મૅરેજ માત્ર ૧ રૂપિયામાં

25 October, 2020 08:43 AM IST  |  Mumbai | Shailesh Nayak

મૅરેજ માત્ર ૧ રૂપિયામાં

મૅરેજ માત્ર ૧ રૂપિયામાં

કોરોનાની મહામારીએ સમાજજીવનમાં કંઈકેટલીય વિટંબણા ઊભી કરી છે અને આર્થિક રીતે નાગરિકો મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે આવા વિપરીત સંજોગોમાં ઉત્તર ગુજરાતમાં આવેલા વીસનગરમાં સાતસો કડવા પાટીદાર સમાજે અન્ય સમાજોને રાહ ચીંધતાં માત્ર ૧ રૂપિયામાં સમાજનાં દીકરા–દીકરીનાં લગ્ન કરાવી આપવાનો આવકારદાયક અને ઉદાહરણીય નિર્યણ કર્યો છે. આ નિર્ણય બાદ આજે વીસનગરમાં આ યોજના અંતર્ગત પહેલાં લગ્ન માત્ર ૧ રૂપિયામાં યોજાશે. જોકે માત્ર ૧ રૂપિયામાં લગ્ન કરવા માટે વરઘોડિયાએ વરઘોડો નહીં કાઢવાનો તેમ જ રાસ–ગરબા નહીં રમવાની શરત મૂકી છે.
સમાજના આગેવાન અને સાતસો કડવા પાટીદાર વિવેકાનંદ ચૅરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કીર્તિભાઈ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ યોજનામાં અમારા સમાજની સાતસો પીપલ્સ ક્રેડિટ સોસાયટીના સભ્યો માટે આ આયોજન છે. માત્ર ૧ રૂપિયામાં અમે વર-કન્યાનાં લગ્ન કરાવી આપીશું. માત્ર ૧ રૂપિયાનાં લગ્નમાં વાડી ફ્રી અપાશે તેમ જ એમાં ચોરી અને જમણવારનો ખર્ચ પણ આવી જશે. વર અને કન્યા પક્ષના ૫૦-૫૦ માણસો મળીને કુલ ૧૦૦ માણસો આ લગ્નમાં ઉપસ્થિત રહી શકશે. પ્રવર્તમાન સંજોગોમાં સરકારી ગાઇડલાઇન્સ મુજબ લગ્નપ્રસંગ સંપન્ન કરાવવામાં આવશે. આ યોજનામાં આજે પહેલાં લગ્ન યોજાશે. આનંદપુરા ગામથી વરપક્ષ આવશે અને શાહપુરગામથી કન્યા પક્ષ આવશે.’
લગ્નપ્રસંગમાં ખોટા ખર્ચા ન થાય એ માટે એક રૂપિયામાં લગ્ન કરવા માગતા વરઘોડિયાઓ માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે એની વાત કરતાં તેઓએ કહ્યું હતું કે ‘૧ રૂપિયામાં લગ્ન કરવા માટે શરત એ છે કે રિસેપ્શન, રાસ-ગરબા કે વરઘોડો કાઢવાનો નહીં. સમાજ માટે આ યોજના જાહેર કરતા દાતાઓએ ૨૦ ગિફટ જાહેર કરી છે. આ યોજનામાં લગ્ન કરાવવા ઇન્ક્વાયરી શરૂ થઈ ગઈ છે અને આજે આ યોજનામાં પહેલાં લગ્ન યોજાશે.’
તેઓએ એમ પણ કહ્યું હતું કે ‘સાતસો કડવા પાટીદાર સમાજના નાગરિકો વીસનગર, વડનગર, વીજાપુર અને એની આસપાસના વિસ્તારોમાં વસવાટ કરી રહ્યા છે તેમ જ અમદાવાદ, સુરત સહિતનાં શહેરોમાં પણ નોકરી–ધંધાર્થે વસવાટ કરી રહ્યા છે.’

કોરોના મહામારીમાં સમાજની વ્યક્તિઓના ધંધા પડી ભાંગ્યા હોય કે પછી કોઈની નોકરી છૂટી ગઈ હોય તો લગ્નનો ખર્ચ ક્યાંથી કરી શકે એટલે તથા ખોટા ખર્ચ ન થાય એ માટે અમારા સમાજે માત્ર ૧ રૂપિયામાં લગ્ન કરાવી આપવાની યોજના બનાવી છે.
- કીર્તિભાઈ પટેલ, સાતસો કડવા પાટીદાર વિવેકાનંદ ચૅરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ

shailesh nayak mumbai mumbai news