાં પણ અમદાવાદ જેવી વિમાની દુર્ઘટનામાં સેંકડો જીવ પર મૃત્યુનું જોખમ છે.
કમલેશ શાહે વધુમાં જણાવ્યું હતું કે અમે ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન, BMC તથા ફૂડ અૅન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશનને પત્ર લખીને નોટિસ આપી છે કે તમે ત્વરિત પગલાં લો અને ટૂંક આજે બૉમ્બે હાઈ કોર્ટમાં એક રિટ પિટિશન પણ અખિલ ભારત કૃષિ ગોસેવા સંઘ દ્વારા દાખલ કરવામાં આવી રહી છે.
મુંબઈએ અમદાવાદ જેવી ભયાવહ દુર્ઘટના ન જોવી હોય તો BMCએ તરત દુકાનોનાં લાઇસન્સ રદ કરવા જોઈએ એવી માગણી મુંબઈગરાઓ કરી રહ્યા છે.