ભારત-મૉરિશ્યસ સંબંધ ઐતિહાસિક જોડાણ અને ભવિષ્યની સહિયારી દૃષ્ટિથી પરિપૂર્ણ છે : ડૉ. નવીનચંદ્ર રામગુલામ

11 September, 2025 07:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૉન્ક્લેવમાં બન્ને દેશના સાંસ્કૃતિક સંબંધોને રેખાંકિત કરવા સાથે પરસ્પર વેપાર-ઉદ્યોગમાં સહયોગની સંભાવનાઓને તપાસવામાં આવી હતી.

ડૉ. નવીનચંદ્ર રામગુલામ, મોહનલાલ ખટ્ટર, ડૉ. નવીનચંદ્ર રામગુલામ અને અનંત ગોયનકા.

મૉરિશ્યસના વડા પ્રધાન ડૉ. નવીનચંદ્ર રામગુલામે કહ્યું હતું કે ભારત અને ભારતના સંબંધ પારસ્પારિક ઇતિહાસમાં નિહિત, સમયે-સમયે પરીક્ષિત અને ભવિષ્યની દૃષ્ટિથી પરિપૂર્ણ છે. ડૉ. નવીનચંદ્રે ગઈ કાલે મુંબઈમાં ભારત-મૉરિશ્યસ બિઝનેસ કૉન્ક્લેવને સંબોધિત કરી રહ્યા હતા. આ અવસરે ભારતના ઊર્જાપ્રધાન મનોહરલાલ ખટ્ટરે પણ બન્ને દેશ વચ્ચેના સંબંધને હાર્ટ-ટુ-હાર્ટનો સંબંધ ગણાવ્યો હતો.

ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI), કૉન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) તથા મૉરિશ્યસના આર્થિક વિકાસ બોર્ડ (ઇકૉનૉમિક ડેવલપમેન્ટ બોર્ડ-EDB) દ્વારા સંયુક્ત રીતે આ કૉન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કૉન્ક્લેવમાં બન્ને દેશના સાંસ્કૃતિક સંબંધોને રેખાંકિત કરવા સાથે પરસ્પર વેપાર-ઉદ્યોગમાં સહયોગની સંભાવનાઓને તપાસવામાં આવી હતી.

મૉરિશ્યસના રાષ્ટ્રપતિએ ભારતીય ઉદ્યોગકારોને બ્લ્યુ ઇકૉનૉમી (મત્સ્યપાલન, મૅરિટાઇમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર), ડિજિટલ ટ્રાન્સફૉર્મેશન, ફિનટેક, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) તથા સાઇબર સુરક્ષા ઉપરાંત સ્વાસ્થ્યસેવા, મેડિકલ ટૂરિઝમ, રિન્યુએબલ એનર્જી, રિયલ એસ્ટેટ અને સ્માર્ટ શહેરી વિકાસનાં ક્ષેત્રોમાં રોકાણ માટે આમંત્રિત કર્યા હતા.

ડૉ. નવીનચંદ્ર રામગુલામે મૉરિશ્યસને એશિયા અને આફ્રિકા વચ્ચેનો પુલ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે મૉરિશ્યસની આ સ્થિતિ ભારતીય વેપારીઓને આફ્રિકામાં એક સુરક્ષિત પ્રવેશદ્વાર પ્રદાન કરી શકે છે, કારણ કે મૉરિશ્યસને આફ્રિકન કૉન્ટિનેન્ટલ ફ્રી ટ્રેડ એરિયા (AFCFTA), સધર્ન આફ્રિકન ડેવલપમેન્ટ કમ્યુનિટી (SADC), કૉમન માર્કેટ ફૉર ઈસ્ટર્ન ઍન્ડ સધર્ન આફ્રિકા (COMESA) જેવાં ક્ષેત્રીય બજારોમાં પણ વિશેષ પ્રવેશ-પરવાનગી છે. તેમણે પોતાના વક્તવ્યનું સમાપન એવું કહીને કર્યું હતું કે ‘દ્વાર ખુલ્લો છે, મંચ સુરક્ષિત છે અને હવે સમય છે એનો ઉપયોગ કરવાનો.’

આ અવસરે ભારતના કેન્દ્રીય ઊર્જાપ્રધાન મનોહરલાલ ખટ્ટરે બન્ને દેશના સંબંધને દિલથી દિલનો સંબંધ ગણાવીને કહ્યું હતું કે મૉરિશ્યસની ૭૦ ટકા લોકવસ્તી ભારતીય મૂળની છે. તેમણે ભારતની ઉપલબ્ધિઓને રેખાંકિત કરતાં કહ્યું હતું કે ‘હવે ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા, ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, સ્વચ્છ ઊર્જા અને AIમાં નેતૃત્વ અને ગ્રીન ડેવલપમેન્ટ પર ફોકસ કરવાવાળો દેશ બની ચૂક્યો છે.’

તેમણે ભારત-મૉરિશ્યસ મેટ્રો પરિયોજનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ‘આ પરિયોજના સ્થાયી સંબંધની પ્રતીક છે. આ અવસરે FICCIના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અનંત ગોયનકાએ મૉરિશ્યસને રોકાણ માટે સુરક્ષિત, સ્થિર અને વ્યવસાય-અનુકૂળ ગંતવ્ય ગણાવ્યું હતું, જ્યારે મૉરિશ્યસના આર્થિક વિકાસ બોર્ડના CEO મહેન કુંદાસામીએ કહ્યું હતું કે મૉરિશ્યસમાં ભારતીય રોકાણ સરળ અને અત્યંત લાભકારી સિદ્ધ થશે.

india mauritius business news foreign direct investment real estate finance news indian economy ai artificial intelligence news mumbai mumbai news