કેસ સૉલ્વ કરીને આરોપીઓને સજા અપાવવામાં મુંબઈને પાછળ રાખી દીધું એમબીવીવી પોલીસે

23 May, 2022 08:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવીસવી મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસે ૨૦૨૧માં મુંબઈના ૫૨.૧૮ ટકા સામે ૮૮.૮૦ ટકા આરોપીઓને સજા કરાવી

સફળ નેતૃત્વની મિસાલ પોલીસ કમિશનર સદાનંદ દાતે


મુંબઈ : પોલીસ વિભાગ દ્વારા દર વર્ષે ગુના સંબંધી એક રિપોર્ટ જાહેર કરવામાં આવે છે. તાજેતરમાં રાજ્યના પોલીસવડા રજનીશ સેઠે રાજ્યનો ૨૦૨૧નો પોલીસનો રિપોર્ટ જાહેર કર્યો હતો, જેમાં તમામ પ્રકારના ગુનામાં પકડવામાં આવેલા આરોપીઓમાંથી રાજ્યની ટકાવારી ૫૫.૩૬ ટકા હોવાનું જણાયું હતું. જોકે મુંબઈ સહિતના પોલીસ કમિશનરેટમાં ૫૦થી ૬૦ ટકા આરોપીઓને સજા થઈ છે. એની સામે પોણાબે વર્ષ પહેલાં જ અસ્તિત્વમાં આવેલા મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટ ક્ષેત્રમાં સૌથી વધુ રેકૉર્ડ ૮૮.૮૦ ટકા આરોપીઓને સજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો વિશ્વવિખ્યાત મુંબઈ પોલીસને નવીસવી મીરા-ભાઈંદર, વસઈ-વિરાર (એમબીવીવી) પોલીસે પાછળ રાખીને મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ૨૦૨૧માં આ પોલીસ કમિશનરેટમાં ૬૬૧ આરોપીને વિવિધ ગુનામાં પકડવામાં આવ્યા હતા, જેમાંથી ૫૮૭ આરોપીને સજા થઈ હતી.
મહારાષ્ટ્રના પોલીસ વિભાગ દ્વારા દર વર્ષે તમામ પોલીસ કમિશનરેટ અને ગ્રામીણ પોલીસના ગુનેગારીના આંકડા રજૂ કરવામાં આવે છે. તાજેતરમાં પોલીસવડા રજનીશ સેઠ દ્વારા ૨૦૨૧ વર્ષની માહિતી જાહેર કરવામાં આવી હતી, જેમાં ૧ ઑક્ટોબર ૨૦૨૦માં અસ્તિત્વમાં આવેલા મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટમાં સૌથી વધુ એટલે કે ૮૮.૮૦ ટકા આરોપીઓને સજા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
સજાને મહત્ત્વ અપાયું
મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસના ડેપ્યુટી પોલીસ કમિશનર (હેડક્વૉર્ટર) વિજય સાગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સામાન્ય રીતે કેસમાં તપાસ અધિકારીઓની અવારનવાર બદલી કરાતી હોય છે એટલે તપાસમાં અનિયમિતતા રહે છે, જેને લીધે કેસ પર અસર થાય છે. જોકે કેટલાક અધિકારીઓ તપાસને ગંભીરતાથી લેતા હોવાથી આરોપી સામેના પુરાવા મહત્ત્વના પુરવાર થાય છે અને આરોપીને સજા કરાવે છે. ગુનેગારીને રોકવા માટે પકડવામાં આવેલા આરોપીને સજા થવી ખૂબ જ જરૂરી છે. આ પોલીસ કમિશનરેટને સદાનંદ દાતે જેવા બાહોશ અધિકારી મળ્યા છે. રાષ્ટ્રીય નીતિ ઘડવામાં તેમ જ આંતકવાદની તપાસમાં તેમનો બહોળો અનુભવ રહ્યો છે, જેનો આખા વિભાગને લાભ મળ્યો છે. તેમની કાબેયિલતને કારણે જ ગયા વર્ષે આઇપીસી હેઠળ વિવિધ ગુનાના આરોપસર પકડવામાં આવેલા ૬૬૧ આરોપીમાંથી ૫૮૭ આરોપીને સજા થઈ છે. ૮૮.૮૦ ટકા કન્વિક્શનનો આંકડો ખૂબ પ્રોત્સાહક છે.’
૯૦૮ ચોરી સામે ૮૬૯ વાહનો ચોરાયાં
૨૦૨૧માં મીરા-ભાઈંદર, વસઈ-વિરારમાં આવેલાં ૧૫ પોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે સૌથી વધુ ગુના ચોરીના નોંધાયા હતા. ૯૦૮ ચોરી થવાની ઘટના બની હતી, જેમાંથી પચાસ ટકા કેસ ઉકેલાયા હતા. એવી જ રીતે આખા વર્ષ દરમ્યાન ૮૬૯ વાહનોની ચોરી થઈ હતી, જેમાં ૩૩ ટકા કેસ ઉકેલવામાં જ પોલીસને સફળતા મળી હતી. 

mumbai news mumbai police