એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે ફરી સાથે આવશે?

18 July, 2022 11:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અભિનેત્રી અને શિવસેનાની નેતા દીપાલી સૈયદે બન્ને પક્ષ સાથે વાત કરી હોવાનો દાવો કરીને ટૂંક સમયમાં શિવસેનામાં સુમેળ થઈ જવાની શક્યતા વ્યક્ત કરી : સંજય રાઉતે આ વાતને અવગણી

ઉદ્ધવ ઠાકરે, એકનાથ શિંદે

એકનાથ શિંદેના બળવા પછી શિવસેનામાં ભાગલા પડ્યા બાદ મોટી સંખ્યામાં શિવસૈનિકો ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડીને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જૂથમાં જોડાઈ રહ્યા છે ત્યારે મરાઠી અભિનેત્રી અને શિવસેનાની નેતા દીપાલી સૈયદે ગઈ કાલે દાવો કર્યો હતો કે તેણે બન્ને પક્ષના નેતાઓ સાથે મુલાકાત કરી છે. તેઓ ફરી સાથે આવવા માગે છે એટલે ટૂંક સમયમાં જ એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેની મુલાકાત થવાની શક્યતા છે. શિવસેનામાં મધ્યસ્થી કરવા માટે બીજેપીના નેતાઓનો પણ સહયોગ મળી રહ્યો હોવાથી દીપાલી સૈયદે તેમનો આભાર માનતું ટ્વીટ પણ ગઈ કાલે કર્યું હતું. જોકે દીપાલીની વાત શિવસેનાના મુખ્ય પ્રવક્તા સંજય રાઉતને ગમી ન હોવાથી તેમણે દીપાલીને મધ્યસ્થી કરવાનો હક કોણે આપ્યો? એવો સવાલ કરીને તેની વાતને અવગણી હતી.

શિવસેનાની નેતા દીપાલી સૈયદે નજીકના ભવિષ્યમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ચર્ચા કરવા માટે મળી શકે છે એવો દાવો કરતું ટ્વીટ કરતાં ગઈ કાલે રાજકીય વર્તુળમાં ખળભળાટ મચી ગયો હતો. એક તરફ ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદે સાથે જઈ રહેલા શિવસેનાના નેતાઓની હકાલપટ્ટી કરી રહ્યા છે તો સામે પક્ષે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પક્ષમાંથી ઉદ્ધવ ઠાકરેએ કાઢી મૂકેલા નેતાઓને તેઓ જે પદ હતા એમાં જ ફરી નિયુક્તિ કરી રહ્યા છે. બન્ને પક્ષે સમાધાનના કોઈ સંકેત નથી મળી રહ્યા. એવામાં દીપાલી સૈયદે બન્ને નેતાઓની ચર્ચાનું ટ્વીટ કર્યું છે.

દીપાલી સૈયદે બે દિવસ પહેલાં જ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મુલાકાત લીધી હતી. દીપાલી સૈયદે આ વિશે કહ્યું હતું કે શિવસેનામાં તેની એન્ટ્રી એકનાથ શિંદેએ જ કરાવી હોવાથી તે તેમને મુખ્ય પ્રધાન બનવા બદલ શુભેચ્છા આપવા ગઈ હતી. ગઈ કાલે તેણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘શિવસેનામાં ચાલી રહેલો ઝઘડો બંધ થાય અને ફરી બધું ઠીક થઈ જાય એ માટેના પ્રયાસ તે કરી રહી છે. ઉદ્ધવ ઠાકરેએ માતોશ્રીના દરવાજા શિવસેનાના બધા નેતાઓ માટે ખુલ્લા હોવાનું કહ્યું છે. સામે પક્ષે અનેક વિધાનસભ્યો પણ શિવસેના એક થાય એમ ઇચ્છે છે. બીજેપીના કેટલાક નેતાઓ પણ આ મામલે મધ્યસ્થી કરી રહ્યા છે. આથી મને લાગે છે કે ટૂંક સમયમાં બન્ને નેતા ચર્ચા માટે મળશે.’

તમને કાયદો, બંધારણ શું છે એ ખબર પડે છે?

