ઍન્ટિ-નાર્કોટિક્સ સેલે ૧૪૦૩ કરોડ રૂપિયાનું એમડી ડ્રગ પકડ્યું

05 August, 2022 09:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ કેસમાં ગોવંડી અને નાલાસોપારા એમ બે સ્થળે કાર્યવાહી કરીને પાંચ આરોપીઓની ધરપકડ કરાઈ છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના ઍન્ટિ-નાર્કોટિક્સ સેલે એક મોટી કાર્યવાહી કરી ૧૪૦૩ કરોડ રૂપિયાનું ૭૦૧ કિલો એમડી ડ્રગ પકડી પાડ્યું છે. આ કેસમાં ગોવંડી અને નાલાસોપારા એમ બે સ્થળે કાર્યવાહી કરીને પાંચ આરોપીઓની ધરપકડ કરાઈ છે. નવાઈની વાત એ છે કે આ કેસના મુખ્ય આરોપીએ ઑર્ગેનિક કેમિસ્ટ્રીનો અભ્યાસ કર્યો છે અને એ અલગ-અલગ કેમિકલોનાં સંયોજનો કરીને કસ્ટમાઇઝ્ડ એમડી ડ્રગ બનાવીને સપ્લાય કરતો હતો.  

ઍન્ટિ-નાર્કોટિક્સ સેલના અધિકારીઓએ આ કેસમાં ૨૯ માર્ચે ગોવંડીના શિવાજીનગર વિસ્તારમાં એક ડ્રગ પેડલરને પકડ્યો હતો અને તેની પાસેથી ૨૫૦ ગ્રામ એમડી ડ્રગ અને તેના સાગરીત પાસેથી ૨.૭૦૦ કિલો એમડી ડ્રગ જપ્ત કર્યું હતું. એ પછી તેમની પૂછપરછમાં માહિતી બહાર આવતાં તેમની એક સાગરીતને ૨૭ જુલાઈએ અને અન્ય બે આરોપીને ૩ ઑગસ્ટે ઝડપી લેવાયાં હતાં. છેલ્લે પકડાયેલા આરોપીએ ઑર્ગેનિક કેમિસ્ટ્રીનો અભ્યાસ કર્યો છે અને તે અલગ-અલગ કેમિકલ કમ્પાઉન્ડનાં એમડી ડ્રગ્સ બનાવી જાણે છે અને એથી તે જે પ્રમાણેની માગ હોય એ પ્રમાણેનાં ડ્રગ્સ એટલે કે કસ્ટમાઇઝ ડ્રગ્સ બનાવીને વેચતો હતો. તેની પાસેથી ૭૦૧.૭૪૦ કિલો ડ્રગ ઝડપાયું હતું. તેણે આ ડ્રગ્સ માટે રૉ મટીરિયલ ક્યાંથી મે‍ળવ્યું અને ક્યાં ફિનિશ્ડ પ્રોડક્ટ બનાવી એની તપાસ હવે ઍન્ટિ-નાર્કોટિક્સ સેલ કરી રહ્યો છે.   

mumbai mumbai news Crime News mumbai crime news mumbai crime branch nalasopara govandi