માસ્કલેસ ફેરિયાઓ ફરી પાછા બનશે સુપરસ્પ્રેડર?

05 January, 2022 10:20 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

મોટા ભાગના ફેરિયાઓ મોઢા પર માસ્ક પહેરતા જ નથી

મંુબઈભરમાં વિવિધ માર્કેટમાં ફેરિયાઓ માસ્ક વગર બિન્દાસ પોતાનો ધંધો કરતા હોય છે અને આને કારણે તેઓ સુપરસ્પ્રેડર બને તો નવાઈ નહીં. (ફાઇલ ફોટો)

મુંબઈમાં ફરી પાછો કોરોના-બ્લાસ્ટ થઈ રહ્યો છે ત્યારે સામાન્ય નાગરિકો કોરોનાના નિયમોનું પાલન ન કરે તો કાર્યવાહી સાથે દંડ પણ વસૂલ કરવામાં આવે છે. જોકે આમાંથી એકેય નિયમ કે પ્રતિબંધ ફેરિયાઓ પર લાગુ થતો ન હોય એવું લાગે છે. મોટા ભાગના ફેરિયાઓ મોઢા પર માસ્ક પહેરતા જ નથી. તેઓ પોતાનો ધંધો માસ્ક પહેર્યા વગર જ કરે છે અને દિવસના સેંકડો ગ્રાહકોના સંપર્કમાં આવે છે. એથી ફેરિયાઓ સુપરસ્પ્રેડર ન બને એની ચિંતા બધાને સતાવી રહી છે. તંત્રએ પહેલી લહેર વખતે ફેરિયાઓ સામે કડક કાર્યવાહી કરી હતી એવી જ રીતે ફરી આ વખતે કડક કાર્યવાહી કરવાની આવશ્યકતા ઊભી થઈ છે.

માર્કેટ પરિસરમાં નજર નાખો તો મોટા ભાગના ફેરિયાઓએ માસ્ક મોઢાની નીચે લટકાવ્યો હશે, પણ સરખી રીતે મોઢા પર કવર કરતા જ નથી અને એમ જ આખો દિવસ પોતાનો ધંધો કરતા રહે છે એમ કહેતાં ઝવેરી બજારના ઇમિટેશન જ્વેલરીના વેપારી આશિષ ગાંધીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મુંબઈના માર્કેટ પરિસરમાં બીએમસીના માર્શલ ફરતા જોવા મળે છે. રસ્તા પર દર થોડા અંતરે માસ્ક ન પહેરનારા લોકોને પકડીને તેમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે. આ દંડ ન ભરતા રાહદારી સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે. આ કાર્યવાહી થતી હોય એ સ્થળથી આશરે ૫૦ મીટરની અંદર જ રસ્તા પર બેઠેલો ફેરિયો માસ્ક વગર હોય છે, પણ તેના પર કાર્યવાહી કેમ થતી નથી? આ પણ એક પ્રકારનો અન્યાય જ કહેવાય. કાયદા બધા પર લાગુ થતા હોય તો ફેરિયાઓ પર શા માટે નહીં? ફેરિયાઓ ઉદ્ધતાઈથી વાત-વર્તન કરતા હોવાથી તેમની સામે કાર્યવાહી થતી નથી કે દંડ વસૂલ કરવામાં આવતો નથી. પોલીસ અને બીએમસીના અધિકારીઓ ફેરિયાઓ પાસેથી પસાર થતા હોવા છતાં તેમના પર કોઈ કાર્યવાહી થતી નથી. બે દિવસ પહેલાં પોલીસને રાઉન્ડ-અપ પર જોઈને મેં ફેરિયાઓને કહ્યું કે માસ્ક પહેરો, નહીં તો કાર્યવાહી થશે. ત્યારે તેઓ બોલ્યા કે અમારા પર કાર્યવાહી થશે જ નહીં. આટલી હિંમત તેમનામાં ક્યાંથી આવે છે એ પ્રશ્નનો જવાબ તો તંત્ર પાસે જ હશે.’

બીએમસીના ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મુંબઈમાં કોવિડના કેસની સંખ્યામાં વધારો થશે તો પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ફેરિયાઓની પણ કોવિડની ટેસ્ટ કરવામાં આવશે. મુંબઈના માર્કેટ પરિસરમાં અને ખાસ કરીને ઝવેરીબજાર બાજુએ ફેરિયાઓ માસ્ક ન પહેરતા હોય તો કાર્યવાહી કરવાનું કહેવામાં આવશે.’

mumbai mumbai news coronavirus covid19 preeti khuman-thakur