એકનાથ શિંદેની સરકાર અસ્તિત્વમાં આવ્યા બાદ હજી સુધી પ્રધાનમંડળની રચના કરવામાં આવી ન હોવાથી શિવસેનાના મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે બે જણના પ્રધાનમંડળે લીધેલા નિર્ણયો ગેરકાયદે હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે ‘રાજ્યની ૧૨ કરોડની જનતાનો નિર્ણય માત્ર બે જ વ્યક્તિ લઈ રહી છે. બંધારણ ક્યાં છે? પ્રધાનમંડળનું વિસ્તરણ ન થાય ત્યાં સુધી રાષ્ટ્રપતિશાસન લાદવું જોઈએ.’

બીજેપીના વરિષ્ઠ નેતા આશિષ શેલારે આ વિશે કહ્યું હતું કે ‘મહાવિકાસ આઘાડી સરકારમાં ૭ પ્રધાનોએ ૩૨ દિવસ નિર્ણયો લીધા હતા. સંજય રાઉત હવે કહે છે કે બંધારણની કલમ ૧૬૪ (૧એ) મુજબ સરકારમાં નિર્ણય લેવા માટે ઓછામાં ઓછા ૧૨ પ્રધાન હોવા જોઈએ. તમને કાયદો અને બંધારણની સમજ છે? બંધારણની આ કલમમાં પ્રધાનમંડળ કેટલું મોટું હોવું જોઈએ એનો ઉલ્લેખ છે, નિર્ણય લેવા માટે સરકારમાં કેટલા પ્રધાન હોવા જોઈએ એ વિશે કંઈ જ નથી.’

ઉદ્ધવ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસ સાથે ડીલ કરવાનો પ્રયાસ કરેલો?

શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને સમજાઈ ગયું હતું કે હવે તેમની ખુરસી બચાવવાનું મુશ્કેલ બની ગયું છે ત્યારે તેમણે સંકટમાંથી બહાર આવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું કહેવાય છે. જોકે બીજેપીના કેન્દ્રીય નેતાઓએ ઉદ્ધવ ઠાકરેને કોઈ જવાબ નહોતો આપ્યો. સૂત્રો મુજબ એકનાથ શિંદેએ ૨૬ વિધાનસભ્યો સાથે પક્ષમાં બળવો કર્યો હતો ત્યારે ઉદ્ધવ ઠાકરે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ સમયે તેમણે પોતાની નજીકના અને ભૂતપૂર્વ કૅબિનેટ પ્રધાનના માધ્યમથી દેવેન્દ્ર ફડણવીસનો સંપર્ક કર્યો હતો અને બીજેપીએ ડાયરેક્ટ પોતાની સાથે વાત કરવી જોઈએ એવું ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું, જેથી એ એકનાથ શિંદેને સમર્થન ન આપે. એ સમયે દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેની ઑફર નકારતાં કહ્યું હતું કે હવે વાત બહુ આગળ વધી ગઈ છે. દેવેન્દ્ર ફડણવીસે ના પાડ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને ફોન કર્યા હતા, પરંતુ તેમણે તેમને કોઈ જવાબ નહોતો આપ્યો. ૨૦૧૯માં દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને ૨૫ ફોન કર્યા હતા, પરંતુ તેમણે જવાબ નહોતો આપ્યો. આથી બીજેપીએ આ વખતે નક્કી કરી લીધું છે કે એને ઉદ્ધવ ઠાકરે વગરની શિવસેના જોઈએ છે.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મુને ૨૦૦ વિધાનસભ્યો મત આપશે : એકનાથ શિંદે

આજે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થવાનું છે એમાં એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને ૨૦૦ વિધાનસભ્યો મત આપશે એવો દાવો ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કર્યો હતો. જોકે સવાલ એ છે કે તેમની પાસે ૧૬૫ અને ઉદ્ધવ ઠાકરે સાથે શિવસેનાના ૧૫ વિધાનસભ્યો છે. બન્નેનો આંકડો ૧૮૦ થાય છે. તો બીજા ૨૦ વિધાનસભ્યો ક્યાંથી આવશે? રાજ્યમાં બીજેપી અને શિવસેના ઉપરાંત એનસીપીના ૫૩ અને કૉન્ગ્રેસના ૪૪ વિધાનસભ્યો છે. તો શું આ બન્ને પક્ષના ૨૦ વિધાનસભ્યો ક્રૉસવોટિંગ કરશે?

mumbai mumbai news maharashtra shiv sena uddhav thackeray bharatiya janata party eknath shinde