છૂટા થતાં પહેલાં ભેગા થવાનો અનોખો ઉત્સવ

26 January, 2022 08:56 AM IST  |  Mumbai | Rohit Parikh

રીડેવલપમેન્ટમાં જઈ રહેલી માટુંગાની સૌથી જૂની સોસાયટીમાંની એક શાંતિનિકેતનના સભ્યોએ શનિવારે નાઇટ ક્રિકેટ મૅચ, સોમવારે વૉલીબૉલ ટુર્નામેન્ટ અને ગઈ કાલે રીયુનિયુન-કમ-વિદાય સમારંભ યોજ્યા બાદ આજે અંતિમ ધ્વજારોહણ અને રમતગમતોનો કાર્યક્રમ કરીને તેઓ છૂટા પડવાના

ગઈ કાલનો માટુંગાની શાંતિનિકેતન સોસાયટીનો રીયુનિયન અને વિદાય સમારંભ

માટુંગા (ઈસ્ટ)માં આવેલી સૌથી જૂની સોસાયટીઓમાંની એક ૩૦૦ પરિવારોની શાંતિનિકેતન સોસાયટી ટૂંક સમયમાં રીડેવલપમેન્ટમાં જતી હોવાથી સોસાયટીના સભ્યો ઉત્સાહ અને ઉમંગમાં આવી ગયા છે. સોસાયટીના સભ્યોએ તેમની સોસાયટીના થઈ રહેલા રીડેવલપમેન્ટની ખુશાલીની ઉજવણી નિમિત્તે ચાર દિવસના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. એમાં શનિવારે નાઇટ ક્રિકેટ મૅચ, સોમવારે વૉલીબૉલ ટુનાર્મન્ટ અને ગઈ કાલે જૂના રહેવાસીઓની સાથે રાત્રિભોજન સાથે રીયુનિયન-કમ-વિદાય પાર્ટીનું આયોજન કર્યું હતું. આજે આ સોસાયટીના રહેવાસીઓએ સાથે મળીને ૨૬ જાન્યુઆરી (પ્રજાસત્તાક દિવસ) નિમિત્તે સોસાયટીના પરિસરમાં અંતિમ ધ્વજારોહણ સમારોહ અને વિવિધ રમતગમતનું આયોજન કર્યું છે.
અમારી સોસાયટી ૧૯૩૮ની સાલમાં બની હતી જે ટીવી-સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની ગોકુલધામ સોસાયટી તરીકે માટુંગામાં ઓળખાય છે એમ જણાવીને શાંતિનિકેતનના સભ્ય અને આ વિદાય સમારંભની સંપૂર્ણ ઇવેન્ટના ઑર્ગેનાઇઝર શશિન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માટુંગાની સૌથી મોટી અમારી સોસાયટી આખરે હવે રીડેવલપમેન્ટમાં જઈ રહી છે. એનાથી અમારી સોસાયટીના સભ્યોમાં ઉલ્લાસ અને ઉમંગનું વાતાવરણ સર્જાયું છે. આ નિમિત્તે અમે સોસાયટીના સભ્યોએ ચાર દિવસનો મહાઉત્સવ ઊજવવાનો નિર્ણય લીધો હતો. એ અંતર્ગત અમે શનિવારે નાઇટ ક્રિકેટ મૅચ, સોમવારે વૉલીબૉલ ટુનાર્મન્ટ અને ગઈ કાલે જૂના રહેવાસીઓની સાથે રાત્રિભોજન સાથે રીયુનિયન-કમ-વિદાય પાર્ટીનું આયોજન કર્યું હતું. આજે અમે દેશની આઝાદીનાં ૭૫ વર્ષની ભવ્ય ઉજવણી કરીશું. પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સોસાયટીના પરિસરમાં અંતિમ ધ્વજારોહણ સમારોહનું આયોજન કર્યું છે. એની સાથે ફનફેર સાથે થપ્પો, લગોરી, ડબ્બા આઇસ-પાઇસ વગેરે જૂની રમતો રમાશે. અમારા સભ્યોએ આટલા મોટા પાયા પર કોઈ પ્રસંગની આ પહેલાં ઉજવણી કરી નથી. એટલે જૂની સોસાયટીનો આ વિદાય સમારંભ અમારા માટે અવિસ્મરણીય બની ગયો છે.’
ગઈ કાલના વિદાય સમારંભની માહિતી આપતાં સોસાયટીના બીજા સભ્ય અને ઇવેન્ટ ઑર્ગેનાઈઝર ભાવેશ ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલના ઐતિહાસિક વિદાય સમારંભની અમારી સોસાયટીની યાદગાર ક્ષણોની ઝલક બતાવવા માટે અમે સોસાયટીના પરિસરમાં ભારે સજાવટ, સ્ટેજ, ડીજે અને એલઈડી વૉલ સાથે ઇવેન્ટનું આયોજન કર્યું હતું. અલગ-અલગ વયજૂથ માટે અલગ એરિયા બનાવવામાં આવ્યા હતા. એમાં બેસીને તેમણે ઇવેન્ટનો આનંદ માણ્યો હતો. અમારા આ પ્રસંગમાં અમે સ્થાનિક સત્તાવાળાઓને પણ આમંત્રિત કર્યા હતા જેઓ અમને હંમેશાં મદદરૂપ રહ્યા છે.’
ભાવેશ ઠક્કરે વધુમાં કહ્યું હતું કે ‘અલગ-અલગ બૅકડ્રૉપ્સ સાથે ત્રણ ફોટોબૂથ બનાવવામાં આવ્યા હતા. ત્રણ પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ અને બે વિડિયોગ્રાફર આખી ઇવેન્ટને કવર કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જૂના દિવસોને યાદ કરવા માટે બે કલાકથી વધુ મનોરંજન અને ફોટો/વિડિયો શો બનાવવામાં આવ્યો હતો. બાળકોએ  સ્વાગત-નૃત્ય કરીને વાતાવરણને પ્રફુલ્લિત બનાવી દીધું હતું. જાણીતા કેટરર્સની ફૂડ માટે નિમણૂક કરવામાં આવી હતી. ગઈ કાલના વિદાય સમારંભને માણીને અમારી સોસાયટીના સભ્યોના મોઢામાંથી ઉદ્ગારો નીકળી ગયા હતા કે માટુંગા કે મુંબઈમાં આટલી ભવ્ય ફેરવેલ પાર્ટીનું આયોજન ક્યારેય જોયું નથી.’

300
શાંતિનિકેતન સોસાયટીમાં આટલા પરિવાર રહે છે

mumbai mumbai news matunga rohit parikh