23 February, 2025 01:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમદાવાદથી પકડી લાવવામાં આવેલા બન્ને આરોપીઓ સાથે MBVV સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના ઑફિસરો.
ભાઈંદર-ઈસ્ટમાં રહેતાં સિનિયર સિટિઝન મહિલાને છેતરીને તેમના દાગીના પડાવી લેતા બે આરોપીઓને મીરા-ભાઈંદર, વસઈ-વિરાર (MBVV) પોલીસની સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદથી પકડી લાવતાં આ જ રીતે તેમણે કરેલી છેતરપિંડીના ૧૦ ગુના ઉકેલાઈ ગયા હતા.
ભાઈંદર-ઈસ્ટના મણિભદ્રનગરમાં રહેતાં ૬૦ વર્ષનાં સરવણી કુમાવત ૪ ફેબ્રુઆરીએ સવારે ૧૧ વાગ્યે ભાઈંદર સ્ટેશનથી ઘરે જઈ રહ્યાં હતાં ત્યારે બે ગઠિયાઓએ તેમને આંતર્યાં હતાં અને તેમની સાથે વાતો કરી, તેમને છેતરી તેમનું મંગળસૂત્ર અને કાનની બુટ્ટી પડાવીને નાસી ગયા હતા. આ સંદર્ભે સરવણી કુમાવતે ભાઈંદર-ઈસ્ટના નવઘર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
કેસની સમાંતર તપાસ MBVV પોલીસની સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ શરૂ કરી હતી. તેમણે ૧૦ દિવસ સુધી એ વિસ્તારના અલગ-અલગ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચેક કર્યાં હતાં અને આરોપીઓનો એના આધારે પીછો કરીને અમદાવાદ પહોંચ્યા હતા. તેમણે અમદાવાદના સરદારનગરમાંથી ૪૫ વર્ષના ભાણાભાઈ ધનજી મારવાડી અને ભદ્રેસર મંદિર પાસે રહેતા ૨૩ વર્ષના ગોપીભાઈ રાજુભાઈ મારવાડીને ૧૯ ફેબ્રુઆરીએ ઝડપી લીધા હતા.
તેમની પૂછપરછ કરતાં તેમણે કરેલી કબૂલાતને કારણે છેતરપિંડી કરીને દાગીના પડાવવાના કુલ ૧૦ કેસ ઉકેલાઈ ગયા હતા. એમાં બે કેસ નવઘર (ભાઈંદર), બે કેસ દહિસર અને ઘાટકોપર, માટુંગા, ઉલ્હાસનગર, કળવા, કલ્યાણ અને વડાલાના દરેકના એક-એક કેસનો સમાવેશ થતો હતો.